નવસારી જિલ્લા કોંગ્રેસમાં રાજકીય ભૂકંપ સર્જાયો છે. ગણદેવી નગરપાલિકાની ચૂંટણીમાં ઉમેદવારોના મેન્ડેટ મોડા થતા વોર્ડ નંબર 1 ની આખી પેનલના ફોર્મ રદ થયા છે. કોંગ્રેસના જિલ્લા પ્રમુખ અને તેમની ટીમની બેદરકારીના કારણે સમગ્ર પેનલના ઉમેદવારોના ફોર્મ રદ થયા છે.
આમ, ગણદેવી નગરપાલિકાના છ વોર્ડમાંથી એક વોર્ડમાં ભાજપ બિનહરીફ વન-વે વિજેતા બન્યું. આ કારણે કોંગ્રેસના કાર્યકર્તાઓમાં નારાજગીનું મોજું ફરી વળ્યું છે. નવસારી જિલ્લાની ગણદેવી નગરપાલિકામાં કોંગ્રેસના 18 ફોર્મ મેન્ડેડ સમય પર ન પહોંચવાને કારણે રદ થયા છે. ગણદેવી નગરપાલિકામાં છ વોર્ડની 24 બેઠકો ઉપર કોંગ્રેસે 18 ઉમેદવારોને ઉમેદવારી કરાવી હતી. પરંતુ એકી દિવસે ફોર્મ ભરવાના કારણે શહેર કોંગ્રેસ પ્રમુખ બપોરે 3.10 કલાકે મેન્ડેટ આપવા પહોંચ્યા હતા. જેના કારણે પ્રાંત અધિકારી અને ચૂંટણી અધિકારીએ મેન્ડેટ સમય મર્યાદામાં ન પહોંચતા તેને સ્વીકારવાની ના પાડી દીધી હતી.
આજે જ્યારે ઉમેદવારી પત્રોની ચકાસણી શરૂૂ થઈ ત્યારે કોંગ્રેસ દ્વારા ચીખલી પ્રાંત અને ચૂંટણી અધિકારીને લોકશાહીના હિતમાં નિર્ણય લેવા અનુરોધ કર્યો હતો. પરંતુ કાયદા પ્રમાણે મેન્ડેડ સમય મર્યાદામાં રજૂ ન થયા હોવાથી કોંગ્રેસના 18 ફોર્મ રદ કરવામાં આવ્યા હતા. ગણદેવી પાલિકામાં છ અપક્ષ ઉમેદવારોએ પણ ઉમેદવારી નોંધાવી છે. ત્યારે આવતીકાલે ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસે જો અપક્ષ ઉમેદવારો પોતાના ફોર્મ પરત ખેંચી લે તો ગણદેવી પાલિકા સમરસ જાહેર થાય એવી શક્યતાઓ પણ જોવાઈ રહી છે.
આમ, ઉમેદવારી કરી જીત મેળવવાની આશા બાંધી બેઠેલા કોંગ્રેસના ઉમેદવારોની આશા પર પાણી ફરી વળ્યું છે. નવસારી જિલ્લાના કોંગ્રેસના ઉચ્ચ નેતાઓની બેદરકારીએ સમગ્ર જિલ્લામાં ચર્ચા જગાવી છે. નવસારી જિલ્લામાં અત્યાર સુધી ત્રણ જિલ્લા પંચાયત અને 10 તાલુકા પંચાયત તથા બે મહાનગરપાલિકાના ઉમેદવારો બિનહરીફ જાહેર થયા છે. જિલ્લા કોંગ્રેસની નીતિ સામે કાર્યકર્તાઓમાં આક્રોશ પ્રદેશ કક્ષાએ રજૂઆત કરવાની તૈયારીઓ શરૂૂ કરી છે.
