હિન્દુ માલિકે પોતાની મિલકત અશાંતધારાની જરૂરી મંજૂરી લીધા વિના મુસ્લિમને 93 લાખમાં વેચી દીધી
ગુજરાત રાજ્યમાં અશાંત ધારા હેઠળના વિસ્તારોમાં મિલકતની તબદીલી માટે વહીવટી તંત્રની પૂર્વ મંજૂરી અનિવાર્ય હોવા છતાં, કાયદાના સરેઆમ લીરેલીરા ઉડાડતો કિસ્સો ભાવનગરમાં પ્રકાશમાં આવ્યો છે. ભાવનગર જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેએ અસામાજિક પ્રવૃત્તિઓ અને કાયદા વિરુદ્ધના કૃત્યો સામે કડક વલણ અપનાવતા, રાજ્યના અમદાવાદ બાદ બીજો અને સૌરાષ્ટ્ર અને ભાવનગર માં અશાંત ધારા હેઠળનો પ્રથમ ગુન્હો નોંધાવતા સમગ્ર પંથકમાં ભારે ખળભળાટ મચી ગયો છે. ભાવનગરના સીટી મામલતદાર એ મિલકત વેચનાર અને ખરીદનાર બંને વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર ભાવનગર શહેરના વોર્ડ નં. 5, શીટ નં. 135 અને સીટી સર્વે નં. 4463 ધરાવતા કેસન્ટ વિસ્તારમાં આવેલ પ્લોટ નં. 567/A/1, A/2/C વાળી મિલકત અશાંત ધારા હેઠળના વિસ્તારમાં આવે છે. આ મિલકતના માલિક દર્શરાજસિંહ ધર્મેન્દ્રસિંહ ગોહિલ (રહે. હિલ ડ્રાઈવ, દક્ષિણામૂર્તિ સોસાયટી, ભાવનગર) દ્વારા ગુજરાત અશાંત ધારા વિસ્તારમાં તબદીલ અધિનિયમ 1991 હેઠળ કલેક્ટરની કોઈ પણ પ્રકારની પરવાનગી મેળવ્યા વગર જ આ મિલકત વેચવાનો ઈરાદો રાખ્યો હતો.આ મિલકત અલારખાભાઈ કાદરભાઈ ગાગાણી (રહે. કેસન્ટ સર્કલ પાસે, ભાવનગર) ને રૂૂ.93 લાખ માં બારોબાર વેચી નાખવામાં આવી હતી. કાયદાકીય પ્રક્રિયાનું ઉલ્લંઘન કરી કરવામાં આવેલા આ સોદા અંગે ભાવનગરના સીટી મામલતદાર અને એક્ઝીક્યુટીવ મેજીસ્ટ્રેટ કે.બી. ચાંદલીયા દ્વારા ભાવનગરના ઘોઘારોડ પોલીસ સ્ટેશનમાં વિધિવત ગુન્હો રજિસ્ટર કરાવવામાં આવ્યો છે.
પોલીસ દ્વારા આ મામલે સ્થાવર મિલકત તબદીલ અટકાવવા હક્ક રક્ષક અધિનિયમની કલમ-5, 6(એ) મુજબ ગુ.ર.નં. 11198006260674/2026 થી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આ ગંભીર ગુન્હાની આગળની તપાસ લોકલ ક્રાઈમ બ્રાન્ચના પોલીસ સબ ઇન્સ્પેક્ટર વી.સી. જાડેજાને સોંપવામાં આવી છે. ભાવનગર પોલીસ વડા નિતેશ પાંડેની આ કાર્યવાહીથી સૌરાષ્ટ્રભરમાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે. ખાસ કરીને મિલકત બજારોમાં અને કાયદાનું ઉલ્લંઘન કરનારા તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે.
