ગઇકાલે રાજીવ ગાંધી ભવન ખાતે વિશેષ પત્રકાર પરિષદને સંબોધતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા ડો પાર્થિવરાજસિંહ કઠવાડીયાએ ગુજરાત ડાયાલિસિસ પ્રોગ્રામ હેઠળ ઉઘાડી લૂંટ ઉપર સવાલ ઊભા કર્યા હતા. ગુજરાત ડાયાલિસ પ્રોગ્રામ ના પ્રોજેક્ટ ઓફિસર ઉપર કેગના રિપોર્ટમાં ગંભીર નાણાકીય ગેરરીતિ ના ગંભીર આક્ષેપો મૂકવામાં આવ્યા છે. ગુજરાત ડાયાલિસિસ પ્રોગ્રામ ના પ્રોગ્રામ ઓફિસર કિરણ પરીખ વર્ષ 2016- 2017 થી વર્ષ 2025- 2026 સુધી ફરજ બજાવતા હતા. કેગના અહેવાલમાં કિરણ પરીખના નામનો ચોંકાવનારો ખુલાસો થયો છે. કિરણ પરીખ દ્વારા પોતાની જ પત્ની બીના કિરણ પરીખના નામ ની કંપની બાયો ટ્રસ્ટ મેડિકલ ડીવાઈસીસને 82.57 કરોડના વિવિધ કામના ઓર્ડર આપી દેવા માં આવ્યા. આ ઘટના સીધું કન્ફ્લિક્ટ ઓફ ઇન્ટરેસ્ટ નું ઉદાહરણ છે. ફાઇલોમાં જીએસટીની વિગત અને ઇમેઇલ ની માહિતીમાં બાયો ટ્રસ્ટ મેડિકલ ડીવાઈસીસમાં કિરણ પરીખની પત્નીની માલિકીના પુરાવા ના આધારે કેગ દ્વારા રિપોર્ટ કરવામાં આવ્યો છે.
ગુજરાત ડાયાલિસિસ પ્રોગ્રામ માં ઘર ના ભુવા ઘર ના ડાકલા જેવો તાલ થયો છે.
સંસ્થા પોતે કેગને જવાબ આપતી વખતે સ્વીકારે છે કે પ્રોજેક્ટ ઓફિસર ના પિતા અને ભાઇઓ આ પ્રોજેક્ટ માં શામિલ છે. કિરણ પરીખના ભાઈઓ અને પિતાનું પોસ્ટિંગ ખરીદી સંબંધિત ખાતામાં અને અલગ અલગ અગત્ય ની જગ્યાએ પોસ્ટેડ હતા. શું ગુજરાત ડાયાલિસિસ પ્રોગ્રામ કિરણ પરીખ અને પરિવારનો ફેમિલી પ્રોજેક્ટ હતો? શું ગુજરાત ડાયાલિસિસ પ્રોગ્રામને ખાનદાની ધંધો બનાવીને 82.57 કરોડનું કરી નાખનારમાં કોઈ બીજા ની ભાગીદારી હતી? વર્ષ 2016 – 2017 થી 2025- 2026 ના દશ વર્ષ દરમિયાન કોઈ પણ અધિકારી સામે 82.57 કરોડની ગેરરીતિ સામે ના આવી ? અત્યાર સુધી આ 82.57 કરોડના ભ્રષ્ટાચાર ને કોણ છાવરતું હતું?
શું આ કર્મચારીઓને માત્ર છૂટા કરવા કે રાજીનામા લેવા થી 82.57 કરોડનો ભ્રષ્ટાચાર ઢંકાઈ જશે? કેગના રિપોર્ટમાં સ્પષ્ટ ઉલ્લેખ છે કે ખરીદીના હિસાબો, ફાઇલો ના રેકોર્ડ ઉપલબ્ધ કરાવવામાં આવ્યા નથી. શું આ પ્રકારના ભ્રષ્ટાચાર માટે ફોજદારી ફરિયાદ થવીના જોઈએ? કિરણ પરીખ વર્ષ 2014માં ગુજરાત ડાયાલિસિસ પ્રોગ્રામના ટેક્નિકલ ઓફિસર તરીકે નિમણૂક કરવામાં આવી હતી ત્યાર વર્ષ 2018 માં પ્રોજેક્ટ ઓફિસર તરીકે નિમણૂક કરવામાં આવી હતી. કિરણ પરીખ અને પરિવાર દ્વારા 82.57 કરોડ રૂૂપિયા ના કોન્ટ્રાક્ટો મેળવવા પાછળ કોણ જવાબદાર છે, ગેરરીતિના મળતિયાઓની માહિતી સરકાર દ્વારા ખુલ્લી પાડવામાં આવે.
કેગના અહેવાલમાં સ્ટેરાઇલ ક્ધટેનરના ખરીદીના ઉદાહરણ મૂકવામાં આવ્યું છે, જેમાં 5,92,375.67 રૂૂપિયા ના 40 યુનિટ ની ખરીદી કરવામાં આવી હતી. કુલ 2,36,95,026.80 રૂૂપિયા નો કોન્ટ્રાક્ટ સિંગલ બિડર તરીકે બાયો ટ્રસ્ટ મેડિકલ ડીવાઈસીસ નામ ની કંપની ને આપી દેવામાં આવ્યો હતો. બિડિંગ સમય મૂળ 21 દિવસ ની જગ્યા એ માત્ર 11 દિવસમાં જ કિરણ પરીખ ના પરિવારને આપી દેવામાં આવ્યો હતો.
કંપનીને સોલિટેરી ઓફરથી કોન્ટ્રાક્ટ ના ચોંકાવનારો ખુલાસો કેગ અહેવાલમાં બહાર આવ્યો છે.માર્કેટ સર્વેના નામે એઇમસ નાગપુર દ્વારા ખરીદીનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો છતાં એક પણ સપોર્ટિંગ ડોક્યુમેન્ટ્સ મૂકવામાં આવ્યા નહોતા. નબળા ડોક્યુમેન્ટેશન આધારે કેગ રિપોર્ટ ઉલ્લેખ કરે છે કે ખરીદીમાં ક્ષતિઓ જોવા મળે છે. સરકાર ના આરોગ્ય વિભાગના નાક નીચે આ પ્રકારના ભ્રષ્ટાચાર ઉપર ઉદાસીન છે, શું આરોગ્ય વિભાગ ઉદાહરણ રૂૂપ પગલા લેશે કે પછી ભ્રષ્ટાચારીઓ ને છાવરવાંના કામ કરશે તે સૌથી મોટો સવાલ છે? એમ ડો. પાર્થિવરાજસિંહ કઠવાડીયા, પ્રવકતા કોંગ્રેસની યાદીમાં જણાવાયું છે.
