અમેરિકાને સાઉદી અરેબિયા સાથે સંબંધો બગાડવા પાલવે એમ નથી, સાઉદી અરેબિયા પાકિસ્તાન કે અફઘાનિસ્તાનની વિરુદ્ધ ગળું ખોંખારીને ક્યારેય બોલ્યું નથી, પાકિસ્તાનને સતત આર્થિક અને માળખાકીય મદદ કરવાને કારણે ચીન સાઉદી અરેબિયાની ગુડ બૂકમાં આવી ગયું છે
દાવોસના વિશ્વ આર્થિક મંચ પરથી આ વખતે નવા જ નગારા વાગ્યા છે. કોલ્ડ વોર 2.0. જો ગત સાલ આ શબ્દપ્રયોગ ધ્યાનમાં ન આવ્યો હોય તો 2026 માં તો ખૂબ ધ્યાન ખેંચશે. દુનિયા બદલાઈ રહી છે. સમીકરણ બદલાઈ રહ્યા છે. ભૌગોલિક-રાજકીય ગણિતના કોયડાઓ વધુ અઘરા થઈ રહ્યા છે. વૈશ્વિક અદ્રશ્ય લગામ હાથમાં લેવાની આ ખેંચતાણ છે. વ્યાપાર અને પાવરનો ઇજારો પોતાના હાથમાં છે એવો દાવો ચાઇના અને રશિયા સંગાથે કરી રહ્યા છે તો અમેરિકા આ દાવાની હાંસી ઉડાવી રહ્યું છે. પશ્ચિમ વિરુદ્ધ પૂર્વીય એશિયન દેશો વચ્ચેની આ હુંસાતુંસીમાં મોદી શાસિત ભારતનું સ્ટેન્ડ એ જ છે જે મોદી સાહેબની સૌથી અણમાનીતી વ્યક્તિનું તેના સમયમાં હતું; જવાહરલાલ મોતીલાલ નેહરુ. નેહરુ નિ:શસ્ત્રીકરણનો પ્રચાર કર્યે રાખતા અને ભાજપનું આઇટી સેલ ’વોર રુકવા દી પાપા’ ની જાહેરાતો વડે આપણા વડાપ્રધાનના પ્રભાવનો પ્રચાર કર્યે રાખે છે. વાસ્તવમાં, બંને પ્રચારો સદંતર જૂઠા અને નિષ્ફળ સાબિત થયા છે. જવાહરલાલ નેહરુ કોલ્ડ વોર રોકી શક્યા ન હતા. વિશ્વ મીડિયામાં દરરોજ કોલ્ડ વોર 2.0 મથાળા સાથે કંઈક ને કંઈક સમાચાર આવી રહ્યા છે.
આજથી પચાસ વર્ષ પહેલાના ઠંડા વિગ્રહ અને આજે ઉભી થયેલી સ્થિતિમાં ફરક એ છે કે એ સમયે જમીન પ્રદેશ અને વધીને આણ્વિક સત્તા ઉપર પોતાની સર્વોચ્ચતા સાબિત કરવા અમેરિકા અને રશિયા એકબીજા વિરુદ્ધ કાવાદાવા કરતા. આગામી કોલ્ડ વોર વૈશ્વિક માળખા ઉપર પોતાનો કબજો મેળવવા માટે, ટેકનોલોજીમાં શ્રેષ્ઠ બનવા માટે અને આર્થિક રીતે સૌથી શક્તિશાળી બનવા માટે સર્જાશે. હવે ફક્ત આતંકવાદ મુદ્દો નથી. હવેનું યુદ્ધમેદાન ફક્ત સબમરીન સાથેનો સમુદ્ર નથી પણ સોશિયલ મીડિયા વોર પણ છે. આર્ટિફિશિયલ ઇન્ટેલીજન્સ અને સ્ટોક માર્કેટ પણ કોલ્ડ વોર દ્રિતીયના લક્ષ્યાંકો છે.
કોલ્ડ વોર 2.0 માં શામેલ દેશોના સ્પષ્ટ ભાગ પડ્યા નથી, પડી શકે એમ નથી. જુદા જુદા દેશોના અલગ અલગ દેશો સાથેના વિભિન્ન પ્રકારના સંબંધોનું ગીચ આંતરમાળખું છે. અમેરીકા વિરુદ્ધ ચાઇના – એટલી સરળ વાત નથી. ઉદાહરણ તરીકે દેખીતી રીતે અમેરીકન સરકાર ઇઝરાયેલની પડખે છે પણ અમેરીકન પ્રજા ઇઝરાયેલ વિરુદ્ધ થતી જાય છે. અમેરીકા અને ચાઇના બંનેના સાથી રાષ્ટ્રો પોતાની રીતે જ ઉભરતી તાકાત બનતા જાય છે. જેમ કે, ઈરાન અને ઈરાન ઉપર શાસન કરતા સરમુખત્યારો જડ અને કટ્ટર છે -એવી છાપ છે. પણ આ જ ઈરાન ખ્રિસ્તી આર્મેનિયાને સાથ આપી રહ્યું છે. ઇઝરાયેલ એટલે અમેરિકાનું ફેવરિટ મિત્ર જે લોકશાહીનો જ સાથ આપે. હકીકત એ છે કે અઝારબૈજાનમાં સરમુખત્યારશાહી ચાલે છે અને તે દેશ સાથે ઈઝરાયેલને સારા સંબંધો છે. વળી ઈરાનના સૌથી મોટા દુશ્મન અમેરિકાને આર્મેનિયા સાથે પણ સારા સંબંધો છે અને અમેરિકા તુર્કી અને અઝારબૈજાન સાથે પણ ઘનિષ્ઠ સંબંધો કેળવી રહ્યું છે. હવે આમ કયો દેશ કઈ ટીમમાં છે એ કહી શકાશે?
પશ્ચિમ દેશોની સામે સ્પર્ધામાં પડેલા એશિયન અને પૂર્વીય દેશો તરફ આવીએ. ચાઇના ડઝનબંધ દેશો સાથે વ્યાપારના માધ્યમ દ્વારા સારા સંબંધો રાખે છે. વેપાર તથા આયાત – નિકાસની વાત કરીએ તો અમેરીકા અને ચાઈનાને એકબીજા વિના ચાલે એમ નથી. ચીન જાપાન અને સાઉથ કોરિયા સાથે વેપારી સંબંધો સતત વધારી રહ્યું છે. સાઉથ કોરિયા એટલે અમેરીકાના ખોળે બેસેલો દેશ જે સૌ જાણે છે. અત્યાર સુધી પાકિસ્તાનને લશ્કરી બાબતમાં મદદ અમેરીકા તરફથી મળતી તો હવે ચીન તરફથી મળે છે. અમેરીકાને સાઉદી અરેબિયા સાથે સંબંધો બગાડવા પાલવે એક નથી. સાઉદી અરેબિયા પાકિસ્તાન કે અફઘાનિસ્તાનની વિરુદ્ધ ગળું ખોંખારીને ક્યારેય બોલ્યું નથી. પાકિસ્તાનને સતત આર્થિક અને માળખાકીય મદદ કરવાને કારણે ચીન સાઉદી અરેબિયાની ગુડ બુકમાં આવી ગયું છે. આ ઇસ્લામિક દેશોને સંયુક્ત પણે ઇઝરાયેલ સામે વાંધો છે. યહૂદીઓની સંખ્યા સૌથી વધુ અમેરિકામાં હોવાના કારણે અમેરીકા પાસે ઇઝરાયલને સહકાર આપવા સિવાય કોઈ વિકલ્પ નથી.
પશ્ચિમી અને ખાસ કરીને ચાઇનીઝ મીડિયામાં કોલ્ડ વોર 2.0 શબ્દપ્રયોગ હવે દરરોજ ફ્લેશ થયા કરે છે પણ કોલ્ડ વોર કયા રાષ્ટ્રો કે કયા બે રાષ્ટ્ર જૂથની વચ્ચે છે એ સમજાવવામાં તે મીડિયા નિષ્ફળ નીવડ્યું છે. હકીકતે આ દેશોના વડા પણ સમજાવી શકે તેમ નથી એટલી હદે સમીકરણો ગૂંચ ભરેલા છે. મહાભારતમાં યુદ્ધ મેદાનની બંને તરફની છાવણીઓમાં એકબીજાના સગા કે સંબંધીઓ હતા. અત્યારે દુનિયાના બધા દેશોમાં આર્થિક – વ્યાપારી બાબતોમાં જેટલી ઘનિષ્ઠતા છે એટલી પહેલા ક્યારેય ન હતી. જુદા જુદા દેશો કે રાષ્ટ્ર જૂથો વચ્ચેના આંતર સંબંધોના તાણાવાણા એટલા સંકીર્ણ છે કે તે કોયડો ઉકેલાય એમ નથી. કોઈ એક મુક્ત છેડો મળે એમ નથી એવી સ્વાર્થી સંબંધોની મડાગાંઠ છે. વર્લ્ડ ઓર્ડરની અત્યારે આ સ્થિતિ છે. વર્લ્ડ વોર 2.0 અત્યારે તો ફેન્ટેસી છે, એક નરી કલ્પના પરંતુ તેવી સ્થિતિનું સર્જન ન થાય એવા કોઈ કારણો અત્યારે નથી.
ઘણો બધો આધાર પ્રેસિડેન્ટ ટ્રમ્પ ઉપર છે. બાકી આ આખી વાતનો બોધપાઠ એ છે કે અણગમતી વ્યક્તિની એટલી ટીકા ન કરવી કે આપણે પણ વધતાઓછા અંશે તેના જેવા જ થઈ જઇએ. અમુક રાજકીય નિષ્ણાતો વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દેશના વડા તરીકેના મિજાજને ઇન્દિરા ગાંધી સાથે સરખાવતા હોય છે અને મોદીની ટીમ સતત નેહરુની ટીકા કરવામાં મસ્ત રહે છે. સીતેર વર્ષ – સીતેર વર્ષની ટેપ વગાડતા વગાડતા છેવટે તો એ જ રસ્તો અપનાવવો પડે છે જે સિતેર વર્ષ પહેલા ભારતના પ્રથમ વડાપ્રધાને અપનાવ્યો હતો.
