જિલ્લામાં જમીન બિનખેતી (એનએ) કરવાની પ્રક્રિયામાં થયેલા કથિત ભ્રષ્ટાચાર મામલે અમલદારો સામે કાયદાકીય કાર્યવાહીની ગતિ તેજ થઈ છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે પૂર્વ કલેક્ટર રાજેન્દ્ર પટેલ સહિત છ વ્યક્તિઓ વિરુદ્ધ વિશેષ અદાલતમાં ફરિયાદ દાખલ કરી છે. અદાલતે પ્રાથમિક દસ્તાવેજોનો અભ્યાસ કર્યા બાદ તમામ આરોપીઓ સામે પ્રોસેસ ઇસ્યૂ કર્યા છે.
તપાસ એજન્સીના દાવા મુજબ, સુરેન્દ્રનગર જિલ્લામાં જમીનના હેતુ ફેરફાર માટે આવેલી અરજીઓમાં ગેરરીતિપૂર્વક નાણાં લેવાની પદ્ધતિ વિકસિત કરવામાં આવી હતી. અરજદારોની ફાઇલ વિલંબિત ન થાય તે માટે ’સ્પીડ મની’ તરીકે ઓળખાતી રકમ વસૂલ થતી હતી. આ રકમનો વહેંચણીય હિસ્સો વિવિધ સ્તરના અધિકારીઓ સુધી પહોંચતો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.
તપાસ દરમિયાન પૂર્વ કલેક્ટર રાજેન્દ્ર પટેલ અને નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીની ધરપકડ કરી તેમને જેલ હવાલે કરવામાં આવ્યા છે. જ્યારે રેસિડેન્ટ એડિશનલ કલેક્ટર આર.કે. ઓઝા, મયુરસિંહ દિલીપસિંહ ગોહિલ, મયુર બલવંતરાય દવે અને જયરાજસિંહ હરપાલસિંહ ઝાલાની હજુ ધરપકડ કરવામાં આવી નથી, પરંતુ તેમના વિરુદ્ધ પણ કોર્ટમાં ફરિયાદ નોંધાઈ છે.
સર્ચ કાર્યવાહી દરમિયાન તપાસ એજન્સીએ કુલ 12 ઇલેક્ટ્રોનિક ઉપકરણો જપ્ત કર્યા હતા, જેમાં હાર્ડડિસ્ક, લેપટોપ, પેન ડ્રાઇવ અને મોબાઇલ ફોનનો સમાવેશ થાય છે. તપાસમાં પેન ડ્રાઇવમાંથી મહત્વપૂર્ણ માહિતી મળી હોવાનો દાવો કરવામાં આવ્યો છે. દસ્તાવેજી પુરાવા અને ડિજિટલ ડેટાના આધારે ગેરકાયદેસર વસૂલાતનો વ્યવસ્થિત માળખો કાર્યરત હતો એવી શંકા મજબૂત બની હોવાનું સૂત્રોએ જણાવ્યું.
સમગ્ર મામલે તપાસમાં સામે આવ્યું છે કે જમીન એનએ કરવાની મંજૂરી માટે નક્કી દરથી રકમ વસૂલાત થતી હતી.
આરોપ મુજબ, આ વસૂલાતમાંથી ચોક્કસ ટકાવારી ઉચ્ચ અધિકારીઓ સુધી પહોંચતી હતી. કેટલાક દસ્તાવેજોમાં લગભગ 800 શીટમાં લેવડદેવડના ઉલ્લેખ મળ્યા હોવાનો દાવો છે, જેમાં કરોડોની રકમના વ્યવહારો દર્શાવવામાં આવ્યા હોવાનું કહેવાય છે.
આખા કૌભાંડમાં કથિત રીતે લાંચની રકમનું વિતરણ નક્કી પ્રમાણમાં થતું હતું. તપાસ એજન્સીના કહેવા મુજબ, વસૂલાતમાંથી 50 ટકા હિસ્સો કલેક્ટર સુધી અને 25 ટકા હિસ્સો અન્ય વરિષ્ઠ અધિકારી સુધી પહોંચતો હતો, જ્યારે બાકીની રકમ અન્ય સંકળાયેલા કર્મચારીઓ વચ્ચે વહેંચાતી હતી.
ઉલ્લેખનીય છે કે, કેસમાં દાખલ થયેલી ફરિયાદ બાદ અદાલતી કાર્યવાહી શરૂૂ થઈ છે અને આરોપીઓ સામે નિયમિત સુનાવણી હાથ ધરાશે. સુરેન્દ્રનગર જિલ્લાના જમીન વ્યવહારો સાથે સંકળાયેલા આ પ્રકરણ રાજ્યમાં ચર્ચાનો વિષય બન્યો છે. આગામી દિવસોમાં તપાસમાં વધુ ખુલાસા થવાની શક્યતા નકારી શકાય નહીં.
