અમદાવાદમાં વડાપ્રધાન મોદીના ભાઈના ઘર ઉપર દારૂ ઢીંચી ફરજ બજાવતાં ઝડપાયેલ કોન્સ્ટબલને કોર્ટે સજા તથા દંડ ફટકારેલ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મોટા ભાઈ સોમાભાઈ મોદી, અમદાવાદમાં રાણીપ વિસ્તારમાં નિવાસ કરે છે, જ્યાં તેમની સુરક્ષા માટે હથિયારધારી પોલીસ જવાન તૈનાત કરવામાં આવ્યો હતો. આ સુરક્ષા વ્યવસ્થામાં તૈનાત કોન્સ્ટેબલ ફરજ દરમિયાન દારૂૂ પીધેલી હાલતમાં મળી આવતા કોર્ટે તેમને કડક સજા ફટકારી છે.
રાણીપ પીઆઈ જ્યારે રાત્રિના સમયે સુરક્ષા વ્યવસ્થાનું સરપ્રાઈઝ ચેકિંગ કરવા નીકળ્યા હતા, ત્યારે તેઓ સોમાભાઈ મોદીના ઘરે પહોંચ્યા હતાં. ત્યાં ફરજ પર હાજર હથિયારધારી કોન્સ્ટેબલ લક્ષ્મણસિંહ પરમારની હરકતો શંકાસ્પદ જણાતા તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન કોન્સ્ટેબલ નશાની હાલતમાં હોવાનું માલૂમ પડ્યું હતું. જ્યારે પીઆઈ દ્વારા હથિયાર વિશે પૂછપરછ કરવામાં આવી, ત્યારે નશામાં ધૂત કોન્સ્ટેબલે દાવો કર્યો હતો કે તેણે તેનું હથિયાર પેટીમાં સુરક્ષિત મૂક્યું છે. તપાસ કરતા પેટીમાંથી હથિયાર મળી આવ્યું હતું, આ સમગ્ર મામલે લક્ષ્મણસિંહ પરમાર વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. અમદાવાદ ગ્રામ્ય કોર્ટે તમામ પુરાવાઓ અને સાક્ષીઓને ધ્યાને રાખી ચુકાદો આપતા કોર્ટે કોન્સ્ટેબલને 1 વર્ષની સખત જેલની સજા ફટકારી હતી સાથે જ રુ.1000નો દંડ ભરાવા આદેશ કર્યો હતો.
