રાજ્યમાં અવિરત મેઘ મહેર, 1થી 8 ઇંચ અનરાધાર વરસાદ

તાપી, સુરત, મહિસાગર, અરવલ્લી, નવસારી, વલસાડ, દાહોદ, ખેડા, પંચમહાલ, વડોદરા, ગાંધીનગર, જૂનાગઢ, ગીર સોમનાથ, દ્વારકા, સુરેન્દ્રનગર, કચ્છ સહિતના જિલ્લાઓ તરબતોળ ગઇકાલે 198 તાલુકાને ભીંજવ્યા બાદ…

તાપી, સુરત, મહિસાગર, અરવલ્લી, નવસારી, વલસાડ, દાહોદ, ખેડા, પંચમહાલ, વડોદરા, ગાંધીનગર, જૂનાગઢ, ગીર સોમનાથ, દ્વારકા, સુરેન્દ્રનગર, કચ્છ સહિતના જિલ્લાઓ તરબતોળ ગઇકાલે 198 તાલુકાને ભીંજવ્યા બાદ આજે સવારથી અનેક વિસ્તારોમાં દે ધનાધન ખાબકયો

સવારથી મોટાભાગના તાલુકાઓમાં ભારે વરસાદ, ખંભાળિયામાં બે ઇંચ વરસાદથી સર્વત્ર પાણી પાણી

ગુજરાતમાં ગુરુવારથી શરૂ થયેલા વરસાદના નવા રાઉન્ડે મોટા ભાગના જિલ્લાઓને તરબતોળ કરી દીધા છે. ગઇકાલે 198 તાલુકાઓમાં 1 થી 7 ઇંચ જેટલો ભારે વરસાદ ખાબકતા સ્થળ ત્યા જળ જેવી સ્થિતિનું નિર્માણ થયુ છે. ગઇકાલે સૌરાષ્ટ્રની સાથોસાથ દક્ષિણ ગુજરાતમાં તાપી, સુરત અને મહિસાગર જિલ્લામાં 7 ઇંચ જેટલો ભારે વરસાદ વરસી ગયો હતો. તેમજ આજે સવારથી 60થી વધુ તાલુકાઓમાં ભારે વરસાદ વરસી રહ્યાના અહેવાલ પ્રાપ્ત થયા છે. હવામાન વિભાગ દ્વારા સોમવાર સુધી રાજ્યભરમાં વરસાદનું એલર્ટ આપેલુ હોય વધુ વરસાદ વરસવાની સંભાવના જોવાઇ રહી છે. છેલ્લા એક સપ્તાહથી સૂર્યનારાયણે દર્શન ન દેતા અને ઝાપટાઓનો દોર ચાલુ રહેતા ખેતીના પાકને નુકસાની થવાની ભીતી ખેડૂતો દ્વારા કરવામાં આવી રહી છે. આજે સવારથી ગુજરાત ભરમાં ભારે વરસાદી માહોલ સાથે અનેક વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યાના અહેવાલ પ્રાપ્ત થયા છે.

રાજ્યમાં ગઇકાલે 198 તાલુકામાં 1 થી 7 ઇંચ જેટલો ભારે વરસાદ વરસી ગયો હતો. જેમાં દક્ષિણ ગુજરાતમાં સતત 3 દિવસથી વરસી રહેલા વરસાદે ભારે તારાજી સર્જી છે. ગઇકાલે ડોલવાન 7 ઇંચ, બારડોલી 5॥ ઇંચ, વાલોદ 5 ઇંચ, દુણાવાડા 4.5 ઇંચ, કડાણા, સોનગઢ, ધનસુરા, ગણદેવી 4॥ ઇંચ, ખેરગામ, કપરાડા, ધરમપુર 4 ઇંચ, કામરેજ, વ્યારા, સંતરામપુર ધાનપુર, ઉમરપાંડા 3॥ ઇંચ, દાહોદ, માડવી, મહુવા, વાગરા, સુરત સિટી 3 ઇંચ, તથા સૌરાષ્ટ્રના ભેંસાણ, જામનગર, મોરબી, ધ્રોલ, લાલપુર, દસાળા, માંડવી સહિતના પંથકમાં 1 ઇંચથી વુધ પાણી વરસી ગયાના અહેવાલ પ્રાપ્ત થાય છે.

તેમજ ખંભાળિયામાં અનરાધાર 2 ઇંચ વરસાદ વરસી જતા સર્વત્ર પાણી પાણી થઇ ગયું હતું. ગઇકાલે સુરેન્દ્રનગર જિલ્લા અને વેરાવળ-સોમનાથ અને સુત્રાપાડાના ગ્રામ્ય વિસ્તારોમાં સવારે 10 થી 12 વાગ્યા સુધીના બે કલાકમાં 2 ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. આ ભારે વરસાદના કારણે શહેરી અને ગ્રામ્ય વિસ્તારોની શેરીઓમાં પાણી વહેતા થયા હતા. આ વરસાદના આગમનથી સમગ્ર વિસ્તારમાં ખુશીનો માહોલ છવાઈ ગયો છે. ખાસ કરીને ખેડૂતો માટે આ વરસાદ આશીર્વાદરૂૂપ સાબિત થયો છે. ધરતીપુત્રોએ આ વરસાદને આવકાર્યો છે, કારણ કે આ સમયે થતો વરસાદ ખેતી માટે લાભદાયી છે.

નવરાત્રિ ટાણે વરસાદ વરસવાની સંભાવના
ગુજરાતમાં અત્યારસુધીમાં ચોમાસાની સિઝનનો 96 ટકા (34 ઈંચ) વરસાદ નોંધાયો છે અને અનેક તાલુકાઓમાં તો 100 ટકાથી વધુ વરસાદ નોંધાયો છે. ત્યારે હજુ પણ આગામી દિવસોમાં અતિ ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે, પરંતુ ત્યારબાદ પણ ચોમાસુ વિદાય લેવાની શક્યતા નહીવત છે. 22મી સપ્ટેમ્બરથી નવરાત્રિ શરૂૂ થઈ રહી છે, ત્યારે નવરાત્રિ ટાણે પણ ચોમાસુ સક્રિય રહેવાની શક્યતા છે. ચોમાસાની વિદાય ગાંધીજયંતિ આસપાસ થઈ શકે છે. વર્ષ 2020થી 2024 દરમિયાન ગુજરાત સહિત દેશભરમાં ચોમાસાએ મોડી વિદાય લીધી છે. હવામાન વિભાગ અનુસાર, ચોમાસુ પરત ખેંચાવાની તારીખ લંબાવીને રાજસ્થાનથી 17મી અને કચ્છથી 20મી સપ્ટેમ્બર છે અને દક્ષિણ ગુજરાત અને વેરાવળ સહિત કેટલાક વિસ્તારો બાદ કરતા બાકીના રાજ્યમાંથી ચોમાસુ પરત ખેંચાવાની તારીખ 30મી સપ્ટેમ્બર છે. નોંધનીય છે કે, આ પહેલા આ તારીખ એકાદ સપ્તાહ વહેલી હતી, પરંતુ વરસાદની પેટર્ન બદલાતા હવામાન વિભાગે તે લંબાવી હતી. વર્ષ 2024 કચ્છમાંથી 23મી સપ્ટેમ્બરે ચોમાસાની વિદાય શરૂૂ થઈ અને સમગ્ર ગુજરાતમાંથી પાંચમી ઓક્ટોબરે વિદાય લીધી હતી. આમ, આ વખતે નવરાત્રિ 22મી સપ્ટેમ્બરથી પહેલી ઓક્ટોબર સુધી છે, આ દરમિયાન વરસાદી હવામાન રહેવાની શક્યતા છે. બીજી તરફ, સૌરાષ્ટ્ર-કચ્છ સિવાયના ગુજરાતમાં સિઝનનો 100 ટકા વરસાદ વરસી ગયો છે. દક્ષિણ ગુજરાતમાં 101 ટકા છે, જ્યારે સૌરાષ્ટ્રમાં 87 ટકા અને કચ્છમાં 88 ટકા વરસાદ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *