ફ્રાંસના આઇકનિક સ્થળનું સંચાલન કરતી કંપનીના કર્મચારીઓનો વિરોધ: ટાવર બંધ: મેયર પણ નારાજ
ફ્રાન્સની રાજધાની પેરિસની વિશ્વપ્રસિદ્ધ ધરોહર ગણાતો એફિલ ટાવર સોમવારે પ્રવાસીઓ માટે અચાનક બંધ રાખવામાં આવ્યો હતો. શનિવારે બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા (BAPS) સાથે સંકળાયેલા એક હિન્દુ ધાર્મિક જૂથની મુલાકાત દરમિયાન મહિલા કર્મચારીઓને તેમના વર્કસ્ટેશન પરથી હટાવી દેવામાં આવી હોવાના ગંભીર આક્ષેપો બાદ કર્મચારીઓએ વિરોધ પ્રદર્શન કરીને વોકઆઉટ કર્યો હતો. એફિલ ટાવરનું સંચાલન કરતી સંસ્થા ’સેટે’ (SETE) દ્વારા આ બંધને “અસાધારણ સંજોગો” ગણાવવામાં આવ્યો હતો, જ્યારે કર્મચારી સંગઠનોએ તેને મહિલાઓના સન્માન અને લિંગ સમાનતાના સિદ્ધાંતોનું ઘોર ઉલ્લંઘન ગણાવ્યું હતું.
આ સમગ્ર વિવાદ શનિવારે આશરે 100 જેટલા સભ્યો ધરાવતા પ્રતિનિધિમંડળની મુલાકાત દરમિયાન સર્જાયો હતો. કર્મચારી સંગઠન (CGT) ના પ્રતિનિધિ ડિયાન ડેવોઈને ફ્રેન્ચ મીડિયા સાથે વાત કરતા આરોપ લગાવ્યો હતો કે, પ્રતિનિધિમંડળ જ્યારે પસાર થઈ રહ્યું હતું ત્યારે મહિલા સ્ટાફને તેમની જગ્યા છોડીને દૂર જતા રહેવાની સૂચના આપવામાં આવી હતી જેથી તેમની જગ્યાએ પુરુષ કર્મચારીઓ કામ સંભાળી શકે. કર્મચારી યુનિયને એક નિવેદનમાં આ ઘટનાની આકરી નિંદા કરતા જણાવ્યું હતું કે, ધાર્મિક મુલાકાતીઓની માંગણી આગળ ઝૂકીને મહિલા સ્ટાફને માત્ર તેમના લિંગના આધારે બાકાત રાખવા, બદલવા અને તેમને અદ્રશ્ય કરી દેવા જેવી વ્યવસાયિક સૂચનાઓ જારી કરવામાં આવી હતી, જે ફ્રાન્સના મૂલ્યોથી વિપરીત છે.
વિવાદ વકરતા એફિલ ટાવરનું સંચાલન કરતી કંપની ’SETE’ એ સત્તાવાર રીતે સ્વીકાર્યું હતું કે, પ્રતિનિધિમંડળે મહિલાઓ સાથેની વાતચીત અને સંપર્ક સીમિત રહે તે રીતે મુલાકાત ગોઠવવાની માંગ કરી હતી. કંપનીએ ખેદ વ્યક્ત કરતા સ્પષ્ટ કર્યું હતું કે, આ પ્રકારની શરતો કોઈપણ સંજોગોમાં સ્વીકારવી જોઈતી નહોતી કારણ કે તે સ્ત્રી-પુરુષ સમાનતાના કંપનીના અને ગણતંત્રના સિદ્ધાંતોની વિરુદ્ધ છે. SETE ના પ્રમુખ એરિયલ વેઇલે જણાવ્યું હતું કે સમગ્ર ઘટનાની ગંભીરતાથી આંતરિક તપાસ કરવામાં આવશે અને આ ચૂક માટે જવાબદારો સામે જરૂૂરી પગલાં લેવામાં આવશે.
આ ઘટના સામે ફ્રાન્સના રાજકીય વર્તુળોમાં પણ ભારે રોષ ફેલાયો હતો. પેરિસના મેયર એમેન્યુઅલ ગ્રેગોઇરે સોશિયલ મીડિયા પર નારાજગી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, મહિલાઓને બાકાત રાખવાની આવી શરતો માનવી સંપૂર્ણપણે અસ્વીકાર્ય છે અને તેની ઊંડાણપૂર્વક તપાસ થવી જોઈએ. નેશનલ એસેમ્બલીના પ્રમુખ યાએલ બ્રોન-પિવેટે આકરી પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે, વિદેશી પ્રવાસીઓની માંગણી સંતોષવા માટે મહિલાઓને પાછળ હટવાનું કહેવામાં આવે તે ફ્રાન્સમાં ક્યારેય સ્વીકાર્ય નથી, કારણ કે જાહેર જીવનમાં મહિલાઓની સમાન ભાગીદારી એ દેશનો મૂળભૂત પાયો છે. આ ઉપરાંત કેબિનેટ મંત્રીઓ અને વિવિધ રાજકીય નેતાઓએ પણ એકસૂરે ભારપૂર્વક જણાવ્યું હતું કે કાયદા અને સમાનતાથી ઉપર કોઈ માન્યતા કે નિયમ હોઈ શકે નહીં.
ઉલ્લેખનીય છે કે, આ વિવાદ એવા સમયે સામે આવ્યો છે જ્યારે તાજેતરમાં જ પેરિસ નજીક ફ્રાન્સના પ્રથમ ભવ્ય BAPS સ્વામિનારાયણ મંદિરની પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. આ ઉદ્ઘાટન પ્રસંગે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ભારત-ફ્રાન્સ વચ્ચેના ઐતિહાસિક અને સાંસ્કૃતિક સંબંધોની પ્રશંસા કરતો વિશેષ સંદેશ પાઠવ્યો હતો.
કોઇપણ વ્યક્તિને અસુવિધા થઇ હોય તો અમે માફી માંગીએ છીએ: ઇઅઙજ
બીએપીએસ દ્વારા સમગ્ર ઘટનાને લઇને બહાર પાડેલા સત્તાવાર નિવેદનમાં જણાવાયું છે કે, અમે વ્યક્ત કરેલી ચિંતાઓને સમજીએ છીએ અને તેને ખૂબ ગંભીરતાથી લઈએ છીએ. અમારા પ્રતિનિધિમંડળના કદને ધ્યાનમાં રાખીને, મુલાકાતનું આયોજન એફિલ ટાવર ટીમો સાથે સંકલનમાં કરવામાં આવ્યું હતું, સામાન્ય ખુલવાના સમયની શરૂૂઆતમાં, જેથી અન્ય મુલાકાતીઓને શક્ય તેટલી અસુવિધા ન થાય. અમારી જાણકારી મુજબ, ક્યારેય પણ કોઈને એફિલ ટાવર પર જવાની મનાઈ કરવામાં આવી ન હતી. જોકે, આ પરિસ્થિતિથી જેમને દુ:ખ થયું હોય અથવા અસુવિધા થઈ હોય તેવા કોઈપણ વ્યક્તિ માટે અમે દિલથી માફી માંગીએ છીએ. અમે પરસ્પર આદર અને અન્યોની સેવાના સાર્વત્રિક મૂલ્યો પ્રત્યે ખૂબ પ્રતિબદ્ધ છીએ.
