5000 કારખાના અને 15000 મકાનો માટે શાપર-વેરાવળ ચોકડીએ જવા દોઢ કિલોમીટરનો ધક્કો થશે
રાજકોટના કોટડાસાંગાણી તાલુકાના શાપર-વેરાવળ નેશનલ હાઈવે નં.27 ઉપર કેપ્ટન ગેઈટ વેરાવળથી શિતળા માતાજીના મંદિર પારડી તરફનો ઓવર બ્રિજ બનાવવાની તજવીજ હાથ ધરવામાં આવતા 2 લાખ લોકોને મુશ્કેલી ઉભી થાય તેમ છે. જેને લઈને 500થી વધુ ગ્રામજનોએ આજે ઢોલ નગારા સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું. ઓવરબ્રિજ બનતા ગામનું જંક્શન 500 મીટરથી વધી 2 કિલોમીટર દૂર થઈ જતા સ્કૂલ-કોલેજના વિદ્યાર્થીઓ, ઇન્ડસ્ટ્રીયાલિસ્ટોને બરાબર મુશ્કેલી પડે તેમ છે.
આ ઉપરાંત ક્રાઈમ કે ઇમરજન્સીની પરિસ્થિતિમાં લોકોનો જીવ જાય તેવી પણ સંભાવના છે. ત્યારે જો અઠવાડિયામાં નિરાકરણ નહીં આવે તો અનશન આંદોલન કરવાની અને દિલ્હીમાં નેશનલ હાઈવે ઓથોરિટીની ઓફિસ ખાતે જવાની પણ તૈયારી બતાવી છે.
નેશનલ હાઈવે ઓથોરિટી કોઈ ડિઝાઈન બતાવવા માગતી નથી અને સ્થળ ઉપર આવવા તૈયાર નથી. 2 લાખ લોકોને આ સમસ્યા અસર કરે છે. અહીં 4000 ફેક્ટરી અને 500 ટ્રાન્સપોર્ટ આવેલા છે. અત્યારે અમારો જે બ્રિજ છે તેના ઉપર ઓવરલેપિંગ કરીને ઉપર લઈ જવામાં આવે તો અમારું જંકશન જે 250 મીટર છે જે આશરે 2 કિલોમીટર જઈ શકે તેમ છે. જેથી એક અઠવાડિયામાં નિરાકરણ આવે તેવી અમારી માંગણી છે.
રાજકોટ જિલ્લાના કોટડાસાંગાણી તાલુકાના શાપર-વેરાવળ નેશનલ હાઈવે નં.27 ઉપર કેપ્ટન ગેઈટ વેરાવળથી શિતળા માતાજીના મંદિર પારડી તરફનો ઓવર બ્રિજ બનવા અંગે નેશનલ હાઈવે ઓથોરીટી દ્વારા તજવીજ હાથ ધરાઈ છે. શાપર-વેરાવળ ઈન્ડસ્ટ્રીયલ ઝોનમાં આશરે 5000 નાના-મોટા કારખાનાઓ તથા આશરે 15000 જેટલા રેસિડેન્સ મકાનો આવેલા છે. શાપર-વેરાવળ મેઈન જંકશન ઉપર જવાનો એપ્રોચ હાઈવેથી આશરે 500 મીટર જેટલો દૂર આવેલો છે જે આ પુલ બને તો આ એપ્રોચ આશરે 2 કિ.મી. જેટલો દૂર જતો રહે તેમ છે. જેનાથી તમામ ઈન્ડસ્ટ્રીઝ અને રહીશોનો ખૂબ જ મોટા પ્રમાણમાં હાલાકીનો સામનો કરવો પડે તેમજ અહિયાં સામુહિક આરોગ્ય કેન્દ્ર અને ફાયર સ્ટેશન બન્ને આવેલા હોવાથી, આગ-અકસ્માત જેવી ગંભીર પરિસ્થિતિમાં સમયસર પહોંચી શકાય નહીં અને સમયસર સારવારના અભાવે લોકોને જીવ ગુમાવવાનો વારો આવે તેવી શકયતા છે.
આ ઉપરાંત હાલમાં શાપર-વેરાવળ જંકશન પર પોલીસ સ્ટેશન આવેલું છે જેથી કાયદો અને વ્યવસ્થા જાળવવાના કામે પોલીસને ગમે તે દિશામાં જવા માટે યોગ્ય એપ્રોચ છે, પરંતુ જો બ્રિજ બને તો પોલીસને હાઈવે પકડવા માટે જ ટ્રાફિકના લીધે આશરે ચાર ગણો વધારે સમય લાગી શકે તેમ હોવાથી ગુનાખોરીમાં વધારો થવાની શક્યતા રહેલી છે.
આ સાથે જ સર્વિસ રોડ ઉપર સ્કૂલ, હાઈસ્કૂલ અને પોસ્ટ ઓફિસ જેવી જાહેર સુવિધાઓ આવેલ હોવાથી અને વિદ્યાર્થીઓને અવરજવર માટે હાલમાં જે સર્વિસ રોડ અને હાઈવેનો એપ્રોચ સવલત ભરેલો છે, પરંતુ જો ઓવરબ્રિજ બનાવવામાં આવે તો આ તમામ જગ્યાઓએ જવા માટે આશરે 2 કિ.મી. જેટલું ફરવું પડે અને ભયંકર ટ્રાફિકની યાતના ભોગવવી પડે જેનાથી વિદ્યાર્થીઓ, કામદારો, અશક્ત વૃદ્ધો વગેરે તમામ લોકોની રોજીંદી જિંદગી ખરાબ રીતે પ્રભાવિત થાય તેમ છે.
જેથી આ ઓવરબ્રિજનું કામ હાલ બંધ કરવામાં આવે તેવી માંગણી છે. આ બાબતે જો નેશનલ હાઈવે ઓથોરીટી ઓફ ઈન્ડિયા ખરેખર લોકોની સુખાકારીમાં વધારો કરવા ઈચ્છતું હોય તો ઓવરબ્રિજ બનાવવાની જગ્યાએ હાઈવે ક્રોસ કરવા અંગેનો ફુટબ્રિજ બનાવવાની જરૂૂરિયાત હોય તો ફુટબ્રિજ બનવવામાં આવે તો ખરેખર લોકોની સુખાકારીમાં વધારો થઈ શકે તેમ છે. આ બાબતને ધ્યાને લઈ આ ઓવરબ્રિજનું કામ હાલ મુલત્વી રાખવા અમોની નમ્ર વિનંતી છે.
દિલ્હી સુધી દોડી લેજો, બ્રિજનું કામ બંધ નહીં થાય: NHAI
શાપર વેરાવળ ગામ એકતા સમિતિના પ્રમુખ અને વેરાવળ ગામના સરપંચ રવિરાજસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, આજે અમારા તાલુકા પંચાયતના સદસ્યો અને ગ્રામજનો સાથે કલેક્ટરને આવેદન આપવા માટે આવ્યા છીએ. નેશનલ હાઈવે ઓથોરિટીની જે તાનાશાહી ચાલી રહી છે તેના વિરુદ્ધમાં અઠવાડિયા પછી અનશન આંદોલન કરવામાં આવશે. જે બાદ પણ અમારા પ્રશ્નોનો ઉકેલ નહીં આવે તો નેશનલ હાઈવે ઓથોરિટીના ચૌધરી સાહેબે એવું કહ્યું છે કે, આ બ્રિજનું કામ બંધ કરાવવા માટે તમારે દિલ્હી જવું પડશે તો તેના માટે પણ અમે તૈયાર છીએ.
