શંકાસ્પદ નોંધો તાત્કાલિક રદ કરવા સૂચના, અન્ય ઝોનમાં બોગસ દસ્તાવેજો થયા છે કે કેમ? તેની પણ તપાસ
રાજકોટમાં જ ફોન સ્વિચ ઓફ કરી ગુમ થયેલા હર્ષ સોનીનું પગેરૂ મેળવવા પોલીસની દોડધામ
રાજકોટ શહેરની સબ રજીસ્ટ્રાર કચેરી ઝોન 1 ના કોન્ટ્રાકટ બેઝના કર્મચારી, એક એડવોકેટ અને એક કોમ્પ્યુટર ઓપરેટર એ મળી પ0 વર્ષ જુની મિલ્કતોના બોગસ દસ્તાવેજ બનાવી કરોડો રૂપીયાની જમીનના બોગસ દસ્તાવેજ બનાવી હડપ કરવાનુ કાવત્રુ ઘડયાનો પર્દાફાશ થયો હતો. આ કૌભાંડમા કચેરીનો કર્મચારી જયદીપ ઝાલા 4 દિવસના રીમાન્ડ પર હતો. જેની પુછપરછમા મુખ્ય સુત્રધાર તરીકે હર્ષ સોની અને કિશન ડી. ચાવડા હોવાનુ જણાવ્યુ હતુ. તેમજ આ ત્રીપુટીએ 17 જેટલી મિલ્કતોના બારોબાર દસ્તાવેજ કરી કૌભાંડ આર્ચયાનુ તપાસમા જણાવ્યુ હતુ. ત્યારે જયદીપ ઝાલાના રીમાન્ડ ગઇકાલે પુરા થતા તેમને જેલ હવાલે કરવામા આવ્યો હતો. આ સમગ્ર કૌભાંડ મામલે હવે સબ રજીસ્ટ્રાર કચેરી ઝોન 1 મા આ કૌભાંડ બહાર આવતા હવે અન્ય ઝોન કચેરીમા પણ કૌભાંડ થયાની શંકાએ કલેકટર દ્વારા એસડીએમ તપાસ સોપવામા આવી છે. ત્યારે કલેકટરની અલગ અલગ ટીમો સબ રજીસ્ટ્રાર ઝોન 1 તેમજ અન્ય ઝોનમા તપાસ કરી રહી હોવાનુ હાલ સુત્રોમાથી જાણવા મળી રહયુ છે.
સમગ્ર ઘટનાની મળતી વિગતો મુજબ બોગસ દસ્તાવેજ કૌભાંડમા કોઠારીયા રોડ પર ન્યુ સ્વાતિ પાર્કમા રહેતા અને સબ રજીસ્ટ્રાર કચેરી ઝોન 1 મા સબ રજીસ્ટ્રાર તરીકે ફરજ બજાવતા અતુલ દેસાઇની ફરીયાદ પરથી હર્ષ સોની, એડવોકેટ કિશન ચાવડા અને જયદીપ ઝાલા વિરૂધ્ધ છેતરપીંડી, કાવત્રુ ઘડવુ અને સાચા રેકર્ડમા ખોટા દસ્તાવેજોનો ઉપયોગ કરી સાચા તરીકે બતાવવા તેમજ સરકારી રેકર્ડમા છેડછાડ કરવા અંગેની કલમ હેઠળ ગુનો નોંધવામા આવ્યો હતો. આ સમગ્ર પ્રકરણમા ડીસીપી ઝોન ર જગદીશ બાંગરવાની રાહબરીમા સીટની રચના કરવા આવી હતી. તેમજ આ ઘટનામા પ્રનગર પોલીસ મથકના પીઆઇ ભાર્ગવસિંહ ઝણકાટ, પીઆઇ પિયુષ ડોબરીયા, પીએસઆઇ બેલીમ, પીએસઆઇ ચુડાસમા સહીતના સ્ટાફે આ બોગસ કૌભાંડમા સામેલ જયદીપ ઝાલાની ધરપકડ કરી હતી જેમા તેના સ્કુટરમાથી દારૂની બોટલ અને 1.17 લાખની રોકડ મળી આવી હતી. આ ઘટનામા પોલીસે વધુ તપાસ કરતા આ સમગ્ર બોગસ દસ્તાવેજ કૌભાંડ બહાર આવ્યુ હતુ.
ત્યારબાદ જયદીપને સાથે રાખી બીલખા પ્લાઝામા નવમા માળે હર્ષ સોનીના ભાડાના ફલેટમા પ્રનગર પોલીસની ટીમે તપાસ કરતા ત્યાથી જુના દસ્તાવેજના ફાટેલા કાગળો અને સ્ટેમ્પ તેમજ સીકકાઓ, અલગ અલગ બોગસ દસ્તાવેજો મળી આવ્યા હતા. ત્યારબાદ સમગ્ર દસ્તાવેજ અને પુરાવાઓ એકત્ર કરી પોલીસે કબજે લઇ તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. ત્યારે આ તપાસમા જાણવા મળ્યુ હતુ કે સબ રજીસ્ટ્રાર કચેરી ઝોન 1 મા અગાઉ કામ કરતો હર્ષ સોની અને જયદીપ ઝાલા માત્ર 11 હજાર રૂપીયામા ત્યા નોકરી કરતા હતા તેમજ તેઓની પાસે વિશાળ સતા હતી એટલે કે તેઓ પ0 વર્ષ જુના દસ્તાવેજો પણ જોઇ શકતા હતા અને ગમે ત્યાથી લઇ આવતા હતા. ગમે તે દસ્તાવેજનુ સ્કેનીંગ કરી નાખતા હતા.
તેમજ ગમે તે વ્યકિતના નામની એન્ટ્રી પણ કરાવી નાખતા હતા. કરોડો રૂપીયાનો દસ્તાવેજ સ્કેન કરી તેમા ગમે તેના ખોટા ડોકયુમેન્ટ ઉભા કરી તેના ચોપડે નામ ચડાવી ખરા તરીકે ઉપયોગ કરતા હોવાની સમગ્ર ઘટના તપાસમા ખુલતા હવે કલેકટર પ્રભવ જોશીના માર્ગદર્શન હેઠળ એસડીએમ ચાંદની પરમારને અન્ય સબ રજીસ્ટ્રાર કચેરીના ઝોનમા પણ ગેરરીતી થયાની શંકાએ તપાસ કરવા જણાવતા કલેકટરની અલગ અલગ ટીમો દ્વારા છેલ્લા બે દિવસથી તમામ સબ રજીસ્ટ્રાર કચેરીમા દસ્તાવેજોની ચકાસણી કરવામા આવી રહી છે.
ટોળકી માંડાડુંગરની જમીન દોઢ કરોડમા વેચી નાખવાની હતી?
બોગસ કૌભાંડ મામલે જયદીપ ઝાલા, હર્ષ સોની અને કિશન ચાવડાએ માંડાડુંગરમા આવેલી 3-15 ગુંઠા જમીનનો બોગસ દસ્તાવેજ બનાવી તેમાથી 119 થી 123 નંબરના પાના ફાડી નાંખી આ દસ્તાવેજમા છેડછાડ કરી હતી. આ પ્રકરણમા જમીન માલીક પ્રતિપાલસિંહ દ્વારા આજે પોલીસ મથકે પહોંચી પોલીસની તેમની પાસે રહેલા સાચા દસ્તાવેજ રજુ કર્યા હતા અને આ સમગ્ર પ્રકરણમા પોલીસ તપાસ દરમિયાન જાણવા મળ્યુ હતુ કે આ માંડાડુંગરની કિંમતી જમીનમા આવેલા 115 પ્લોટ આ ટોળકી દોઢ કરોડમા વેંચી રોકડી કરી લેવાની હતી. જો કે આ સમગ્ર કૌભાંડ બહાર આવતા ટોળકીના મુખ્ય સુત્રધાર હર્ષ સોની અન્ય રાજયમા ભાગી ગયાનુ સુત્રોમાથી જાણવા મળી રહયુ છે.
