ગુજરાતભરમાં છેલ્લા કેટલાક દિવસોથી ઠંડીમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે. ખાસ કરીને ઉત્તર અને પશ્ચિમ વિસ્તારમાં ઠંડીનો પારો ઝડપથી નીચે ઉતર્યો છે. નલિયામાં રાજ્યનું સૌથી ઓછું તાપમાન 10.4 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે. જ્યારે આબુમાં માઈનસ 3 ડિગ્રી નોંધાયું હતું.
ગુજરાતના અન્ય વિસ્તારોની વાત કરીએ તો અમદાવાદમાં 14.8 અને વડોદરામાં 14.4 ડિગ્રી તાપમાન નોંધાયું છે. દાહોદમાં 11.1 ડિગ્રી, ગાંધીનગર અને ડીસામાં 12.8 ડિગ્રી તથા ડાંગમાં 12.6 ડિગ્રી તાપમાન નોંધાતા ઠંડીનો અહેસાસ વધી ગયો છે. હવામાન વિભાગ અનુસાર ઉત્તરપૂર્વ દિશાથી ઠંડા પવન ફૂંકાઈ રહ્યા છે, જેના કારણે આગામી 48 કલાક દરમિયાન ઠંડીમાં વધુ વધારો થવાની શક્યતા છે. સવાર અને રાતના સમયે ઠંડી વધુ અનુભવાશે.
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પણ રાજ્યમાં કડકડતી ઠંડીની આગાહી કરી છે. તેમના જણાવ્યા અનુસાર આગામી 3 દિવસ દરમિયાન લઘુતમ તાપમાન 10 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી શકે છે. ખાસ કરીને ઉત્તર ગુજરાત, કચ્છ અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ઠંડા પવન સાથે ઠંડી વધુ તીવ્ર બનશે. તેમણે જણાવ્યું કે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં ઠંડીનો ચમકારો વધારે જોવા મળશે. સાથે જ જૂનાગઢ સહિત સૌરાષ્ટ્રના વિસ્તારોમાં પણ ઠંડીનું પ્રમાણ વધવાની શક્યતા છે.
અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ જાન્યુઆરીના પ્રથમ અઠવાડિયામાં વાદળછાયું વાતાવરણ સર્જાતા ઠંડીમાં થોડો ઘટાડો થઈ શકે છે. જોકે 10 જાન્યુઆરી પછી ફરીથી પવન ફૂંકાવાની સાથે ઠંડીમાં વધારો થવાની સંભાવના છે. ઉતરાયણને લઈને પણ તેમણે આગાહી કરી છે. તેમના કહેવા મુજબ ઉત્તરાયણ દરમિયાન ઠંડી સાથે પવન પણ ફૂંકાશે અને બે દિવસ સુધી પવનની અસર જોવા મળશે.
