અનેક વિકાસકાર્યો ઠપ થતા શહેર ભાજપ પ્રમુખ તન્ના દ્વારા પ્રભારી મંત્રીને રજૂઆત
ખંભાળિયામાં સ્થાનિક એરિયા ઓથોરિટી નસ્ત્રખાડાસ્ત્રસ્ત્ર અસ્તિત્વમાં આવ્યાના અનેક વર્ષો થઈ ચૂક્યા છે.
ત્યારે હજુ પણ આ વિભાગમાં વ્યાપક ક્ષતિઓ તેમજ અપૂરતા સ્ટાફ-અધિકારીઓ તેમજ અન્ય નીતિવિષયક બાબતોને લઈને નગરજનો તેમજ જમીન મકાનના વ્યવસાયને વ્યાપક અસર થઈ રહી છે. ત્યારે આ મહત્વના મુદ્દે ખંભાળિયા શહેર ભાજપ પ્રમુખ અનિલભાઈ તન્ના દ્વારા જિલ્લાના પ્રભારી મંત્રીને સવિસ્તૃત રજૂઆતો કરવામાં આવી છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લો જામનગરથી અલગ થયાને આશરે બારેક વર્ષ જેટલો સમય થઈ રહ્યો છે.
ત્યારે ખંભાળિયા શહેર તથા આસપાસના વિસ્તારોમાં બાંધકામ પરવાનગી સહિતની જમીન વ્યવસાયને લગતી બાબત માટે અસ્તિત્વમાં આવેલા ખંભાળિયા વિસ્તાર વિકાસ સત્તા મંડળ (ખાડા) માં હજુ સુધી વ્યાપક ત્રુટીઓ જોવા મળી રહી છે.
આ મુદ્દે સ્થાનિક કચેરી દ્વારા ગાંધીનગર ખાતે પત્ર વ્યવહાર પણ કરવામાં આવ્યો છે.વધુમાં જાણવા મળતી વિગત મુજબ જ્યાં સુધી ખાડામાં નવી ડી.પી. ન બને ત્યાં સુધી મંજૂરીની કાર્યવાહી અટકાવી દેવામાં આવી છે. જેથી ખાડાને લગતી કામગીરી કરતા આર્કિટેક, બિલ્ડર તેમજ અરજદારો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે.
દુકાળમાં અધિક માસ તેમ કચેરીમાં ઘણા સમયથી મુખ્ય અધિકારી પણ મુકાયા નથી અને લોકો ધક્કે ચડી રહ્યા છે.ત્યારે આ સહિતના વિવિધ મુદ્દે લોકોની મુશ્કેલી જિલ્લા પ્રભારી મંત્રી કુંવરજીભાઈ બાવળીયા સમક્ષ સરજુ કરી, શહેર ભાજપ પ્રમુખ અનિલભાઈ તન્ના દ્વારા આ વિવિધ પ્રશ્નોનું તાકીદે નિરાકરણ આવે તેવી રજૂઆત કરી છે.