પૂર્વ ધારાસભ્ય અને AICC મંત્રી ઋત્વિક મકવાણાએ ગુજરાતની બગડતી શિક્ષણ વ્યવસ્થા અને તેમાં થઈ રહેલા રાજકીય હસ્તક્ષેપને લઈને રાજ્ય સરકાર અને વહીવટી તંત્ર પર ગંભીર આક્ષેપો કર્યા છે. તેમણે એક વિડીયો નિવેદનમાં જણાવ્યું છે કે, સુરેન્દ્રનગર શહેર અને જિલ્લાની શાળાઓમાંથી ફરિયાદ સાથેના ફોટોગ્રાફ્સ મળી રહ્યા છે, જેમાં સ્પષ્ટ દેખાય છે કે ભારતીય જનતા પાર્ટી (BJP) અને અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP)ના કાર્યકર્તાઓ શાળાઓમાં ઘૂસીને ધોરણ 9 થી 12 ના માસૂમ વિદ્યાર્થીઓને ફરજિયાતપણે સભ્ય બનાવી રહ્યા છે. આ સમગ્ર અભિયાન ભારે રાજકીય પ્રેશર હેઠળ ચાલી રહ્યું છે અને કેટલાક શિક્ષકો તેમજ આચાર્યો સાથે વાત કરતા તેમણે પણ સ્વીકાર્યું છે કે તેમની પર ઉપરથી દબાણ આવી રહ્યું છે.
મકવાણાએ વેધક સવાલ ઉઠાવ્યો છે કે આ દબાણ જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી, શિક્ષણ વિભાગ, કલેક્ટર કચેરી કે પછી સીધા ભાજપના રાજકીય પદાધિકારીઓ તરફથી કરવામાં આવી રહ્યું છે? તેમણે રાજ્યની કથળતી શિક્ષણ સ્થિતિ પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે, સુરેન્દ્રનગર જિલ્લાની કેટલી શાળાઓમાં આ પ્રકારે ફરજિયાત સભ્યપદ નોંધવામાં આવ્યા છે અને કોના દબાણ હેઠળ આ પ્રક્રિયાઓ થઈ છે તે એક અત્યંત ગંભીર તપાસનો વિષય છે. જોકે, સરકાર પોતે જ આ પ્રવૃત્તિઓમાં સંડોવાયેલી હોવાથી વહીવટી તંત્ર દ્વારા કોઈ યોગ્ય કાર્યવાહી કે એક્શન લેવામાં આવશે તેવો તેમને બિલકુલ ભરોસો નથી.
ઋત્વિક મકવાણાએ રાજ્યના તમામ વાલીઓને જાગૃત થવા હાકલ કરી છે. વાલીઓ પોતાના બાળકોને અત્યારથી જ રાજકીય કે ધાર્મિક કટ્ટરતાનો શિકાર બનતા અટકાવે. આવનારા દિવસોમાં બાળકોની કારકિર્દી અને અભ્યાસ પર કોઈ નકારાત્મક અસર ન પડે તથા તેઓ કોઈ ખોટા પંથે ન દોરાય તે માટે વાલીઓએ જાગૃત બનીને શાળા કક્ષાએ ચાલતી આવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે અવાજ ઉઠાવવો પડશે.
