સરકીટ હાઉસમાં કોંગ્રેસનું ઉગ્ર પ્રદર્શન, ગંગાજળથી શુધ્ધિકરણ

ભાજપના પૂર્વ કોર્પોરેટરનો સરકીટ હાઉસમાં બેસી ‘સેટલમેન્ટ’ કરવાનો વીડિયો વાયરલ થયા બાદ કોંગ્રેસની બઘડાટી, 30ની અટકાયત સરકારી મિલકતના દુરઉપયોગની તપાસ, છ માસના સીસીટીવી ફૂટેજ જાહેર…

ભાજપના પૂર્વ કોર્પોરેટરનો સરકીટ હાઉસમાં બેસી ‘સેટલમેન્ટ’ કરવાનો વીડિયો વાયરલ થયા બાદ કોંગ્રેસની બઘડાટી, 30ની અટકાયત

સરકારી મિલકતના દુરઉપયોગની તપાસ, છ માસના સીસીટીવી ફૂટેજ જાહેર કરવા માંગણી

રાજકોટમાં ગેરકાયદેસર બાંધકામો વિરૂધ્ધ મહાનગર પાલિકામાં અરજી કરી ભાજપના પુર્વ કોર્પોરેટર અનિલ મકવાણા તોડ કરતા કેમેરામાં કેદ થયા બાદ કોર્પોરેશનની ચુંટણી ટાણે જ કોંગ્રેસને મુદો મળી ગયો છે અને આજે ભ્રષ્ટાચાર તથા સેટલમેન્ટનો અડ્ડો બની ગયેલા સરકીટ હાઉસ ખાતે કોંગ્રેસે ઉગ્ર વિરોધ પ્રદર્શન કરી સરકીટ હાઉસમાં ગંગાજળનાં છંટકાવા સાથે શુધ્ધીકરણ કર્યું હતું. આ પ્રદર્શન દરમિયાન પોલીસે કોંગ્રેસના કાર્યકરોની ટીંગાટોળી કરીને ધરપકડ કરી હતી.

રાજકોટના હૃદય સમાન અને સરકારી ગરિમા ધરાવતું ’સર્કિટ હાઉસ’ હાલ વિવાદોના ઘેરામાં આવ્યું છે. તાજેતરમાં સોશિયલ મીડિયામાં ભારતીય જનતા પાર્ટીના એક નગરસેવક દ્વારા સર્કિટ હાઉસના રૂૂમમાં બેસીને લાંચ માંગતો વીડિયો વાયરલ થતા રાજકીય ગરમાવો આવી ગયો છે. આ ઘટનાના વિરોધમાં આજે રાજકોટ સર્કિટ હાઉસ ખાતે ઉગ્ર સૂત્રોચ્ચાર અને વિરોધ પ્રદર્શન કરી તંત્રને જગાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
કોંગ્રેસની યાદીમાં જણાવાયું છે કે, આ ઘટનાએ સરકારી મિલકતોના પ્રોટોકોલ અને સુરક્ષા સામે અનેક પ્રશ્નાર્થ ચિન્હો ઉભા કર્યા છે. સર્કિટ હાઉસ માત્ર સરકારી અધિકારીઓ અને પદાધિકારીઓના સત્તાવાર રોકાણ માટે છે. તો પછી કયા નિયમ હેઠળ નગરસેવકો કે રાજકીય કાર્યકરો આ રૂૂમોનો ઉપયોગ પોતાના અંગત ’વહીવટ’ માટે કરી રહ્યા છે? વાયરલ વીડિયો જોતા સ્પષ્ટ થાય છે કે સરકારી સંકુલ હવે જનતાના કામના બદલે સત્તાધારી પક્ષના આર્થિક સૌદાબાજી અને ભ્રષ્ટાચારનું કેન્દ્ર બની ગયું છે. પ્રોટોકોલ મુજબ ચાલતા આ સ્થળે આવી અનૈતિક પ્રવૃત્તિઓ ચાલતી હોવા છતાં વહીવટી તંત્ર અને સુરક્ષા એજન્સીઓ કેમ મૌન સેવી રહી છે?

કોંગ્રેસે તોડકાંડની આ ઘટનામાં સર્કિટ હાઉસના મેનેજમેન્ટ અને જવાબદાર અધિકારીઓ સામે બેદરકારી બદલ તુરંત તપાસ સમિતિ નીમી કડક પગલાં ભરવા, છેલ્લા 6 મહિનાના સીસીટીવી ફૂટેજ તપાસીને કયા કયા રાજકીય તત્વોએ ગેરકાયદેસર રીતે રૂૂમોનો ઉપયોગ કર્યો છે તે જાહેર કરવા તથા સરકારી સંકુલનો ભ્રષ્ટાચાર માટે ઉપયોગ કરનાર તમામ તત્વો વિરુદ્ધ કાયદેસરની ફોજદારી કાર્યવાહી કરવા માંગણી કરી છે.
“જો આગામી દિવસોમાં આ મામલે કોઈ નક્કર તપાસ કે કાર્યવાહી કરવામાં નહીં આવે, તો જનતાને સાથે રાખીને આગામી સમયમાં વધુ ઉગ્ર આંદોલન કરવાની ફરજ પડશે.” તેવું જણાવાયું છે.

ટી.પી. શાખામાં જ મોટો સડો
શહેરમાં ગેરકાયદે બાંધકામોમાં બ્લેકમેઇલીંગ કરી પૈસા પડાવતા તત્વોને કોર્પોેરેશનની ટી.પી. શાખામાંથી જ ‘ટીપ્સ’ મળતી હોવાની ચર્ચા છે. ટી.પી. શાખાના કેટલાક કર્મચારીઓ- અધિકારીઓ જ તોડબાજોને ગેરકાયદે બાંધકામોની માહિતી પહોંચાડી અરજી કરાવે છે અને પછી અરજદારને સેટલમેન્ટ કરી અરજી પાછી ખેંચાવવા માટે સલાહ આપતા હોવાનું કહેવાય છે. આ બારામાં કમિશનર તથા વહીવટદાર તટસ્થ તપાસ કરાવે તો ચોંકાવનારા ધડાકા થઇ શકે છે.

ભાજપવાળા પૈસા માંગે તો ‘આપ’નો સંપર્ક કરો: દિનેશ જોષીનું આહવાન
આમ આદમી પાર્ટી રાજકોટ શહેર પ્રમુખ દિનેશ જોષીએ આહવાન કર્યું છે કે ભાજપના કોર્પોરેટર દ્વારા જેતોડ કાંડ થઈ રહ્યો છે જે ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે.બાંધકામ ન તોડી પાડવા માટે તમારા બાંધકામનું પગીપણું કરવા માટે પહેલા 300000 રૂૂપિયા અને પછી છેલ્લે 125000 રૂૂપિયા ચા પાણીના માંગ્યા છે. આવા લોકો જે ભ્રષ્ટાચાર કરી રહ્યા છે કરી તેનો વિડીયો આપ જોઈ શકો છો આ તોડ કરનાર વ્યક્તિ એમ કહે છે કે આ તો એઆઇથી બનાવેલો છે જ્યારે બીજી તરફ જે દિલીપભાઈ પટેલ નામના વ્યક્તિ પાસે પૈસા માંગે છે એનું પણ વીડિયોમાં નિવેદન આવ્યું છે તો આ વિડીયો ફશ ક્યાંથી થયો રાજકોટ વાસીઓને મારી અપીલ છે કે તમારી પાસે ભાજપના કોઈ પણ કોર્પોરેટર આવે અથવા તો પદાઅધિકારીઓ આવે અને પૈસા માંગે તો તમે આમ આદમી પાર્ટીનો સંપર્ક કરો. કરપ્શન કરવા માટે તોડ કરવા માટે સર્કિટ હાઉસના દરવાજા પણ ખુલી જાય એટલું જ નહીં અનિલ મકવાણા એમ પણ કહે દરવાજો ખોલ લાઈટ પંખા કરૂ ચા મંગાવો સર્કિટ હાઉસ આપણું જ છે તો શું આ ભાઈ માટે સર્કિટ હાઉસના દરવાજા કાયમી ખુલ્લા જ હોય છે ? તેવો એક સવાલ ઉઠે છે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *