ગુજ.એસટી મુસાફર હિતરક્ષક સમિતિની રાજકોટ બસપોર્ટ પરની વિઝિટમાં ક્ષતિ ધ્યાને આવી
ગુજરાત એસ.ટી મુસાફર હિતરક્ષક સમિતિના ગુજરાતના પ્રતિનિધિ ગજેન્દ્રસિંહ ઝાલા, નાગજીભાઈ વિરાણી, અમરેલીના પ્રતિનિધિ પ્રતાપભાઈ વાળાની રાજકોટ એસ.ટી બસપોર્ટ પર સાઇટ વિઝીટ દરમિયાન ધારી ડેપો મેનેજર ની પોલ ખુલી ગઈ હતી. ધારી ડેપોની બસ નંબર GJ-18-Z T 0739 રાજકોટ અમરેલી ધારી બસ મુસાફરો માટે મોતની લટકતી તલવાર સમાન છે. આ બસનો ફ્ન્ટલ સ્ક્રીન ગ્લાસ (ડ્રાઇવરની આગળનો કાચ) તૂટેલી હાલતમાં છે અને જર્જરીત છે. અને જે તિરાડો છે એ ડ્રાઇવરની આંખો સુધી પહોંચતી હોવા છતાં આ પ્રકારની બસો ઓન ધ રોડ ચલાવવામાં આવે છે. જે મુસાફરો અને ડ્રાઇવર માટે જોખમી પુરવાર થઈ શકે છે. ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ ના નિયમો મુજબ, ડ્રાઇવરે રૂૂટ પરથી ઉતર્યા બાદ લોગશીટની નકલ (પરિશિષ્ટ 13) બસમાં ભરેલ રિપોર્ટ હેડ મિકેનિક ને આપવાનો હોય છે. અહીં સવાલ એ છે કે ડ્રાઇવર એ રિપોર્ટ ભર્યો હોય તો કામ કેમ થતું નથી ? અને જો રિપોર્ટ ભર્યો ન હોય તો ડ્રાઇવર સામે કાર્યવાહી કેમ થતી નથી ? મુસાફરો માથે મોતનું જોખમ હોય ત્યારે તમામની જવાબદારી ફિક્સ થવી જોઈએ. એસ.ટીએ ભાડા વધારામાં તોતિંગ 38% ભાડા વધારો કરવામાં આવ્યો છે. અને તેમ છતાં આ પ્રકારની બેદરકારી અને લાપરવાહી દાખવવામાં આવી રહી છે.
સમગ્ર મામલે તાત્કાલિક રાત્રે જ અમરેલી એસ.ટી વિભાગના વિભાગીય નિયામક અને ધારી વિભાગના હેડ મિકેનિક ને ટેલીફોનિક જાણ કરી આ બસનો કાચ તાત્કાલિક બદલવા અપીલ કરી હતી અને ફરજ પરના કંડકટરની ફરિયાદ બુકમાં ગુજરાત રાજ્ય માર્ગ વ્યવહાર નિગમ મુસાફરોએ નોંધવાની ફરિયાદ પોથી (પરિશિષ્ટ અ મુજબ) ફરિયાદ નંબર 0802 થી ફરિયાદ કરવામાં આવી છે. વિભાગીય નિયામકએ ટેલીફોનિક વાતચીતમાં બસમાં રહેલ તૂટેલા કાચ બાબતે તાત્કાલિક યોગ્ય કરાશે એવી ખાતરી આપવામાં આવી છે. તેવુ ગુજરાત એસ.ટી મુસાફર હિતરક્ષક સમિતિ હેલ્પલાઇન નંબર 94262 29396ની યાદીમાં જણાવાયુ છે.
