રાજકોટ શહેરમાં ગઈકાલે મોડી રાતથી જ મેઘરાજાની તોફાની બેટિંગ શરૂૂ થઈ ગઈ છે. સતત વરસી રહેલા મુસળધાર વરસાદને કારણે શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે અને સામાન્ય જનજીવન પર તેની ગંભીર અસર પડી છે. હવામાન વિભાગ દ્વારા સમગ્ર રાજકોટ જિલ્લા માટે વરસાદનું ’રેડ એલર્ટ’ જાહેર કરવામાં આવ્યું છે, જેને પગલે નાગરિકોને બિનજરૂૂરી બહાર ન નીકળવા તાકીદ કરવામાં આવી છે. આ કટોકટીભરી સ્થિતિમાં શહેરના વાહનવ્યવહાર તેમજ અન્ય સરકારી કામગીરી પર પણ વિપરીત અસર જોવા મળી છે. માર્ગો પર પાણી ભરાવાને કારણે લોકો માટે ઘરની બહાર નીકળવું અને મુસાફરી કરવી અત્યંત જોખમી બની ગયું છે.
કુદરતી આપદા અને વિપરીત પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને રાજકોટ બાર એસોસિએશન દ્વારા તાત્કાલિક ધોરણે એક મહત્વપૂર્ણ સર્ક્યુલર બહાર પાડવામાં આવ્યો હતો. રાજકોટ બાર એસોસિએશનના પ્રમુખ સુમિત વોરા અને સેક્રેટરી નિલેશ પટેલ દ્વારા સંયુક્ત રીતે એક મહત્વનો ઠરાવ પસાર કરીને શહેરની તમામ અદાલતોને અપીલ કરવામાં આવી હતી કે, ખરાબ હવામાન અને રેડ એલર્ટના કારણે ઘણા પક્ષકારો અને વકીલો માટે કોર્ટ સુધી પહોંચવું શક્ય નથી. તેથી આવી પરિસ્થિતિમાં માત્ર ગેરહાજરીના કારણે કોઈ પણ અરજદાર કે પક્ષકારને કાનૂની કે ન્યાયિક નુકસાન ન ભોગવવું પડે તે સુનિશ્ચિત કરવું અત્યંત જરૂૂરી છે. રાજકોટ બાર એસોસિએશનના હોદ્દેદારોએ રાજકોટ શહેરમાં આવેલી તમામ અદાલતોના ન્યાયાધીશોને અપીલ કરી હતી કે વકીલો કે પક્ષકારોની ગેરહાજરીના કારણે કેસોમાં કોઈ એકતરફી અથવા પક્ષકારોને નુકસાન થાય તેવા પ્રતિકૂળ હુકમો ફરમાવવામાં ન આવે.
આ ઉપરાંત તમામ અદાલતી કેસોમાં હાલ પૂરતી ’યથાવત સ્થિતિ’ (સ્ટેટસ કો) જાળવી રાખવા ખાસ વિનંતી કરવામાં આવી હતી. આ નિર્ણયનો મુખ્ય હેતુ એ છે કે કુદરતી આફતના સમયે ન્યાય મેળવવા આવતા નાગરિકોના કાનૂની અધિકારોનું રક્ષણ થાય અને તેઓને વ્યાજબી સમર્થન મળી રહે. વરસાદી માહોલ અને રેડ એલર્ટના કારણે અદાલતી કાર્યવાહી એક દિવસ માટે પ્રભાવિત રહી હતી અને મોટાભાગનું કામકાજ થંભી ગયું હતું. માનવતાવાદી અને વ્યાવહારિક વિનંતીને ધ્યાને રાખીને અદાલતોમાં કેસોની આગળની તારીખો મુકરર કરવામાં આવી હતી. આ નિર્ણયને કારણે ભારે વરસાદની સ્થિતિમાં દૂર-દૂરથી આવતા અસીલોમાં રહેલી ચિંતા દૂર થઈ હતી અને કટોકટીના સમયે ન્યાયતંત્રની સંવેદનશીલતા જોવા મળી હતી.
