30 જૂન સુધીમાં મુદત પૂર્ણ થતી હોય તેવી પંચાયતોની થશે ચૂંટણી
પાલિકા- પંચાયતોની ચૂંટણી બાદ ગુજરાતમાં ઓબીસી અનામતના કારણે અટકી પડેલી ગ્રામ પંચાયતોની સામાન્ય અને મધ્યસત્ર ચૂંટણી 15મી એપ્રિલ પહેલા સંપન્ન થાય તેવા સંકેતો મળી રહ્યા છે. રાજ્ય ચૂંટણી આયોગે તમામ જિલ્લા કલેકટરો, પ્રાંત અધિકારીઓને પત્ર લખીને ગ્રામ પંચાયતની ચૂંટણી માટે તૈયાર રહેવા આદેશ કર્યો છે. પ્રાથમિક અનુમાન મુજબ 30 જૂન 2025 સુધીમાં જેની મુદત પૂર્ણ થાય છે તેવી સાત હજાર ગ્રામ પંચાયતો છે જેની ચૂંટણી યોજવામાં આવશે.
રાજ્ય ચૂંટણી આયોગના સચિવે લખેલા પત્રમાં સ્પષ્ટ કહેવાયું કે 1 એપ્રિલ 2022થી લઈ 30 જૂન 2025 સુધી મુદત પૂર્ણ થતા ગ્રામ પંચાયતોની સામાન્ય, વિભાજન, મધ્યસત્ર, પેટાચૂંટણી આગામી સમયમાં યોજવાની થાય છે. જેથી મતદાન મથકો મંજૂર કરવા અને તેની ચકાસણી કરી પ્રમાણપત્રો મેળવી લેવામાં આવે. કલેકટરને સંબોધીને લખાયેલા આ પત્રમાં ગ્રામ પંચાયતોના ચૂંટણી અધિકારી તરીકે નાયબ મામલતદારો, મદદનીશ તાલુકા વિકાસ અધિકારી, વિસ્તરણ અધિકારીઓ તેમજ ચૂંટણી કામગીરીના અનુભવી કર્મચારીની નિયુક્તિ કરવાની રહેશે. એપ્રિલના પ્રથમ સપ્તાહમાં શૈક્ષણિક કાર્ય બંધ હોવાથી આ દિવસોમાં ચૂંટણી થતા છેલ્લા અઢી વર્ષથી ચાલતા વહીવટદારી શાસનનો અંત આવશે.