હત્યાની કોશિશના ગુનામાં બે આરોપીને 12 વર્ષની સજા અને 50 હજારનો દંડ ફટકારતી અદાલત

શ્વાનને રોટલી નાખવા મુદ્દે પાડોશી પિતા-પુત્ર સહિત ત્રણેય શખ્સે મહિલા પર હુમલો કરી વચ્ચે પડેલા દંપતીને માર માર્યો’તો શહેરના લક્ષ્મીવાડી વિસ્તારમાં વર્ષ-2018 માં શ્વાનના મામલે…

શ્વાનને રોટલી નાખવા મુદ્દે પાડોશી પિતા-પુત્ર સહિત ત્રણેય શખ્સે મહિલા પર હુમલો કરી વચ્ચે પડેલા દંપતીને માર માર્યો’તો

શહેરના લક્ષ્મીવાડી વિસ્તારમાં વર્ષ-2018 માં શ્વાનના મામલે થયેલી બોલાચાલીનો ખાર રાખી મહિલા અને દંપતી પર છરી અને ધોકા વડે પિતા-પુત્ર સહિત ત્રણ શખ્સોએ કરેલા ખૂની હુમલાના ગુનામાં કોર્ટે બે આરોપી મિત્રોને 12 વર્ષની સજા અને દંડની રકમ ઈજાગ્રસ્ત સાહેદને ચૂકવી આપવા તેમજ એક આરોપીને છોડી મુકવાનો હુકમ કર્યો છે.

આ કેસની હકીકત મુજબ શહેરના લક્ષ્મીવાડી વિસ્તારમાં રહેતા શારદાબેન રવજીભાઈ સીંશાગીયા નામની મહિલાએ પાડોશમાં રહેતા હાર્દિક મગનભાઈ ખેરડીયા, તેજસ દિવ્યેશ રાઠોડ અને દિવ્યેશ ઉર્ફે કાનો માવજીભાઈ રાઠોડ સહિત ત્રણ શખ્સોએ છરી અને ધોકા વડે હુમલો કર્યાની ભક્તિનગર પોલીસમાં ફરીયાદ નોંધાવી હતી. પોલીસે હત્યાની કોશીષ સહિતની કલમ હેઠળ ગુનો નોંઘ્યો હતો. પોલીસ ફરીયાદમાં જણાવ્યા પ્રમાણે શારદાબેન શ્વાનને રોટલી નાખવા મુદ્દે પાડોશી હાર્દિક ખેરડીયા અને તેનો મિત્ર તેજસ રાઠોડ તેના પિતા દિવ્યેશ રાઠોડે હુમલો કર્યો હતો. જેમાં શારદાબેનને બચાવવા વચ્ચે પડેલા ભત્રીજા દિપક અને તેની પત્નિ તન્વીબેનને પણ માર માર્યો હતો. પોલીસે ત્રણ શખ્સોની ધરપકડ કરી તપાસ પૂર્ણ થતા અદાલતમાં ચાર્જશીટ રજૂ કરવામાં આવી હતી. કેસની સુનાવણી ચાલવા પર આવતા જેમાં સરકારપક્ષે 16 સાહેદો અને 55 દસ્તાવેજી પુરાવા રજૂ કર્યા હતા.

ફરીયાદી, ઈજાપામનાર, નજરેજોનાર, તપાસનીસ, તબીબ અને એફએસએલના અધિકારીઓની જુબાની લેવામાં આવી હતી બન્ને પક્ષોની રજૂઆત બાદ ફરીયાદી અને સરકારપક્ષે ધારદાર દલીલો કરી અને હાઈકોર્ટ અને સુપ્રિમ કોર્ટના ટાંકેલા ચૂકાદાઓને ઘ્યાને લઈ અધિક સેશ.જજ વિ.કે.ભટ્ટે હાર્દિક ખેરડીયા અને તેજસ દિવ્યેશ રાઠોડને કલમ 307 માં 12 વર્ષની સજા, 50 હજારનો દંડ, 326 માં 7 વર્ષની સજા, 10 હજારનો દંડ તેમજ 448 માં 3 માસની સજાનો હુકમ કર્યો છે. જ્યારે સાહેદ દિપકભાઈને દંડની રકમમાંથી વળતર ચૂકવવા જ્યારે દિવ્યેશ ઉર્ફે કાનો માવજી રાઠોડને છોડી મુકવાનો હુકમ કર્યો છે.
આ કેસમાં સરકાર પક્ષે એ.પી.પી. પરાગ શાહ અને મૂળ ફરીયાદી તરફે એડવોકેટ તરીકે જયેન્દ્ર ગોંડલીયા રોકાયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *