ડ્રગ્સની બાતમી આપ્યાની શંકા પરથી દંપતી ઉપર હુમલો

રાજકોટ શહેરના યુનિવર્સિટી રોડ પર આવેલા ગાંધીગ્રામ-2 પોલીસ સ્ટેશન હેઠળના ધરમનગર આવાસ યોજના ક્વાર્ટર વિસ્તારમાં જૂની રંજિશ અને શંકાના આધારે એક યુવક તથા તેની પત્ની…

રાજકોટ શહેરના યુનિવર્સિટી રોડ પર આવેલા ગાંધીગ્રામ-2 પોલીસ સ્ટેશન હેઠળના ધરમનગર આવાસ યોજના ક્વાર્ટર વિસ્તારમાં જૂની રંજિશ અને શંકાના આધારે એક યુવક તથા તેની પત્ની પર ચાર શખ્સો દ્વારા જાનલેવા હુમલો કરવામાં આવ્યો હોવાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. પોલીસના પૂર્વ બાતમીદાર હોવાની શંકા રાખીને આરોપીઓએ યુવકને ઘેરી લઈ લાકડાના ધોકા, છરી અને સ્ટીલના પાઈપ જેવા ઘાતક હથિયારો વડે માર માર્યો હતો. આ હુમલામાં યુવક અને તેને બચાવવા વચ્ચે પડેલી તેની પત્ની બંને ઈજાગ્રસ્ત થતાં તેઓને સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. આ બનાવ અંગે ગાંધીગ્રામ-2 પોલીસે ચાર શખ્સો સામે અગમચેતી વિના હુમલો કરવા તથા ધમકી આપવા બદલ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

બનાવની વિગતો અનુસાર, ધરમનગર આવાસ યોજના ક્વાર્ટરમાં રહેતા અને ડ્રાઈવિંગ કરી ગુજરાન ચલાવતા અનિરુદ્ધસિંહ અરવિંદસિંહ વાઘેલા (ઉં.વ. 28) તારીખ 15 સપ્ટેમ્બર 2026ના રોજ બપોરના આશરે ચાર વાગ્યાના સુમારે પોતાના ક્વાર્ટર બહાર રોડ પર ઉભા હતા. તે સમયે આ જ વિસ્તારમાં રહેતો સુનિલ ઉર્ફે સુન્ની અને તેનો મિત્ર ઋત્વિક એક્સેસ મોટરસાયકલ પર ત્યાંથી નીકળ્યા હતા. ત્યારબાદ આશરે 15 મિનિટ પછી સુનિલ ઉર્ફે સુન્ની, ઋત્વિક, ભોલો તથા એક અજાણ્યો શખ્સ એક્સેસ અને સ્પ્લેન્ડર મોટરસાયકલ લઈને અનિરુદ્ધસિંહના ઘર પાસે આવ્યા હતા. અગાઉ એમ.ડી. ડ્રગ્સના કેસમાં પકડાયેલા સુનિલે અનિરુદ્ધસિંહ પર શંકા કરીને કહ્યું હતું કે, “હું એમ.ડી.ના કેસમાં પકડાયો તેની બાતમી તેં જ પોલીસને આપી હતી”. અનિરુદ્ધસિંહે પોતાનો કોઈ વાંક ન હોવાનું જણાવતાં સુનિલ ઉશ્કેરાઈ ગયો હતો અને ગાળો આપવા લાગ્યો હતો.

ત્યારબાદ ઉશ્કેરાયેલા સુનિલ ઉર્ફે સુન્નીએ મોટરસાયકલમાંથી લાકડાનો ધોકો કાઢીને અનિરુદ્ધસિંહને જમણી બાજુ પડખાના ભાગે ફટકારી દીધો હતો. તેની સાથે રહેલા ઋત્વિકે પોતાના નેફામાંથી છરી કાઢી ડાબા હાથની કોણી પાસે અને જમણા પગના ઘૂંટણ નીચેના ભાગે છરકા કરી દીધા હતા. આ સિવાય ભોલા નામના શખ્સે લાકડાના ધોકા વડે અને અજાણ્યા શખ્સે સ્ટીલના પાઈપ વડે અનિરુદ્ધસિંહને શરીરે, કમરે તથા પેટના ભાગે આડેધડ ઘા મારી મૂઢ ઈજાઓ પહોંચાડી હતી. આ દરમિયાન ઋત્વિક વધુ છરીના ઘા મારવા જતાં અનિરુદ્ધસિંહના પત્ની રૂૂબીનાબેન વચ્ચે પડ્યા હતા, જેથી તેઓને પણ ડાબા હાથની આંગળી પર છરીનો છરકો વાગ્યો હતો.

બનાવ પગલે આજુબાજુમાંથી લોકો ભેગા થઈ જતાં ચારેય હુમલાખોરો ત્યાંથી ભાગવા લાગ્યા હતા. ભાગતી વખતે સુનિલ ઉર્ફે સુન્નીએ આજ પછી ક્યારેય પોલીસને બાતમી આપીશ તો જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી હતી. ઘટના બાદ ઈજાગ્રસ્ત અનિરુદ્ધસિંહ અને તેમની પત્ની રૂૂબીનાબેનને સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા જ્યાં તબીબોએ જરૂૂરી સારવાર આપી હતી. ગાંધીગ્રામ-2 પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ પુષ્પરાજસિંહ ગોહિલે આ મામલે સુનિલ ઉર્ફે સુન્ની, ઋત્વિક, ભોલો અને અજાણ્યા શખ્સ વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

પોલીસે ડ્રગ્સની બાતમી માટે ક્યુઆર કોડ જાહેર કર્યો છે ત્યારે જ બનેલી ઘટનાથી ઉઠતા સવાલ
રાજકોટ પોલીસે તાજેતરમાં નશાકારક પદાર્થો અને ડ્રગ્સ અંગેની ગુપ્ત બાતમી આપવા માટે ક્યુઆર કોડ જાહેર કર્યો છે, પરંતુ બીજી તરફ ધરમનગર આવાસ યોજના ખાતે બનેલી ઘટનાએ નાગરિકોની ચિંતામાં વધારો કર્યો છે. ડ્રગ્સ કેસમાં બાતમી આપી હોવાની શંકા રાખી યુવક અને તેની પત્ની પર ધોકા તથા છરી વડે થયેલા જાનલેવા હુમલા બાદ સ્થાનિક લોકોમાં ભારે ભય વ્યાપી ગયો છે. એક તરફ પોલીસ તંત્ર નાગરિકોને નશાકારક પ્રવૃત્તિઓ સામે અવાજ ઉઠાવવા પ્રોત્સાહિત કરી રહ્યું છે, ત્યારે બીજી તરફ આવી ઘટનાઓથી લોકોમાં અસુરક્ષાની ભાવના ઊભી થઈ છે. પોલીસે ગુનેગારોમાં કાયદાનો ડર ઊભો કરવો જરૂૂરી બન્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *