ગુજરાત હાઈકોર્ટે જામનગર મરીન સેન્ચ્યુરીમાં ખુલ્લી નહેરો દ્વારા ગેરકાયદેસર કેમિકલ કચરો અને પ્રદૂષિત પાણી ઠલવવા બદલ ટાટા કેમિકલ્સ લિમિટેડ સામે કડક વલણ અપનાવ્યું છે. વન વિભાગ, જામનગરના કલેક્ટર અને ઓથોરિટીના અહેવાલને આધારે કોર્ટે ગંભીર નોંધ લેતા નોંધ્યું હતું કે, કંપનીએ કોઈની પણ મંજૂરી વગર કેમિકલ કચરો દરિયામાં નાખતા મરીન સેન્ચ્યુરીને કાળા રણમાં ફેરવી નાખી છે.
આ મામલે હાઈકોર્ટે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ (GPCB) અને કલેક્ટરને ઉદ્યોગ બંધ કરવા સહિતના કડક પગલાં લેવા તેમજ 3 મહિનામાં પર્યાવરણને થયેલા નુકસાનનું આકલન કરી કંપની પાસેથી વળતર વસૂલવામાં આવે અને ત્રણ અઠવાડિયામાં અહેવાલ રજૂ કરવાના આદેશ આપ્યા છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઓખા તાલુકાના મીઠાપુર ખાતે ટાટા કેમિકલ્સ લિમિટેડ વર્ષ 1939થી સોડા એશ અને અન્ય રસાયણોનું ઉત્પાદન કરે છે. કંપની દ્વારા ખુલ્લી નહેરો થકી ઔદ્યોગિક પ્રદૂષિત પાણી અને કેમિકલ વેસ્ટ દરિયાના ઇન્ટર-ટાઈડલ ઝોનમાં છોડવામાં આવતું હતું. 1982માં સરકાર દ્વારા આ દરિયાઈ વિસ્તારને મરીન સેન્ચ્યુરી જાહેર કરવામાં આવ્યો હતો. જેને લઈને જામનગરના કલેક્ટર દ્વારા કંપનીના આ વિસ્તારમાં પ્રદૂષિત પાણી છોડવાના હક્કને નકારી કાઢતા અને તેને ગેરકાયદેસર દબાણ ગણાવતો ઓર્ડર જાહેર કરવામાં આવ્યો હતો. જેના વિરૂૂદ્ધમાં ટાટા કેમિકલ્સે વર્ષ 2006માં ગુજરાત હાઈકોર્ટમાં અરજી દાખલ કરી હતી.
કંપનીનો દાવો હતો કે, તેઓ 1962-63થી આ સિસ્ટમનો ઉપયોગ કરે છે અને 1982 પહેલાથી આ હક્ક ધરાવે છે. વળી ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડના નિર્ધારિત માપદંડો મુજબ જ પાણી છોડવામાં આવતું હતું. ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઓસનોગ્રાફિ દ્વારા સહમત રીતે કચરાનો નિકાલ કરવામાં આવતો હતો. જેનો નિકાલ કચ્છના અખાતમાં કરવામાં આવતો હતો. ત્યાં આવેલી પાઈપોને રિપેર કરવા અને નવી નાખવા તેઓને મંજૂરી આપવામાં આવે. 3.75 કિમીની પાઈપલાઈન ડાયવર્ટ કરવા તેઓએ 1.12 કરોડ ઓથોરિટી સમક્ષ પણ જમા કરાવ્યા છે. મોટા ભાગનું કામકાજ પૂર્ણ થઈ ચૂક્યું છે અને તે મે 2026 સુધીમાં કાર્યરત થઈ જશે. વર્ષ 2010થી સ્ટેટ્સ કવો જાળવવામાં આવ્યો હતો.
કેસની વિલંબિત પ્રક્રિયા દરમિયાન કેન્દ્ર સરકારના 2011ના નવા નિયમો મુજબ સોડા એશ ઉદ્યોગો માટે ખુલ્લામાં પાણી છોડવાના ધોરણો બદલાયા. આથી ટાટા કેમિકલ્સે ઊંડા દરિયામાં પ્રદૂષિત પાણીના નિકાલ માટે બંધ પાઈપલાઈન અને ડિફ્યુઝર સિસ્ટમ નાખવાનો પ્રોજેક્ટ શરૂૂ કર્યો જેને તમામ સંબંધિત સરકારી વિભાગો તરફથી મંજૂરીઓ મળી ચૂકી છે. આ પાઈપલાઈનનું કામ મે, 2026ના અંત સુધીમાં પૂર્ણ થવાની આશા છે. વન વિભાગ અને કલેક્ટરના જણાવ્યા મુજબ 1982ના જાહેરનામા બાદ ટાટા કેમિકલ્સે કોઈ કાયદેસર હક્ક દાવો કર્યો નહોતો. કંપનીએ પોતાની માલિકીની જમીનની બહાર સરકારી અને અભ્યારણ્યની આશરે 100 હેક્ટર જેટલી જમીન પર ગેરકાયદેસર રીતે કેમિકલ કચરો અને પ્રદૂષિત પાણી છોડીને મોટું દબાણ કર્યું હતું. પ્રદૂષિત પાણીના સતત નિકાલને કારણે આ સંવેદનશીલ દરિયાઈ વિસ્તાર વેરાન બની ગયો હતો.
