મોટામવાની કિંમતી જમીનના સાટાખત કરારની અમલવારીનો દાવો ફગાવતી અદાલત

મોટા મવા સર્વે નંબરની કીંમતી ખેતીની ત્રણ એકર જમીન સંદર્ભે 1978માં થયેલા સાટાખત કરારની અમલવારીનો દાવો સમય મર્યાદા તેમજ વાદી પાસે કોઈ વિગત ન હોવાના…

મોટા મવા સર્વે નંબરની કીંમતી ખેતીની ત્રણ એકર જમીન સંદર્ભે 1978માં થયેલા સાટાખત કરારની અમલવારીનો દાવો સમય મર્યાદા તેમજ વાદી પાસે કોઈ વિગત ન હોવાના કારણોસર સિવિલ કોર્ટ દ્વારા ફગાવી દેવામાં આવ્યો છે.

આ અંગેની હકીકત મુજબ, મુંબઈના કૈલાશકુમાર ભીખાલાલ પારેખે 2008ની સાલમાં રાજકોટ સિવિલ કોર્ટમાં કરાર પાલન સંબંધે એવા પ્રકારનો દાવો દાખલ કરેલ કે મોટામવાના રે.સ.નં. 50ની કાલાવડ રોડ ઉપર આવેલ જમીન એ. 11-24 ગુંઠા માંહેથી જમીન એ.3-00 ગુંઠા ખેંગારજી ગગુભાઈ જાડેજા અને ચતુરસિંહ ગગુભાઈ જાડેજાએ રૂૂા. 12,000/-માં તેને વેચાણ આપી હતી, અને રૂૂા. 10,000/- સુથી પેટે સ્વીકારી તા. 04/ 0ર/1978ના રોજ સાટાખતનો કરાર કરી આપેલ હતો અને કરારની શરત પ્રમાણે ખરીદનાર કૈલાશકુમાર પારેખ બિનખાતેદાર હોય તેમણે ખેતીની જમીન મેળવવા પરવાનગી તેના ખર્ચે મેળવી વેચાણ દસ્તાવેજ કરાવી લેવાનો હતો.

દરમિયાન આ કરાર પાલનના દાવાનો મુળ ખાતેદાર ખેડૂત ખેંગારજી ગગુભા જાડેજા અને ચતુરસિંહ ગગુભા જાડેજાના વારસો વતી ધારાશાસ્ત્રી અર્જુન પટેલ અને કેતન શાહ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો, આ દાવામાં પુરાવો પુર્ણ થયા બાદ એવી દલીલ કરવામાં આવી હતી કે, આ કરાર ડિલેના કારણે, કાયદાથી પ્રતિબંધીત હોવાના કારણે અને કરાર સાબિત થતો ન હોવાના કારણે આ દાવો રદ કરવો જોઈએ. અદાલતે આ બંને ધારાશાસ્ત્રીઓની દલીલો ગ્રાહય રાખી દાવો રદ કરતાં ઠરાવેલ છે કે, પડેલા પુરાવાથી તેમજ વાદીની ઉલટ તપાસથી અદાલત સમક્ષ એવી હકીકત જણાઇ આવે છે કે 11 એકરમાંથી દાવાવાળી 3 એકર જમીન કેવી રીતે ઓળખી શકાય તે હકીકત વાદી જણાવી શકતા નથી.

તેમજ હાલનો દાવો તેઓએ કોની સામે કરેલ છે તે પણ તેમને યાદ નથી. દાવાવાળી મિલ્કતનો સોદો લેખિત હતો કે મૌખિક તે પણ તેમને યાદ નથી. તેમજ આંક-99વાળો સાટાખત કોણે તૈયાર કરેલ છે તે બાબતે પણ આ ખરીદનાર કંઈ જાણતા નથી. આમ આ વાદી સાટાખતમાં લખવામાં આવેલી હકીકતો પુરવાર કરી શકતા નથી. અદાલતે વધુમાં એવું પણ નોંધ્યુ છે કે, આ ખરીદનાર ખાતેદાર ખેડૂત નથી. ત્યારે આવા સાટાખતનો કરાર વોઈડ કરાર છે અને વોઈડ કરાર મુળથી જ રદ બાતલ છે. જેથી આવા પ્રકારના કરારનું પાલન કરાવી શકાય નહી. તેમ ઠરાવી વાદીનો કરાર પાલનનો દાવો રદ કર્યો છે. આ કેસમાં પ્રતિવાદીઓ વતી એડવોકેટ તરીકે રાજકોટના એડવોકેટ અર્જુન એસ. પટેલ, કેતન શાહ, સંજય શાહ, મહેન એમ. ગોંડલીયા, રવિન એન. સોલંકી, ભાર્ગવ એ. પાનસુરીયા અને આકાંક્ષા એચ. રાજદેવ રોકાયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *