વેઇટલિફ્ટિંગ અને એથ્લેટિક્સની ટીમ પર મદાર, 34 દેશના 3000 ખેલાડીઓ કૌવત બતાવશે
2030માં પોતાના ઘરઆંગણે યોજાનારી કોમનવેલ્થ ગેમ્સ અગાઉ ભારતીય રમતવીરો આજથી અહીં શરૂૂ થઈ રહેલી ગ્લાસગો કોમનવેલ્થ ગેમ્સમાં શાનદાર પ્રદર્શન કરીને ચાર વર્ષ બાદ અમદાવાદ ગેમ્સમાં પૂરતી સજ્જતા કેળવીને ચેમ્પિયન તરીકે રહેવાના ઇરાદા સાથે ઉતરશે. કોમનવેલ્થ ગેમ્સનો ગુરુવારથી પ્રારંભ થઈ રહ્યો છે અને બીજી ઓગસ્ટ સુધીમાં આગામી દિવસોમાં તમામ રાષ્ટ્ર તેમની પસંદગીની રમતોમાં ઓતપ્રોત થઈ જશે.મેડલની યાદીમાં ભારત ટોપ-ફાઈવમાં રહેવાનો બે દાયકા જૂનો સિલસિલો જાળવી રાખવા માટે બોક્સિંગ, વેઈટલિફ્ટિંગ અને એથ્લેટિક્સની ટીમ પર આધાર રાખશે.
ઓવો હાઇડ્રો ખાતેનો ઉદઘાટન સમારોહ ઔપચારિક રીતે ત્રણ દાયકા કરતાં વધુ સમયની સૌથી નાની કોમનવેલ્થ ગેમ્સનો પ્રારંભ કરાવશે. જેમાં કોમનવેલ્થના 74 દેશના આશરે 3,000 એથ્લેટ્સ ચાર સ્થળ પર ફેલાયેલી માત્ર દસ રમતોમાં સ્પર્ધા કરશે. તેમાંથી છ રમતોમાં એક સાથે પેરા ઇવેન્ટ્સ પણ યોજાશે, જે સમાવેશી ગેમ્સના આયોજકોના વિઝનને વધુ મજબૂત બનાવે છે.ઑસ્ટ્રેલિયાના વિક્ટોરિયા સ્ટેટે વધતા જતા ખર્ચને કારણે 2023માં યજમાન તરીકે ખસી ગયા બાદ કોમનવેલ્થનું ભવિષ્ય અનિશ્ચિતતામાં મુકાઈ ગયું હતું ત્યારે ગેમ્સને બચાવવા માટે ગ્લાસગો આગળ આવ્યું હતું.
બર્મિંગહામ 2022 કરતાં લગભગ 60 ટકા ઓછા એટલે કે આશરે 160 મિલિયન પાઉન્ડના બજેટમાં આ ઇવેન્ટનું આયોજન કર્યું છે. ત્યાર બાદ 2030માં ગેમ્સની યજમાની ભારતને મળી છે અને તે માટે અમદાવાદની પસંદગી કરવામાં આવી છે.
આ વખતે કુસ્તી, બેડમિન્ટન, ટેબલ ટેનિસ અને શૂટિંગની ગેરહાજરીએ ભારતના મેડલની સંભાવનાઓને નોંધપાત્ર રીતે ઘટાડી દીધી છે.ચાર વર્ષ અગાઉ બર્મિંગહામમાં ભારતે જીતેલા 61 મેડલમાંથી માત્ર આ ચાર રમતોના જ 25 મેડલ હતા. જેને કારણે આ કદાચ તાજેતરના સમયમાં દેશનું સૌથી મુશ્કેલ કોમનવેલ્થ અભિયાન બની ગયું છે. ભારત માટે આ ખાલીપો ભરવાની જવાબદારી મોટાભાગે એથ્લેટિક્સ, બોક્સિંગ અને વેઈટલિફ્ટિંગ પર રહેશે.22 મેડલ ઇવેન્ટમાં ભાગ લેવા માટે ભારતે તમામ રમતોમાં સૌથી મોટું એથ્લેટિક્સ દળ, મહત્તમ મંજૂર થયેલા 32 સભ્યોનું એથ્લેટિક્સ દળ મેદાનમાં ઉતાર્યું છે. આ અભિયાનની આગેવાની બે વારનો ઓલમ્પિક્સ મેડલ વિજેતા નીરજ ચોપરા કરી રહ્યો છે, જે પ્રચંડ દાવેદારને બદલે પડકારજનક ભૂમિકા સાથે આ મોટી ચેમ્પિયનશિપમાં પ્રવેશી રહ્યો છે.
ભારતમાં ઈવેન્ટ્સ બપોરથી શરૂ થશે
ભારતીય ચાહકો માટે કોમનવેલ્થ ગેમ્સ 2026ની ઈવેન્ટ્સના સ્કોટલેન્ડના સમય પ્રમાણે ઈવેન્ટ્સ સવારે 9 વાગ્યાથી શરૂૂ થશે, જ્યારે ભારતનો સમય સ્કોટલેન્ડ કરતા સાડા ચાર કલાક આગળ હોવાથી ભારતમાં મોટાભાગની ઈવેન્ટ્સ બપોરથી શરૂૂ થઈને મોડી રાત સુધી જોઈ શકાશે. કોમનવેલ્થ ગેમ્સ 2026નું ભારતમાં ટેલિવિઝન પ્રસારણ સોની સ્પોર્ટ્સ નેટવર્ક દ્વારા કરવામાં આવશે. આ ઉપરાંત ડીડી સ્પોર્ટ્સ પર પણ ઈવેન્ટ્સ જોઈ શકાશે. ચાહકો ઘરે બેઠા ટીવી પર ભારતીય ખેલાડીઓના પ્રદર્શનનો આનંદ માણી શકશે. ઓનલાઈન લાઈવ સ્ટ્રીમિંગની વાત કરીએ તો ભારતમાં કોમનવેલ્થ ગેમ્સ 2026નું લાઈવ પ્રસારણ ફક્ત સોની નેટવર્કના ઓટીટી પ્લેટફોર્મ સોની લિવ પર ઉપલબ્ધ રહેશે.
