12 વર્ષથી ઉંઝાની પેઢીનું કામ સંભાળતા મેનેજરે બારોબાર ધાણા વેંચી માર્યા
ભાંડો ફૂટી જતાં મેનેજરે 98 લાખના પ્લોટનો દસ્તાવેજ કરી આપ્યો
ગોંડલમાંની જામવાડી જીઆઈડીસીમાં ધાણા કલીનીંગ અને પ્રોસેસીંગ કરતી ઉંજાની પેઢીના મેનેજરે રૂા.1.90 કરોડના ધાણા બારોબર વેંચી નાખી છેતરપીંડી કરી હતી. આ અંગેની જાણ પેઢીના પ્રોપરાઈટર અને માલીકને થતાં મેનેજરને આ બાબતે પુછપરછ કરતાં મેનેજરે ઉચાપત કરેલ રૂા.1.90 કરોડની રકમ પૈકી 98 લાખની કિંમતનો પ્લોટ લખી આપ્યો હતો અને બાકીની રકમ પરત આપવા માટે વાયદો કર્યા છતાં 92 લાખ રૂપિયા પરત નહીં આપતાં આ મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ છે.
મળતી વિગતો મુજબ, મહેસાણા જિલ્લાના ઉંજામાં ગોલ્ડન ચોકડી પાસે રહેતા અને લાભ એન્ટરપ્રાઈઝ નામની પેઢી ચલાવતાં પીયુષભાઈ ગોવિંદભાઈ પટેલે નોંધાવેલી ફરિયાદમાં પોતાની પેઢીના મેનેજર ઉંઝાના વતની અને હાલ ગોંડલના ગુંદાળા રોડ પર વસંત વાટીકા સોસાયટીમાં રહેતાં રાજપૂત ગોબરસિંહ નાગજીભાઈનું નામ આપ્યું છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ, પિયુષભાઈની ગોંડલ ખાતેની પેઢી આવેલી હોય જે જામવાડી જીઆઈડીસીમાં ધાણા કલીનીંગ અને પ્રોસેસીંગનું કામ કરતી તે પઢીના પ્રોપરાઈટર પીયુષભાઈના કાકાના પુત્ર નિરવ પટેલ હોય પેઢી દ્વારા ખેડૂતો તેમજ અન્ય પેઢી પાસેથી ધાણાની ખરીદી કરી ફેકટરીમાં ધાણાનું કલીનીંગ કરી વેચતા હોય જે અંગે મેનેજર તરીકે છેલ્લા 12 વર્ષથી ગોબરસિંહ નોકરી કરતો હોય ગોબરસિંહના નાગજીભાઈ જે પિયુષભાઈના દાદા સાથે સંબંધ હોય તેની ભલામણથી ગોબરસિંહને નોકરીએ રાખ્યો હતો.
ગોબરસિંહ ગોંડલ નજીકના સેન્ટરોમાંથી ધાણા ખરીદ કરવાની છુટ આપી હતી અને ખેડૂતો પાસેથી અથવા બીજી પેઢી પાસેથી તે ધાણા ખરીદ કરી કાચી ચીઠ્ઠી ઉંઝા ખાતે મોકલી આપતો હતો. ગત તા.12-3-2024નાં રોજ પિયુષભાઈએ પેઢીનાં એકાઉન્ટ વિભાગમાં હિસાબ ચેક કરતાં સ્ટોકમાં ગળબળ હોવાની શંકા જતાં તેમના કાકાના પુત્ર પ્રોપરાઈટર નિરવ પટેલને આ બાબતે ખરાઈ કરવા જણાવ્યું હોય નિરવનો બે દિવસ બાદ હિસાબ ચેક કરી ફોન આવ્યો હતો અને ગોબરસિંહએ હિસાબમાં ગડબળ કરી હોવાનું સામે આવ્યું હતું.
તપાસ દરમિયાન જાણવા મળ્યું કે ગોબરસિંહએ વર્ષ 2023-24માં કુલ 6,472 બોરી ધાણા જેનું વજન 2,58,961 કિલ્લો થતું હોય જેની કિંમત રૂા.1.90 કરોડ હોય તે બારોબાર વેંચી નાખ્યાનું સામે આવતાં ગોબરસિંહ પાસે પૈસા પરત માંગતાં તેણે ગુંદાળા રોડ પર 280 વારનો 98 લાખની કિંમતનો પ્લોટ લખી આપવા અને બાકીનાં રૂપિયા 92 લાખ હપ્તેથી ચુકવી આપવાની ખાતરી આપી હતી. પરંતુ રકમ નહીં ચુકવતાં આ મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ છે.
સરદાર પટેલ સેવા ટ્રસ્ટની ઓફિસે લઈ જઈ પેઢીના પ્રોપરાઈટરને ધમકાવ્યા
આ મામલે જ્યારે પેઢીના પ્રોપરાઈટર નિરવ પટેલને જાણ થઈ ત્યારે ગોબરસિંહએ તેની સાથે આવી કેટલાક શખ્સોએ ઉંઝાથી આવી અહિં દાદાગીરી કરશો તો ચાલશે નહીં તેવું કહી ગોંડલની સરદાર પટેલ સેવા ટ્રસ્ટની ઓફિસે લઈ જઈ ત્યાં ધમકાવી લખાણ કરાવી તેમાં નિરવની સહી કરાવી હતી અને ગોબરસિંહ અને તેના સાગ્રીતોએ અમે કહીએ તે પ્રમાણે લખાણ કરી આપવું પડશે તો જ પ્લોટનો દરસ્તાવેજ કરી આપશું તેમ કહી ગોબરસિંહ કોઈ પગલું ભરી લેશે તો જવાબદારી તમારી રહેશે તેવું કહ્યું ધમકાવી લખાણ ઉપર સહી કરાવી હતી અને લખાણની ઝેરોક્ષ પણ નિરવને આપી ન હતી.
