તાજેતરમાં ડ્રગ્સની બાતમી આપી હોવાની શંકાથી કાવતરુ રચી મહિલાનું અપહરણ કરી અને ધમકી આપવાના ગુન્હાના આરોપી જીજ્ઞેશ ઉર્ફે બાવકુ અરવિંદભાઈ ગોહીલ (રહે. આનંદનગર બ્લોક નં. 7, કવાર્ટર નં. 287, કોઠારીયા રોડ, રાજકોટ)એ સેશન્સ અદાલતમાં દાખલ કરેલી રેગ્યુલર જામીન અરજી ફગાવી દેવામાં આવી છે.
આ કેસની ટુંક હકીકત મુજબ આરોપી જીજ્ઞેશ ઉર્ફે બાવકુ અરવિંદભાઈ ગોહીલના ભાઈ ઉપર જુલાઈ મહિનામાં ડ્રગ્સનો કેસ થયેલો, જે અંગેની બાતમી ફરીયાદી બહેને પોલીસને આપેલની શંકા રાખી જીજ્ઞેશ ઉર્ફે બાવકુ અરવિંદભાઈ ગોહીલ તેના ભાઈ દિનેશ તથા અન્ય બે વ્યકિતઓએ મળી અપહરણનું કાવતરું રચેલ અને જે પ્લાનના ભાગરૂૂપે ન્યારી ડેમના પાટિયા પાસેથી ફરીયાદી બહેનનું કારમાં અપહરણ કરવામાં આવેલ અને તેને ચૌધરી હાઈસ્કુલ પાસે લઈ જઈ ગેરકાયદેસર અટકાયતમાં રાખી ધમકી આપી અને વકીલ પાસે લઈ જઇ બળજબરીપૂર્વક તેની સહી લેવામાં આવી હોવાની મહિલાએ કુલ 3 વ્યકિતઓના નામ સાથે તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી હતી. જેના આધારે પોલીસે તપાસ કરીને હાલના આરોપી તેના ભાઈ દિનેશ તથા ચિરાગ ઉર્ફે બકાલીને ઝડપી લીધા હતા.
ઉપરોકત બનાવ સંબંધે આરોપી જીજ્ઞેશ ઉર્ફે બાવકુ અરવિંદભાઈ ગોહીલે સેશન્સ કોર્ટ સમક્ષ જામીન અરજી દાખલ કરેલી, જે કામમાં સરકારી વકીલે દલીલ કરેલી કે આરોપી સામે પ્રથમ દર્શનીય કેસ છે, ગુન્હો ગંભીર છે આરોપીનું પ્રથમથી એફ.આઈ.આર.માં નામ છે અને સ્ત્રી ફરીયાદીનું અપહરણ કરી તેની પાસેથી સોગંદનામામાં સહી લેવામાં આવેલ છે. જે તમામ બાબતોને ધ્યાને લઈ અને હાલના આરોપીનો રોલ અન્ય પાસાઓને ધ્યાને લઈ કોર્ટે આરોપીની જામીન અરજી રદ કરતો હુકમ કરેલ છે. આ કેસમાં સરકાર પક્ષે એ.પી.પી. મહેશકુમાર જોષી રોકાયા હતા.
