રાજકોટના સરકારી પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ દિનેશ સદાદીયાને મદનીશ શિક્ષક તરીકે સસ્પેન્ડ કરી દેવાતા વિવાદ થયો છે અને શિક્ષકોમાં રોષ ફેલાયો છે. ફરજમાં બેદરકારી અને મહીલા કર્મચારી સાથે ગેરવર્તન કરતા કાર્યવાહી કરાઇ છે. આ મામલે પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા આજે ડીઇઓ, મ્યુનિ. કમિશનર, શિક્ષણ સમિતિ અને શાસનાધિકારીઓને આવેદન પાઠવી ન્યાયીક કાર્યવાહી કરવા માંગ કરવામાં આવશે.
રાજકોટ મહાનગર સરકારી પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ દિનેશ સદાદીયાએ જણાવ્યું હતું કે, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત વેલનાથ પ્રાથમિક શાળા નંબર -71 ના મદદનીશ શિક્ષક અને સમગ્ર શિક્ષા અભિયાનમાં સી.આર.સી. – 15 ના કો – ઓર્ડિનેટર તરીકે ફરજ બજાવું છું. શિક્ષણ સમિતિના સાશનાધિકારી દ્વારા 2 ઓગસ્ટના સસ્પેન્શનનો ઓર્ડર આપવામાં આવેલો છે. કાયમી શાસનાધિકારી હાલ રજા ઉપર છે ત્યારે તેનો ચાર્જ સંભાળ્યાને એક અઠવાડિયામાં જ ઇન્ચાર્જ શાસનાધિકારી નરેન્દ્ર આરદેશણા દ્વારા કોઈપણ પ્રકારની નોટિસ આપ્યા વિના સસ્પેન્ડ કરવામાં આવ્યો છે તે ગેરવ્યાજબી છે. જેથી આ બાબતે અમે શિક્ષણ સમિતિના શાસનાધિકારી ઉપરાંત મ્યુનિસિપલ કમિશનર તેમજ કલેકટરને આવેદન આપી રજૂઆત કરવાના છીએ.
મારા સસ્પેન્શન ઓર્ડરમા જે સંદર્ભો લખવામાં આવેલા છે તે શિક્ષણ સમિતિના કેળવણી નિરીક્ષક પૂર્વીબેન ઉચાટની રજૂઆતના સંદર્ભમાં છે. જેઓ વર્ષ 2014માં શિક્ષણ સમિતિમાં ડેપ્યુટેશન ઉપર ત્રણ વર્ષ માટે આવ્યા હતા. જેમનું ડેપ્યુટેશન પૂર્ણ થયા બાદ કોઇ પણ પ્રકારના ઓર્ડર વિના તેઓ અહીં ફરજ બજાવી રહ્યા છે. તેમની વિરુદ્ધ સ્ટેટ લેવલે ફરિયાદ થઈ છે અને મુખ્યમંત્રી કાર્યાલયમાંથી પણ તેમના વિરૂૂધ્ધ તપાસ ચાલુ છે. જેમનું ડેપ્યુટેશન પૂર્ણ થાય અને પરત જિલ્લામાં જાય તેવી અમારી માગણી છે. અગાઉ અમારા દ્વારા રજૂઆત કરવામાં આવી હતી કે આ કેળવણી નિરીક્ષકની ખોટી રીતે નિમણૂક કરવામાં આવી છે. જેના કારણે રાગ દ્વેષ રાખી શાસનાધિકારીને બ્લેક મેઇલ કરી મારો સસ્પેન્શનનો ઓર્ડર કરાવવામાં આવેલો છે. અગાઉ પૂર્વીબેન રાજકોટ જિલ્લામાં મઘ્યાહન ભોજનની કામગીરી સંભળાતા હતા. જ્યાંથી ભ્રષ્ટાચાર કરી તેમને અહીં ટ્રાન્સફર કરવામાં આવ્યા છે.
