મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકારે સહકારી ક્ષેત્ર અને ખાસ કરીને શેરડી પકવતા ખેડૂતોના હિતમાં મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. આ નિર્ણયની વિગતો આપતાં કૃષિ અને સહકાર મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે, વર્ષ 2007-08 થી 2014-15 દરમિયાન ખાંડ મંડળીઓએ શેરડી પકવતા ખેડૂતોને ચૂકવેલા શેરડીના ભાવોને રાજ્ય સરકારે સત્તાવાર મંજૂરી આપી છે.
રાજ્ય સરકારના આ નિર્ણયથી ગુજરાતની ખાંડ સહકારી મંડળીઓને અંદાજિત રૂૂ. 1,500 કરોડનો મોટો આર્થિક ફાયદો થશે, જેનો સીધો લાભ બે લાખથી વધુ ખેડૂતોને થશે. આ નિર્ણય અંગેની પૂર્વભૂમિકા આપતા મંત્રી વાઘાણીએ જણાવ્યું હતું કે, દેશની ખાંડ મંડળીઓ સામાન્ય રીતે શેરડી પકવતા ખેડૂતોને ભારત સરકાર દ્વારા નક્કી કરવામાં આવતા એફ.આર.પી. (ફેર એન્ડ રેમ્યુનરેટીવ પ્રાઈઝ) મુજબના ભાવો ચૂકવતી હોય છે. ગુજરાતની સહકારી ખાંડ મંડળીઓએ માત્ર ખાંડ જ નહીં, પરંતુ મોલાસીસ, ઇથેનોલ અને કો-જનરેશન દ્વારા વીજ ઉત્પાદન સહિતની વિવિધ બાય-પ્રોડક્ટ્સમાંથી પ્રાપ્ત થતી આવકનો મહત્તમ લાભ પણ ખેડૂતો સુધી પહોંચાડ્યો છે.
જેના પરિણામે, ગુજરાતના શેરડી ઉત્પાદક ખેડૂતોને દેશના અન્ય રાજ્યોની સરખામણીએ હંમેશા વધુ ભાવો પ્રાપ્ત થયા છે. સહકાર મંત્રીએ વધુ વિગતો આપતા ઉમેર્યું હતું કે, ભૂતકાળમાં ઇન્કમટેક્સ વિભાગે એફ.આર.પી.થી વધુ ચૂકવાયેલા ભાવોને નફો ગણીને ગુજરાતની વિવિધ ખાંડ સહકારી મંડળીઓને ટેક્સની ડિમાન્ડ નોટિસ પાઠવી હતી. વર્ષ 2007-08 થી 2014-15 ના સમયગાળાને લગતા જટિલ મુદ્દે રાજ્યની ખાંડ સહકારી મંડળીઓ ઉપર અંદાજિત રૂૂ. 1,500 કરોડ જેટલો આર્થિક બોજો આવવાની સ્થિતિ સર્જાઈ હતી. કેન્દ્રીય સહકાર મંત્રાલયે કરેલા આ સુધારાના અનુસંધાને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા રાજ્ય કક્ષાએ ભલામણો કરવા માટે એક ઉચ્ચ સ્તરીય સમિતિની રચના કરવામાં આવી હતી. આ સમિતિએ આપેલા અહેવાલ અને ભલામણોને હકારાત્મક પ્રતિસાદ આપતાં ગુજરાત સરકારે ખાંડ સહકારી મંડળીઓ દ્વારા વર્ષ 2007-08 થી 2014-15 દરમિયાન ખેડૂતોને ચૂકવાયેલા શેરડીના ભાવોને સત્તાવાર મંજૂરી આપવાનો ક્રાંતિકારી ખેડૂતલક્ષી નિર્ણય કર્યો છે.
