બેડીપરામાં વાહન સરખું ચલાવવાના મામલે દંપતી પર બે શખ્સોનો હુમલો

રાજકોટ શહેરના બેડીપરા શ્રમજીવી સોસાયટીમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં એક્ટીવા ચલાવવા જેવી સામાન્ય બાબતે બે શખ્સો દ્વારા એક દંપતી પર હુમલો કરવામાં…

રાજકોટ શહેરના બેડીપરા શ્રમજીવી સોસાયટીમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં એક્ટીવા ચલાવવા જેવી સામાન્ય બાબતે બે શખ્સો દ્વારા એક દંપતી પર હુમલો કરવામાં આવ્યો હોવાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે. આ ઘટના સોમવારે રાત્રે આશરે એક વાગ્યાના સુમારે રાવણ ચોક પાસે બની હતી, જેના પગલે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, બેડીપરામાં રહેતા ફરિયાદી હિતેશભાઈ દેવજીભાઈ ધનવાડિયા, જેઓ વ્યવસાયે ગેરેજ કામ કરે છે, તેઓ પોતાના ઘર પાસેથી પગપાળા પસાર થઈ રહ્યા હતા. આ દરમિયાન પાછળની શેરીમાં રહેતો અદિત ધુળધોયા પોતાની એક્ટીવા ગાડી લઈને ખૂબ જ નજીકથી નીકળ્યો હતો. હિતેશભાઈએ તેને સાવચેતીથી ગાડી ચલાવવા માટે ટકોર કરતા આ અદિત એકદમ ઉશ્કેરાઈ ગયો હતો અને ગાળો આપવા લાગ્યો હતો. વાત વણસતા જ આરોપીએ હિતેશભાઈને ઢીકા-પાટુનો માર મારવાનું શરૂૂ કર્યું હતું.

હુમલા દરમિયાન હિતેશભાઈની પત્ની ભાવનાબેન તેમને બચાવવા માટે વચ્ચે પડ્યા હતા. આ સમયે અદિતનો ભાઈ વિજય ધુળધોયા પણ ત્યાં ધોકો લઈને આવી પહોંચ્યો હતો અને તેણે ભાવનાબેનના ડાબા હાથમાં કાંડા પાસે ધોકાનો એક ઘા મારીને તેમને ઈજા પહોંચાડી હતી. આજુબાજુના લોકો એકઠા થતા બંને આરોપીઓ સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા, પરંતુ જતી વખતે તેમણે દંપતીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ઘટના બાદ ભાવનાબેનને સારવાર અર્થે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.

આ સમગ્ર મામલે હિતેશભાઈએ થોરાળા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે અદિત ધુળધોયા અને વિજય ધુળધોયા વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ 54, 115(2), 351(3), 352 અને જી.પી. એક્ટની કલમ 135(1) હેઠળ ગુનો દાખલ કર્યો છે. હાલમાં થોરાળા પોલીસ દ્વારા હેડ કોન્સ્ટેબલ નીલેશભાઇ ડામોરના માર્ગદર્શન હેઠળ વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *