બે કલાકમાં બે હત્યાથી રંગીલું રાજકોટ બન્યું રકતરંજિત

રંગીલા રાજકોટ શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાણે સંપૂર્ણપણે કથળી ગઈ હોય તેમ શુક્રવારે સાંજે માત્ર બે કલાકના ટૂંકા ગાળામાં હત્યાના બે અલગ-અલગ બનાવો બનતા…

રંગીલા રાજકોટ શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાણે સંપૂર્ણપણે કથળી ગઈ હોય તેમ શુક્રવારે સાંજે માત્ર બે કલાકના ટૂંકા ગાળામાં હત્યાના બે અલગ-અલગ બનાવો બનતા રાજકોટ શહેર રક્તરંજિત બનતા સમગ્ર શહેરમાં ભય અને ફફડાટનો માહોલ વ્યાપી ગયો છે. એક તરફ મોરબી રોડ પર પત્નીના પરપુરુષ સાથેના આડાસંબંધથી કંટાળી પતિએ મારવાડી યુનિવર્સીટીમાં નોકરી કરતી તેની હત્યા કરી હતી.

બીજી તરફ ગાંધીગ્રામ વિસ્તારમાં સામું જોવા જેવી નજીવી બાબતે જાહેર રોડ પર મિત્રને પોતાના મિત્રને રહેસી નાખ્યો હતો જેમાં ગણતરીના કલાકોમાં પોલીસે ત્રણ આરોપીને સકંજામાં લીધા છે.

આ બેવડી હત્યાની ઘટનાઓએ શહેર પોલીસના ગુનેગારો પરના ખોફ સામે ગંભીર પ્રશ્નાર્થો ઊભા કર્યા છે. વધી રહેલી ગુનાખોરીથી સામાન્ય નાગરિકોની સુરક્ષા જોખમાઈ રહી હોવાની લાગણી પ્રબળ બની છે.

ચારિત્ર્યની શંકામાં પત્નીની હત્યા કર્યા બાદ પતિએ ગૂગલમાં સર્ચ કરી ઓર્ગેનિક દવા ગટગટાવી

હત્યાના બે બનાવોમાં પ્રથમ બનાવ સાંજે 6.15 કલાકે બન્યો હતો જેમાં બી-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદની વિગતો અનુસાર, મોરબી રોડ પર વેલનાથપરામાં રહેતા 43 વર્ષીય ગીતાબેન અશોકભાઈ વઢુકીયા અને તેમના મોટા બહેન શારદાબેન (ઉં.વ. 48) મારવાડી યુનિવર્સિટી ખાતે સફાઈ કામદાર તરીકે મજૂરીકામ કરતા હતા. શારદાબેન તેમના પતિ પ્રવીણભાઈ ઉકાભાઈ પરસોંડા તથા બે પુત્રો મયુર, દર્શિત અને પુત્રવધૂ કાજલ સાથે મોરબી રોડ પર રેડ રોઝ હોટલ પાછળ આવેલી સ્કાય સોસાયટી શેરી નં. 1 માં ભાડેથી રહેતા હતા. આરોપી પ્રવીણભાઈ કોઈ સરખું કામધંધો કરતા ન હતા અને શારદાબેનને છેલ્લા ત્રણ વર્ષથી એક પુરુષ સાથે પ્રેમસંબંધ હોય, જેની જાણ પતિ સહિતના પરિવારને હતી જે બાબતે દંપતી વચ્ચે અવારનવાર ઝઘડા થતા હતા.

તા. 20/11/2026 ના રોજ સાંજે આશરે છ વાગ્યાના અરસામાં શારદાબેન યુનિવર્સિટીથી કામ પતાવીને ઘરે પરત ફર્યા ત્યારે પતિ પ્રવીણભાઈએ ફરીથી ઝઘડો શરૂૂ કર્યો હતો. આ સમયે ઘરે હાજર પુત્રવધૂ કાજલબેને વચ્ચે પડી ઝઘડો શાંત પાડવાનો પ્રયાસ કરતા સસરા પ્રવીણભાઈએ તેને ધક્કો મારી ઘરની બહાર કાઢી મૂકી હતી અને અંદરથી દરવાજો બંધ કરી દીધો હતો. ત્યારબાદ ઘરની અંદરથી શારદાબેનની બચાવોની ચીસો સંભળાઈ હતી અને થોડી જ વારમાં પ્રવીણભાઈ લોહીવાળા કપડાં સાથે દરવાજો ખોલી બહાર આવ્યા હતા.
પ્રવીણભાઈએ પુત્રવધૂને “મેં તારી સાસુને મારી નાખી છે” તેમ કહી ઘટનાસ્થળેથી નાસી છૂટ્યા હતા. અંદર જઈને જોતા શારદાબેન હોલમાં લોહીલુહાણ હાલતમાં પડેલા હતા, 108ને જાણ કરવામાં આવતા 108નો સ્ટાફે સ્થળ પર પહોચી તપાસી તેમને મૃત જાહેર કર્યા હતા. હત્યા કર્યા પ્રવીણભાઈએ ગુગલમાં સર્ચ કરી આપઘાત માટે ઓર્ગેનિક દવા પી લીધી હતી અને ઘર નજીક પોતાના પુત્રને પારેવડી ચોક સુધી મૂકી જવાનું કહેતા માતાની હત્યાથી અજાણ પુત્ર પોતાના પિતાને પારેવડી ચોક સુધી મૂકી ગયો અને ત્યાંથી પ્રવીણભાઈ ગોંડલના ગુંદાળા ગામે પોતાના વતન પહોચ્યા હતા જોકે બી-ડીવીઝન પોલીસ મથકના પી.એસ.આઈ. જી.આર.ચૌહાણ સહિતના સ્ટાફે પ્રવીણભાઈને ઝડપી લીધા હતા.

સામુ કેમ જોવે છે ? કહેતા મિત્રએ છરીના ઘા ઝીંકી મિત્રની લોથ ઢાળી, 3 આરોપી ઝબ્બે

ગાંધીગ્રામના એસ.કે. ચોક માં રાતે 8 વાગ્યે હત્યાનો બીજો બનાવ બન્યો હતો. જેમાં પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ મુજબ, ગાંધીગ્રામ શેરી નં. 10/12 ના ખૂણે રહેતા 31 વર્ષીય કિશનભાઈ નરેન્દ્રભાઈ પરમાર અને તેનો મોટો ભાઈ મનીષભાઈ છૂટક ડ્રાઈવિંગ અને ઘરે ટિફિન સર્વિસ ચલાવી પરિવારનું ગુજરાન ચલાવે છે, તા. 20/11/2026 ના રોજ રાત્રિના આશરે આઠેક વાગ્યાના અરસામાં મનીષભાઈ પોતાનું એક્ટિવા લઈને નાણાવટી ચોકથી ગાંધીગ્રામ જતા રોડ પર આવેલી મઢુલી પાનની દુકાન પાસે ઊભા હતા. આ દરમિયાન ત્યાં હાજર ગાયત્રી ડેરી પાસે રહેતા અબ્દુલ ગની ડાંગસીયા અને હનુમાન મઢી પાસે રહેતા રીયાઝ શેખ અને અબ્દુલ અને મનીષનો કોમન મિત્ર યશરાજ રાઠોડ ત્યાં હતા ત્યારે મનીષભાઈ સાથે “સામું કેમ જુએ છે” તેવી સામાન્ય બાબતે બોલાચાલી કરી ગાળાગાળી શરૂૂ કરી હતી. ઝઘડો ઉગ્ર બનતા મનીષભાઈએ પોતાના નાના ભાઈ કિશનભાઈને ફોન કરીને જાણ કરી હતી કે મઢુલી પાન પાસે લપ થઈ છે અને સામેવાળાએ છરી કાઢી છે. કિશનભાઈ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયા ત્યારે મનીષભાઈ મઢુલી પાનની સામે આવેલી ખોડિયાર ઈલેક્ટ્રિક નામની દુકાન પાસે લોહીલુહાણ હાલતમાં જમીન પર પડેલા હતા. આરોપી ગની ડાંગસીયાએ મનીષભાઈના ડાબા પગના સાથળના ભાગે છરીના ત્રણ જીવલેણ ઘા ઝીંકી દીધા હતા અને ત્રણેય શખ્સો ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયા હતા.ગંભીર રીતે ઘવાયેલા મનીષભાઈને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે પ્રથમ ખાનગી હોસ્પિટલ અને ત્યારબાદ વધુ સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલના ઈમરજન્સી વોર્ડમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા. આ બનાવ અંગેની જાણ થતા ગાંધીગ્રામ પોલીસ સ્ટાફ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયો હતો.
આ મામલે ગાંધીગ્રામ પોલીસે મૃતકના ભાઈ કિશનભાઈ નરેન્દ્ર પરમારની ફરિયાદને આધારે હત્યાનો ગુનો નોંધી તપાસ કરી હત્યામાં સામેલ અબ્દુલગની જાહીદભાઇ ડાંગસીયા ઉ.વ.22 (રહે. માં કી દુવા ગાયત્રી ડેરીની બાજુમાં એસ.કે. ચોક પાસે ગાંધીગ્રામ) અને રીયાઝ મહેબુબભાઇ શેખ (ઉ.વ.20 રહે. શિવપરા શેરી નં.1 હનુમાનમઢી રૈયારોડ) તેમજ યશરાજસિંહ રાઠોડને ઝડપી લીધા હતા. તપાસમાં જાણવા મળ્યું કે, મૃતક મનીષ અને અબ્દુલ ગની બન્ને એક સમયના સારા મિત્રો હતા અને બન્ને વચ્ચે કોઈ કારણસર દુશ્મની થઇ હતી,જેથી બન્ને અલગ થઇ ગયા હતા. અબ્દુલ ગની રૂૂ.42 કરોડના સાયબર ફ્રોડ કેસ માં જેલમાં હતો અને એક મહિના પૂર્વે જ જેલ માંથી છુટ્યો છે, ઇન્ચાર્જ પી.આઈ એમ.ડી.મકવાણા સહિતના સ્ટાફે વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *