કલ્યાણપુરમાં પત્નીની હત્યાના ગુનામાં પતિને આજીવન કેદની સજા ફટકારતી કોર્ટ

કલ્યાણપુર તાલુકાના નવા ખીજદડ ગામે વાડી વિસ્તારમાં એકલા રહેતા દેસુર જેસાભાઈ સુવા નામના યુવાનના પત્નીને સંતાન ન હતું. આ દંપતિ વચ્ચે અવારનવાર નાની-મોટી બાબતે બોલાચાલી…

કલ્યાણપુર તાલુકાના નવા ખીજદડ ગામે વાડી વિસ્તારમાં એકલા રહેતા દેસુર જેસાભાઈ સુવા નામના યુવાનના પત્નીને સંતાન ન હતું. આ દંપતિ વચ્ચે અવારનવાર નાની-મોટી બાબતે બોલાચાલી થતી હતી.

આ વચ્ચે ગત તારીખ 6 એપ્રિલ 2016 ના રોજ સવારના આશરે 6 વાગ્યાના સમયે પતિ-પત્ની વચ્ચે કોઈ બાબતે ઝઘડો થયો હોય, જેના કારણે આરોપી પતિ દેસુર સુવાએ ઘાતક હથિયારો વડે પોતાના પત્ની ઉપર હુમલો કરી, માથાના તથા મોઢાના ભાગે જીવલેણ ઈજાઓ પહોંચાડતા તેણીનું મૃત્યુ નિપજ્યું હતું. આ ઘટના બાદ આરોપીએ પોતે પણ દવા પી લીધી હતી. આ સમગ્ર પ્રકરણ અંગે આરોપીના પરિવારજન દ્વારા કલ્યાણપુર પોલીસ મથકમાં ધોરણસર ફરિયાદ નોંધાવવામાં આવી હતી.

જે અન્વયે પોલીસે હત્યા સહિતની જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધી અને તપાસ બાદ આરોપી વિરુદ્ધ પૂરતા પુરાવા એકત્ર કરી અને કોર્ટમાં ચાર્જશીટ રજૂ કર્યું હતું. આ અંગેનો કેસ દ્વારકાના એડિશનલ સેશન્સ કોર્ટના જજ કે.જે. મોદી સમક્ષ ચાલી જતા આ પ્રકરણમાં ફરિયાદી, મેડિકલ ઓફિસર, આઈ.ઓ. તથા અન્ય સાહેદોની જુબાની તેમજ જિલ્લા સરકારી વકીલ એલ.આર. ચાવડા દ્વારા કરવામાં આવેલી મુદ્દાસરની દલીલોને ધ્યાનમાં રાખી, નામદાર અદાલતે આરોપી દેસુર જેસાભાઈ સુવાને તકસીરવાન ઠેરવી હત્યાના ગુનામાં આજીવન કેદની સજા તેમજ રૂૂ. 15,000 નો દંડ ફટકારતો હુકમ કર્યો હતો.

દારૂ સાથે ઝડપાયો
કલ્યાણપુર તાલુકાના દેવળીયા ગામે રહેતા વેજા રામદે માડમ નામના 42 વર્ષના શખ્સના રહેણાંક મકાનમાંથી પોલીસે રૂૂપિયા 1,16,600 ની કિંમતની વિદેશી દારૂૂની 106 બોટલ તેમજ એક મોબાઈલ ફોન સહિતના મુદ્દામાલ સાથે આરોપીની અટકાયત કરી હતી. દારૂૂનો આ જથ્થો તેણે ભાણવડ તાલુકાના રાણપર ગામના જગા દાના રબારી નામના શખ્સ પાસેથી મેળવ્યો હોવાનું પોલીસ સમક્ષ ખુલવા પામ્યું છે. જે અંગે કલ્યાણપુર પોલીસે ધોરણસર ગુનો નોંધી, આગળની તપાસ હાથ ધરી છે.

બીજા બનાવમાં દ્વારકાના હાથી ગેટ પાસેથી પોલીસે રાહુલ રાજુ ચૌહાણ અને ગોપાલ રાજુ ચૌહાણ નામના બે શખ્સોને ચલણી નોટોના નંબર ઉપર એકી-બેકીનો જુગાર રમતા ઝડપી લઇ, કુલ રૂૂ. 5,400 નો મુદ્દામાલ કબજે કર્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *