ઈન્ડિયન કોસ્ટગાર્ડ દ્વારા પોરબંદરના દરિયામાં અપહરણ કરાયેલા 7 ભારતીય માછીમારોનું રેસ્ક્યુ કરાયું છે. નો ફિશીંગ ઝોન નજીક પાકિસ્તાન મેરી ટાઈમ સિક્યુરિટી એજન્સીએ 7 ભારતીય માછીમારોનું અપહરણ કર્યું હતું. આ ઘટનામાં ઓખાની કાલ ભૈરવ બોટનું માછીમારો સાથે અપહરણ કર્યું હતું.
આ ઘટના બાદ તરત એક્શનમાં આવેલી ભારતીય કોસ્ટગાર્ડે પાકિસ્તાની જહાજને અટકાવી માછીમારોને છોડાવ્યા હતા. આ તમામ ઘટનામાં માછીમારી બોટને નુકશાન થતાં બોટ દરિયામાં ડૂબી હોવાની શક્યતા છે.17 નવેમ્બર 24 ના રોજ આશરે 15:30 કલાકે, પેટ્રોલિંગ પર રહેલી ICGશિપને નો-ફિશિંગ ઝોન (NFZ) નજીકથી ઈન્ડિયન ફિશિંગ બોટ (IFB) દ્વારા એક ઈમર્જન્સી કોલ આવ્યો હતો. આ કોલમાં તેમને જાણ કરવામાં આવી હતી કે ભારતીય માછીમારી બોટ, કાલ ભૈરવ બોટને પાકિસ્તાન મેરી ટાઈમ સિક્યુરિટી એજન્સી (PMSA) જહાજ દ્વારા અટકાવવામાં આવી છે અને સાત ભારતીય ક્રૂ સભ્યોની ધરપકડ કરવામાં આવી હતી. કોલના જવાબમાં ICGબોટ તરત જ તે દિશા તરફ આગળ વધ્યું અને કાર્યરત બન્યું હતું.
પાકિસ્તાન મેરી ટાઈમ સિક્યુરિટી એજન્સી (PMSA) એ જહાજ દ્વારા પીછેહઠ કરવાના પ્રયાસો છતાં, આઈસીજી શિપએ પીએમએસ જહાજને અટકાવ્યું અને તેમને ભારતીય માછીમારોને છોડી દેવા માટે સમજાવ્યા હતા. ICGજહાજે સાત માછીમારોને સુરક્ષિત રીતે રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. તમામ માછીમારની તબિયત સ્થિર હોવાનું પણ જણાયું હતું. આ ઘટના દરમિયાન ભારતીય માછીમારોની કાલ ભૈરવ બોટને નુકસાન થતા દરિયામાં ડૂબી ગઈ હોવાની શક્યતા રહેલી છે.
ત્યારબાદ ICGશિપ માછિમારોને લઈને 18 નવેમ્બર 24 ના રોજ ગુજરાતના ઓખા હાર્બર પોર્ટ પરત ફર્યું હતું, જ્યાં ICG , રાજ્ય પોલીસ, સિક્રેટ એજન્સીઓ અને કોસ્ટગાર્ડ સાથે મળીને અથડામણ અને ત્યારબાદના બચાવ કામગીરીમાં બચાવાયેલા માછીમારોની તપાસ કરી રહ્યા છે. આ સાથે આ એ રિપોર્ટ પણ તૈયાર કરવામાં આવી રહ્યો છે કે આ અથડામણ કેમ થઈ હતી?