એટ્રોસીટી એકટ હેઠળ કાર્યવાહી, તાલુકા પોલીસમાં ભીમનગરના યુવાનની ફરિયાદ
રાજકોટ શહેરમાં નાનામવા રોડ પર ભીમનગરમાં રહેતા યુવાને પોતાની ફરીયાદમાં એક ઇન્સ્ટાગ્રામ આઇડી ધરાવતા શખ્સ વિરૂધ્ધ ફરીયાદ નોંધાવી હતી. પોલીસે એટ્રોસીટી એકટ મુજબ ગુનો નોંધી આઇડી પરથી આરોપીને પકડી લેવા તપાસ શરૂ કરી છે. નાનામવા રોડ પર ભીમનગરમાં રહેતા નિખીલભાઇ કાનતીભાઇ ચાવડા નામના યુવાને પોતાની ફરીયાદમાં જણાવ્યુ હતુ કે પોતે મજુરી કામ કરે છે અને તેઓએ 1930 પર સાયબર ક્રાઇમમાં ઓનલાઇન ફરીયાદ નોંધાવી હતી જેમાં તે પોતે સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ પર વોસ્ટઅપ, ઇન્સ્ટાગ્રામ અને ફેસબુકનો ઉપયોગ કરે છે.
ઇન્સ્ટાગ્રામ આઇડીમાં તેમણે પોતાના ફોટો તથા બાબાસાહેબ આંબેડકરનુ ગીત અને ફોટોમાં ગુજરાતીમાં દલીત લખ્યુ હતુ. આ રીલ્સ બનાવી ઇન્સ્ટાગ્રામ પર અપલોડ કરી હતી. તેમજ આ રીલ્સમાં પોતાના ફોલોઅર્સ અને મિત્રોએ કોમેન્ટ કરી હતી. જેમાં એક ઇન્સ્ટાગ્રામ આઇડી દ્વારા 31-5-24 ના રોજ જ્ઞાતિ વિષયક અપશબ્દો લખી અભદ્ર કોમેન્ટ કરતા તેમજ અપમાનીત કરતા શબ્દો લખી ધમકી આપી હતી. આ મામલે તેઓએ જ્ઞાતિ પ્રત્યે અપમાનીત કર્યા અંગેની રાજકોટ તાલુકા પોલીસ મથકમાં ફરીયાદ કરતા પીએસઆઇ કારેણા એ તપાસ શરૂ કરી અભદ્ર કોમેન્ટસ કરનાર ઇન્સ્ટાગ્રામ આઇડી ધરાવતા શખ્સને પકડી લેવા કાર્યવાહી શરૂ કરી છે.
