શહેરના કોઠારીયા મેઈન રોડ નજીક હરીધવા મેઇન રોડના છેડે પટેલ ચોક પાસે કારને આંતરી બિલ્ડર હિરેન હાપલિયા પર છરી, ધોકા અને પાઇપ વડે હુમલો કરવાના ગુનામાં કોર્ટે બે આરોપીને ત્રણ ત્રણ વર્ષની સજા અને રૂૂ.50 હજારનો દંડ ફટકારતો હુકમ કર્યો છે જેમાં રૂૂ.30,000 સરકારમાં જમા કરાવવા આદેશ કર્યો છે. જ્યારે કેસની ટ્રાયલ દરમિયાન એક શખ્સનું અવસાન થતા કેસમાંથી એબેટ કરવામાં આવ્યા છે.
આ કેસની હકીકત મુજબ શહેરના ગુંદાવાડી મેઈન રોડ પર આરંભ એપાર્ટમેન્ટમાં રહેતા હિરેન બીપીનભાઈ હાપલિયા નામના બિલ્ડરે કોઠારીયા રોડ ગોકુલનગર રહેતા ગિરિરાજસિંહ ખુમાનસિંહ ઝાલા, દેવપરા શાક માર્કેટ પાછળ રહેતા રાહુલ નરેન્દ્ર પાટડીયા અને મનીષ દીપક ધોરીયા સહિત ત્રણ શખ્સોએ છરી પાઇપ અને ધોકા વડે હુમલો કર્યા અંગેની ભક્તિનગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.
ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે બિલ્ડ હિરેન હાપલીયા બે વર્ષના પુત્ર સાથે પોતાના પરફેક્ટ ફર્નિચરના શોરૂૂમમાં કારમાં જતા હતા ત્યારે હરિધવા મેઇન રોડના છેડે આવેલ પટેલ ચોક પાસે પહોંચતા બાઈકમાં આવેલ ત્રણ શખ્સ કારને ઓવરટેક કરી કાર આડે બાઈક રાખી હથિયારોથી હુમલો કર્યો હતો. પોલીસે ત્રણેય શખ્સની ધરપકડ કરી તપાસ પૂર્ણ થતા જેલ હવાલે કર્યા હતા બાદ તપાસનીશ દ્વારા અદાલતમાં ચાર્જશીટ રજૂ કરવામાં આવ્યું હતું અને કેસની સુનાવણી હાથ ધરવામાં આવી હતી.
કેસની સુનાવણી દરમિયાન મનીષ દીપક ધોરીયા નામના શખ્સ મૃત્યુ થતા તેને કેસમાંથી એબેટ કરવામાં આવ્યો હતો. બાદ ફરિયાદી, સાહેદો, પંચો, તપાસનીશ, તબીબ, નજરે જોનાર સાહેદ, એફએસએલને તપાસવામાં આવ્યા હતા. બંને પક્ષોની રજૂઆત બાદ સરકારી વકીલ ડી.કે શ્રીમાળી દ્વારા લેખિત મૌખિક દલીલ કરી હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટના ચુકાદા ટાંક્યા હતા જે ધ્યાને લઇ ન્યાયધીશ વી.ડી. મોઢ દ્વારા આરોપી ગિરિરાજસિંહ ઝાલા અને રાહુલ પાટડીયાને તકસીરવાન ઠેરવી ત્રણ વર્ષની સજા અને રૂૂ.50,000 નો દંડ ફટકારતો હુકમ કર્યો છે. જો દંડની રકમ સમય મર્યાદામાં નો ચૂકવે તો વધુ ત્રણ માસની કેદ અને દંડની રકમમાંથી રૂૂ.30 હજાર સરકારમાં જમા કરાવવા હુકમ કર્યો છે. આ કેસમાં સરકારી વકીલ ડી.કે શ્રીમાળી રોકાયા હતા.
