દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલે એક મોટા આંતરરાજ્યીય ઓપરેશનમાં પાકિસ્તાનની એજન્સી ISI સમર્થિત આતંકવાદી અને હથિયાર તસ્કરી નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. પોલીસે આ કેસમાં પંજાબ અને દિલ્હીથી ચાર આતંકીઓની ધરપકડ કરી છે, જેઓ પાકિસ્તાની હેન્ડલરના ઈશારે રાજધાની દિલ્હીને હચમચાવી નાખવાનું કાવતરું ઘડી રહ્યા હતા. પકડાયેલા આતંકીઓ પાસેથી તુર્કી મેડ જિગાના પિસ્તોલ સહિત બે વિદેશી પિસ્તોલ, નવ કારતૂસ અને પાંચ મોબાઇલ ફોન જપ્ત કરવામાં આવ્યા છે.
સ્પેશિયલ સેલના ડીસીપી પ્રવીણ કુમાર ત્રિપાઠીના જણાવ્યા અનુસાર, એસીપી વિવેક કુમાર ત્યાગી, ઇન્સ્પેક્ટર સતીશ રાણા અને ઇન્સ્પેક્ટર અશોકની ટીમને ટેક્નિકલ અને ખુફિયા ઇનપુટ મળ્યા હતા કે પાકિસ્તાનમાં બેઠેલો ISI હેન્ડલર શાહઝાદ ભટ્ટી પોતાના સાથીઓ સાથે મળીને દિલ્હી-NCRમાં કોઈ મોટી આતંકી ઘટના અંજામ આપવાની તૈયારીમાં હતો.
આ માટે તેણે પંજાબના સ્થાનિક યુવાનોને પોતાના જાળમાં ફસાવ્યા હતા.
પ્રારંભિક તપાસ બાદ સ્પેશિયલ સેલે ભારતીય ન્યાય સંહિતા અને આર્મ્સ એક્ટની સંબંધિત કલમો હેઠળ કેસ નોંધીને તપાસ શરૂૂ કરી. ત્યારબાદ દિલ્હી અને પંજાબમાં અનેક સ્થળોએ તાબડતોડ દરોડા પાડવામાં આવ્યા. સૌથી પહેલા પંજાબના અમૃતસર (મજીઠા રોડ)થી શુભદીપ સિંહ ઉર્ફે વિશાલની ધરપકડ કરવામાં આવી. તેની પાસેથી એક સેમી-ઓટોમેટિક પિસ્તોલ, પાંચ કારતૂસ અને બે મોબાઇલ મળ્યા. પૂછપરછમાં તેણે કબૂલ્યું કે, તે શાહઝાદ ભટ્ટી નેટવર્કના પાકિસ્તાની હેન્ડલર્સ સાથે સીધા સંપર્કમાં હતો અને ડ્રોનના માધ્યમથી હથિયાર તેમજ ડ્રગ્સની ખેપ મેળવતો હતો.
શુભદીપ પાસેથી મળેલી માહિતીના આધારે પંજાબમાંથી તેના બે અન્ય સાથીઓ ગુરજંત સિંહ ઉર્ફે ઋષિ અને સાજન સિંહ ઉર્ફે હનીને પકડી પાડવામાં આવ્યા. તેમની પાસેથી ‘જિગાના પિસ્તોલ’ અને ચાર કારતૂસ જપ્ત કરવામાં આવ્યા. ત્યારબાદ આગળ કાર્યવાહી કરતાં પોલીસે ગગનપ્રીત નામના ચોથા આતંકીની દિલ્હીથી ધરપકડ કરી. તેના મોબાઇલમાંથી અનેક આપત્તિજનક પુરાવા મળ્યા છે.
પકડાયેલા આરોપીઓમાંથી ગગનપ્રીતને પાકિસ્તાની હેન્ડલર્સે અત્યંત જોખમી કામ સોંપ્યું હતું. તેણે દિલ્હીમાં પોલીસ સ્ટેશનો, પોલીસ ચોકીઓ અને મુખ્ય ધાર્મિક સ્થળોની રેકી કરી લીધી હતી અને તેના વીડિયો બનાવીને પાકિસ્તાન મોકલ્યા હતા. તેને દિલ્હીમાં કોઈ સ્થળે તાબડતોડ ફાયરિંગ કરીને આતંક ફેલાવવાનું પણ ટાસ્ક આપવામાં આવ્યું હતું.
