પશુપાલન પર નિર્ભર પરિવાર પર રોજગારીની ગંભીર અસર પડી
કચ્છના નખત્રાણા તાલુકાના ટોડિયા ગામમાં રખડતા કૂતરાઓએ આંતક મચાવ્યો હતો. પશુપાલક કામ અર્થે બે કલાક સુધી બહાર જતા જ ગોડાઉનમાં શ્વાનો ઘૂસી આવ્યાં હતા અને 45 જેટલા ઘેટા-બકરાને ફાડી ખાધા હતા. જેથી પશુપાલક પર મોટું આર્થિક સંકટ આવી પડ્યું છે.
ટોડિયાના મુબારક પિંજારા પશુપાલનના વ્યવસાય દ્વારા પરિવારનું ગુજરાન ચલાવે છે. આજે તેઓ જરૂૂરી દવા લેવા માટે ઘરેથી બહાર ગયા હતા. તેમની ગેરહાજરીમાં રખડતાં કૂતરાઓ વાડામાં ઘૂસી ત્યાં બંધાયેલા ઘેટાં-બકરાંઓ પર હુમલો કરી દીધો હતો. વાડામાં પૂરાયેલા હોવાને કારણે પશુઓને બચવાની કોઈ તક મળી ન હતી.
મુબારક પિંજારા ઘરે પરત ફર્યા ત્યારે તેમણે વાડામાં મોટા પ્રમાણમાં ઘેટાં-બકરાંને મૃત હાલતમાં જોતા તેઓ ચોંકી ઉઠ્યા હતા. જ્યારે અન્ય કેટલાક પશુઓ ઈજાગ્રસ્ત હાલતમાં છે. સંપૂર્ણપણે પશુપાલન પર નિર્ભર આ પરિવાર માટે એકસાથે આટલા પશુઓ ગુમાવવાથી આવક અને રોજગારી પર ગંભીર અસર પડી છે.
આ ઘટનાની જાણ થતાં જ સ્થાનિક ગ્રામજનો અને પશુપાલકોમાં ભારે ચિંતા પ્રસરી ગઈ છે. સ્થાનિકોએ ગામમાં રખડતા કૂતરાઓના ત્રાસ સામે યોગ્ય કાર્યવાહી કરવાની માગ કરી છે. આ સાથે જ આર્થિક સંકટમાં મુકાયેલા પશુપાલકને તાત્કાલિક ધોરણે સરકારી સહાય અને વળતર ચૂકવવામાં આવે તેવી ઉગ્ર રજૂઆત કરાઈ છે.
