જંગલેશ્ર્વરના લોકોના મકાનો તોડવાના બદલે ન્યાય આપવા કોંગ્રેસની માંગ

કાંકરીચાળો થવાના ભયે રેલી યોજવાના બદલે આગેવાનોએ કલેકટર કચેરીએ જઇ આવેદન આપ્યું, ત્યારબાદ કોઠારીયા રોડ ઉપર જાહેર સભા યોજાઇ કલેકટર કચેરીએ બેરીકેડ મારી પોલીસના ધાડા…

કાંકરીચાળો થવાના ભયે રેલી યોજવાના બદલે આગેવાનોએ કલેકટર કચેરીએ જઇ આવેદન આપ્યું, ત્યારબાદ કોઠારીયા રોડ ઉપર જાહેર સભા યોજાઇ

કલેકટર કચેરીએ બેરીકેડ મારી પોલીસના ધાડા ઉતારી દેવાયા પણ રેલી રદ થતા તંત્રને હાશકારો

રાજકોટ શહેરમાં ભાવનગર રોડ ઉપર આજી નદીના કાંઠે આવેલ જંગલેશ્ર્વર વિસ્તારમાં એક હજારથી વધુ ગેરકાયદેસર બાંધકામો તોડવા અપાયેલ નોટિસોના પગલે ભારે દેકારો મચી ગયો છે ત્યારે આજે ધારાસભય જીજ્ઞેશ મેવાણીની આગેવાની હેઠળ કોંગ્રેસે રેલી કાઢી કલેકટરને આવેદન આપતા બંદોબસ્ત માટે પોલીસના ધાડેધાડા ઉતારી દેવામાં આવ્યા હતા.

કોંગ્રેસે જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપી વર્ષોથી રહેતા ગરીબોના આવાસો છીનવવાના બદલે કાયદેસર કરી આપવા રજુઆત કરી હતી અને ત્યારબાદ કોઠારીયા રોડ ઉપર આવેલ ક્રિષ્ના ચોક ખાતે અસરગ્રસ્તોની જાહેરસભા યોજી હતી. કાંકરીચાળો થવાના ડરે પોલીસે જડબેસલાક બંદોબસ્ત રાખ્યો હતો. પરંતુ કોંગ્રેસે રેલી કાઢવાના બદલે થોડા આગેવાનોએ જ કલેકટર કચેરીએ જઇને આવેદનપત્ર આપ્યું હતું અને ત્યારબાદ જાહેરસભા યોજી હતી.

બીજી તરફ મોટી રેલી યોજવાની શકયતા ધ્યાને લઇ પોલીસ દ્વારા જડબેસલાક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યા હતા અને કલેકટર કચેરી પાસે બેરીકેડ પણ મારી દીધા હતા. પરંતુ રેલી નહીં યોજાતા પોલીસે પણ રાહતનો દમ લીધો હતો.

તંત્ર દ્વારા આ વિસ્તારના અંદાજે 6000 કુટુંબો પૈકી 1300 થી 1400 કુટુંબોને સ્થળાંતર માટેની નોટિસો આપવામાં આવી છે. આ વિસ્તારમાં લગભગ 35,000 જેટલા લોકો છેલ્લા 40 થી 50 વર્ષથી વસવાટ કરી રહ્યા છે.

કોંગ્રેસે આવેદનમાં જણાવ્યું હતું કે મીડિયા અહેવાલો મુજબ, આ જમીન રિવરફ્રન્ટ બનાવવા માટે ખાલી કરાવવામાં આવી રહી છે, પરંતુ કોંગ્રેસના મતે રિવરફ્રન્ટ માટે આટલી વિશાળ જગ્યાની જરૂૂર હોતી નથી. અહીં વસતા લોકો મજૂર, સફાઈ કામદાર, ડ્રાઈવર અને કડિયા કામ કરી રાજકોટના નિર્માણમાં મહત્વનો ફાળો આપી રહ્યા છે, જેમને બેઘર કરવા સામે વિરોધ નોંધાવાયો છે.

આવેદન પત્રમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે સરકાર પીપીપી યોજનાના નામે લોકોના કાયદેસરના મકાનો તોડી બિલ્ડરોને જમીન ફાળવી મોટો ભ્રષ્ટાચાર કરવા માંગે છે. ડો. જાડેજાએ સવાલ ઉઠાવ્યો છે કે જ્યારે આ જમીન પર દબાણ થઈ રહ્યું હતું ત્યારે તંત્ર શું કરી રહ્યું હતું અને તેના માટે જવાબદાર અધિકારીઓ સામે શું પગલાં લેવાયા?.

કોંગ્રેસ દ્વારા માંગ કરવામાં આવી છે કે આ લોકો દેશના વિકાસમાં સહભાગી છે, તેથી તેમને “દબાણકર્તા” ગણવાને બદલે 25 થી 50 વારની જમીન પર તેમનો અધિકાર ગણવો જોઈએ. કલેક્ટરને લોકહિતમાં અને ગરીબ પરિવારોના હિતમાં નિર્ણય લેવા વિનંતી કરવામાં આવી છે.

કોંગ્રેસની રેલીમાં ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણી, લાલજી દેસાઇ, રાજદીપસિંહ જાડેજા, ઇન્દ્રનીલ રાજ્યગુરૂ, વશરામ સાગઠીયા, મહેશ રાજપુત, રોહિત રાજપુત, જસવંતસિંહ ભટ્ટી સહીતના નેતાઓ જોડાયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *