જૂનાગઢના ગિરનાર જંગલમાં પરંપરાગત 36 કિ.મી.ની લીલી પરિક્રમા આ વર્ષે કમોસમી વરસાદને કારણે રદ કરવામાં આવી હતી. જોકે, તાજેતરમાં જૈન ધર્મના 300થી 400 લોકોને પરિક્રમા માટે મંજૂરી અપાઈ હોવાની વાત સામે આવતા સનાતન ધર્મના સાધુ-સંતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સરખડીયા હનુમાનના મહંત હરિદાસ બાપુએ વન વિભાગની કચેરીએ પહોંચીને આગામી પોષી પૂનમના દિવસે સનાતન ધર્મના ભાવિકો માટે પણ પરિક્રમાની મંજૂરી આપવા ઉગ્ર રજૂઆત કરી છે.
સરખડિયા હનુમાનના મહંત હરિદાસ બાપુએ વન વિભાગ પર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, “જ્યારે સનાતન ધર્મની વર્ષો જૂની પરંપરા મુજબની લીલી પરિક્રમા વરસાદનું બહાનું ધરીને રદ કરી દેવામાં આવી તો પછી 300-400 જૈન શ્રદ્ધાળુઓને કઈ રીતે મંજૂરી અપાઈ? શું વન વિભાગને કોઈ ખાસ ધર્મ સાથે સગાવાદ છે?
જો અન્ય ધર્મના લોકોને છૂટ મળતી હોય તો આગામી પોષી પૂનમે સનાતન ધર્મના ભાવિકોને પણ ગિરનારની પરિક્રમા કરવા દેવી જોઈએ. અમને એનાથી કોઈ લેવાદેવા નથી કે મંજૂરી ગાંધીનગરથી આવે કે દિલ્હીથી, અમને ન્યાય જોઈએ.
આ વિવાદ અંગે જૂનાગઢ વન વિભાગના સીસીએફ (CCF) અક્ષય જોશીએ સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે, જૈન સમાજના જે લોકોને પરિક્રમા માટેની પરવાનગી મળી હતી, તે સીધી ગાંધીનગર કક્ષાએથી આપવામાં આવી હતી. સ્થાનિક કક્ષાએથી એટલે કે જૂનાગઢ વન વિભાગ પાસે આવી કોઈ મંજૂરી આપવાની સત્તા હોતી નથી. પરિક્રમા જેવી મોટી કામગીરી કે ખાસ મંજૂરીઓ માટે રાજ્ય સરકાર અને ગાંધીનગર હેડ ઓફિસનો જ નિર્ણય આખરી ગણાય છે.
આ વર્ષે શ્રદ્ધાળુઓ લીલી પરિક્રમા ન યોજાવાને કારણે પહેલેથી જ નારાજ હતા, તેમાં હવે આ ‘સ્પેશિયલ મંજૂરી’ના કિસ્સાએ ઘી હોમવાનું કામ કર્યું છે. સનાતન ધર્મના સંગઠનો અને ભાવિકોમાં એવી ચર્ચા ચાલી રહી છે કે, જો જંગલમાં પરિક્રમા જોખમી હતી તો તે દરેક ધર્મ માટે હોવી જોઈએ. જો આગામી પોષી પૂનમ સુધીમાં તંત્ર કોઈ મધ્યમ માર્ગ નહીં કાઢે, તો આ વિવાદ વધુ ઉગ્ર બને તેવી શક્યતા છે.
