બીજા લગ્ન કરનાર માતાની હક્ક પત્રક નોંધ સામે પ્રથમ લગ્નના પુત્રની અપીલ કલેકટરે ફગાવી

પ્રથમ લગ્નમાં છૂટાછેડા લઈ બીજા લગ્ન કરનાર માતાની બીજા પતિ તરફથી વારસાની જમીનની હક્ક પત્રક નોંધ સંબંધે પ્રથમ લગ્નના પુત્રએ દાખલ કરેલી અપીલ ડેપ્યુટી કલેકટરે…

પ્રથમ લગ્નમાં છૂટાછેડા લઈ બીજા લગ્ન કરનાર માતાની બીજા પતિ તરફથી વારસાની જમીનની હક્ક પત્રક નોંધ સંબંધે પ્રથમ લગ્નના પુત્રએ દાખલ કરેલી અપીલ ડેપ્યુટી કલેકટરે નામંજુર કરતા તેની સામેની રિવિઝન અરજી પણ કલેકટર દ્વારા નામંજૂર કરવામાં આવી છે. આ કેસની હકીકત મુજબ હાલના લાભુબેન ચારોલાના પ્રથમ લગ્ન આશરે 50 વર્ષ પહેલા વાલજીભાઈ સીતાપરા સાથે થયા હતા. પ્રથમ લગ્નજીવન દરમ્યાન પુત્ર કલાભાઈનો જન્મ થયો હતો. ત્યારબાદ આશરે ત્રણ વર્ષના ઘરસંસાર બાદ લાભુબેનના તેમના પતિ વાલજીભાઈ સીતાપરા સાથે છુટાછેડા થયા હતા. વાલજીભાઈ સીતાપરાએ પુત્ર કલાભાઈની તમામ જવાબદારી સ્વીકારી પુત્રનો કબજો પોતાની પાસે રાખ્યો હતો. ત્યારબાદ લાભુબેનના બીજા લગ્ન મૂળ પીપળીયાના લાખાભાઈ ચારોલા સાથે થયા હતા. લાખાભાઈ ચારોલા સાથેના લગ્ન જીવન દરમ્યાન એક દીકરો ગુણવંતભાઈ અને એક દીકરીનો જન્મ થયો હતો.

લાખાભાઈ ચકુભાઈ ચારોલાની રાજકોટ તાલુકાના પીપળીયા ગામે આવેલ હેકટર 3-28-81 ખેતીની જમીન તેઓએ હૈયાતીમાં સીધી લીટીના વારસદારોને રેવન્યુ રેકર્ડ ગામ નમુના નં.6 (હકકપત્રક) ની નોંધથી લાલજીભાઈ લાખાભાઈ, ગુણવંતભાઈ લાખાભાઈ તથા લાભુબેન લાખાભાઈ જોગ કરી આપી હતી. દરમિયાન પ્રથમ લગ્નના સંતાન કલાભાઈ સીતાપરાએ ઉપરોકત હક્ક પત્રકની નોંધ સંબંધે ડેપ્યુટી કલેકટર સમક્ષ દાખલ કરેલી અપીલ નામંજુર થતા રાજકોટ જિલ્લા કલેકટર સમક્ષ રિવિઝન અરજી દાખલ કરી હતી અને તેઓ કાયદેસરના વારસ તરીકે ઉપરોકત ખેતીની જમીનમાં હક ધરાવે છે તેવી રજુઆત કરી હતી.

તેઓની રજુઆત સામે લાભુબેન સીતાપરા તથા અન્ય વારસદારો તરફથી રાજકોટના એડવોકેટ નિલેશ જી. પટેલે એવી રજુઆતો કરેલ કે કલાભાઈ સીતાપરા તેમની માતા લાભુબેન લાખાભાઈના કાયદેસરના વારસ નથી. કલાભાઈ સીતાપરાને કાયદેસરના વારસદાર ન હોય આ ખેતીની જમીનમાં કોઈ હકક અધિકાર મળતા નથી. કલાભાઈ સીતાપરાએ સિવિલ કોર્ટ સમક્ષ તેમના વારસાઈ હકક સબંધે દાખલ કરેલ સિવિલ દાવો પેન્ડિંગ છે. હિન્દુ વારસા ધારા મુજબના વારસાઈ હક્ક નકકી કરવા દીવાની અદાલતને સતા હકુમત હોય કલેકટરે આ તકરાર સબંધે કોઈ નિર્ણય કરવાનો રહેતો નથી. આ તમામ રજુઆતો ધ્યાને લઈ રાજકોટ જિલ્લા કલેકટર ડો. ઓમ પ્રકાશે કલાભાઈ સીતાપરાની રિવિઝન અરજી નામંજુર કરી છે. આ રિવિઝનમાં લાભુબેન ચારોલા તથા અન્ય પક્ષકારો તરફથી એડવોકેટ નિલેશ જી. પટેલ, ગીરીરાજસિંહ સી. જાડેજા, રીધ્ધીબેન પીલોજપરા, નેહલબેન ત્રિવેદી તથા સહાયક દિપાલીબેન નકુમ રોકાયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *