જૂનાગઢમાં ગીરવે મૂકેલુ છ તોલા સોનુ પરત માંગતા દંપતી પર હુમલો

મહિલાના ગળે ફરસી રાખી ધમકી આપી કે, તારા પતિને સમજાવી દેજે નહિતર પતિ અને બાળકોને કાપીને ફેંકી દઇશ જૂનાગઢ શહેરમાં વારસાઈ સોનું ગીરવે મૂકવા બાબતે…

મહિલાના ગળે ફરસી રાખી ધમકી આપી કે, તારા પતિને સમજાવી દેજે નહિતર પતિ અને બાળકોને કાપીને ફેંકી દઇશ

જૂનાગઢ શહેરમાં વારસાઈ સોનું ગીરવે મૂકવા બાબતે થયેલી જૂની અદાવતનું મનદુ:ખ રાખી બે શખ્સોએ એક દંપતી પર જીવલેણ હુમલો કર્યો હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. આરોપીઓએ જાહેરમાં યુવકને છરીના હાથા વડે માર મારી ઈજા પહોંચાડ્યા બાદ તેના ઘરે જઈ પત્નીના ગળે ફરસી રાખી બાળકોને જાનથી મારી નાખવાની ધમકી આપતા ચકચાર મચી ગઈ છે. હાલ ઈજાગ્રસ્ત દંપતી સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર હેઠળ છે.

જૂનાગઢના નાની હવેલી વિસ્તારમાં રહેતા અને મજૂરી કામ કરતા મોહસીનમિયા સલીમમિયા સૈયદે એ-ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. મોહસીનમિયાએ આશરે અઢી મહિના પહેલા પોતાના સાડા છ તોલા વારસાઈ સોનાના દાગીના તેના મિત્ર નિઝામ હિંગોરાને ગીરવે મૂકી પાંચ લાખ રૂૂપિયા મેળવવા આપ્યા હતા.
જોકે, નિઝામે રૂૂપિયા કે સોનું પરત ન આપતા મોહસીનમિયાએ પોલીસમાં અરજી કરી હતી. આ અરજી દરમિયાન જાણવા મળ્યું હતું કે, સોનું એજાજ સેતા નામના શખ્સ પાસે છે. પોલીસમાં અરજી કરવાને લીધે એજાજનો માસીયાઈ ભાઈ હનીફ ઉર્ફે હનુ જુણેજા મોહસીનમિયા સાથે અદાવત રાખી રહ્યો હતો.

ગઈકાલ તારીખ 25 ડિસેમ્બરના રોજ સાંજે મોહસીનમિયા તેના મિત્ર કોશિબ સાથે હર્ષદ નગર તરફ જઈ રહ્યા હતા. ત્યારે ગીરીરાજ રોડ પર અમૃત પેલેસ પાસે હનીફ જુણેજાએ તેમને અટકાવ્યા હતા. હનીફે ગાળો આપી કમરમાંથી છરી કાઢી “આજે તને પતાવી દેવો છે” તેમ કહી હુમલો કર્યો હતો. છરીનો ઘા રોકવા જતા મોહસીનમિયાની આંગળીમાં ગંભીર ઈજા થઈ હતી. હુમલો કર્યા બાદ હનીફ “તારા ઘરે જઈને હવે શું કરું છું તે તું જોજે” એવી ધમકી આપી નાસી છૂટ્યો હતો.

મોહસીનમિયા હોસ્પિટલમાં સારવાર લેતા હતા ત્યારે જ તેમના પત્ની અફસાનાબેનનો ફોન આવ્યો હતો. હનીફ જુણેજા અને એજાજ સેતા કુહાડી તથા ફરસી જેવા હથિયારો સાથે તેમના ઘરમાં ઘૂસી આવ્યા હતા.
આરોપીઓએ અફસાનાબેનના ગળે ફરસી રાખી ધમકી આપી હતી કે, “તારા પતિને સમજાવી દેજે, નહીંતર તારા પતિ અને બાળકોને કાપીને ફેંકી દઈશ.” આટલું જ નહીં, આરોપીઓએ ફળિયામાં પડેલી મોટરસાઈકલ પર કુહાડીના ઘા મારી નુકસાન પહોંચાડ્યું હતું અને ઘરવખરીની તોડફોડ કરી હતી.

આરોપીઓએ મોહસીનમિયાના પત્નીને પણ ઢીકાપાટુનો માર માર્યો હતો, જેના કારણે તેમને પણ સિવિલ હોસ્પિટલના ટ્રોમા વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા છે. ભોગ બનનાર દંપતીએ હનીફ જુણેજા અને એજાજ ઉર્ફે એજુ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનાહિત કાવતરું, ગૃહ અપ્રવેશ, હુમલો અને હથિયારબંધીના જાહેરનામાના ભંગ બદલ ગુનો નોંધી આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *