21 કરોડની ટાંકી તૂટી પડતા CM ફરી ભડકયા

કેબિનેટની બેઠકમાં વ્યક્ત કરી નારાજગી, કડક પગલા ભરવા આદેશ સુરતના કામરેજમાં 21 કરોડના ખર્ચે બનેલી પાણીની ટાંકી તુટી પડતા વધુ એક વખત સરકાર સામે સવાલો…

કેબિનેટની બેઠકમાં વ્યક્ત કરી નારાજગી, કડક પગલા ભરવા આદેશ

સુરતના કામરેજમાં 21 કરોડના ખર્ચે બનેલી પાણીની ટાંકી તુટી પડતા વધુ એક વખત સરકાર સામે સવાલો ઉઠી રહ્યા છે ત્યારે આજે મળેલી કેબિનેટની બેઠકમાં મુખ્યમંત્રીએ વધુ એક વખત નારાજગી વ્યક્ત કરી હતી અને આવી ઘટનામાં જવાબદારો સામે કડક પગલા ભરવા આદેશ આપ્યો હતો.

બપોરે ગાંધીનગરમાં મળેલી કેબિનેટની મિટિંગમાં મુખ્યમંત્રીએ ટાંકી કડડભૂસ થવાને લઈ તંત્ર સામે રોષ વ્યક્ત કર્યો હતો. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે પાણી પુરવઠાના અધિકારીઓને એવું કહ્યું હતું કે આ પ્રકારની બેદરકારી ચલાવી લેવાશે નહીં. તેમજ નબળી કામગીરી પણ નહીં ચલાવાય, જો આવું હશે તો કડક પગલાં ભરાશે. આ ચર્ચા દરમિયાન કેબિનેટમાં મુખ્ય સચિવ એમ.કે.દાસે એવું કહ્યું કે પાણીની ટાંકી પડયા બાદ જવાબદારોને સસ્પેન્ડ કર્યા છે. મુખ્યમંત્રીએ તમામ ડિપાર્ટમેન્ટોને દરેક કામમાં ખાસ કાળજી રાખવાની પણ શિખામણ આપી હતી.

આ ઘટનામાં જવાબદાર અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર વિરુદ્ધ માંડવી પોલીસ મથકે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ તમામ વિરુદ્ધ સરકારી નાણાંની છેતરપિંડી, વિશ્વાસઘાત અને મજૂરોને પહોંચેલી ઈજાઓ સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.

આ ગુનો મે. જયંતી સુપર ક્ધસ્ટ્રક્શન પ્રા. લિ., મહેસાણા અને તેમના જવાબદાર માણસો, બાબુભાઈ અંબાલાલ પટેલ, મહેસાણા અને તેમના જવાબદાર માણસો, પી.એમ.સી. એજન્સી માર્સ અને પ્લાનિંગ પ્રો. પ્રા. લિ., અમદાવાદના ટીમ લીડર અને સાઈટ એન્જિનિયર, તેમજ ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડના નાયબ કાર્યપાલક ઈજનેર જય એસ. ચૌધરી અને કાર્યપાલક ઈજનેર અંકિત પી. ગરાસિયા સામે નોંધાયો છે.
સુરતના કામરેજ તાલુકાના ગાયપગલા ધામ છે, એ તડકેશ્વર ગામમાં 21 કરોડના તોતિંગ ખર્ચે બનેલી પાણીની મસમોટી ટાંકીમાં ટ્રાયલ માટે પાણી ભરવામાં આવતું હતું ત્યાં આપમેળે જ લોંદાની જેમ કડડડભૂસ થઈને તુટી પડી હતી.

આ મામલે સરકારે તાત્કાલિક કાર્યવાહી કરીને નાયબ કાર્યપાલક એન્જિનિયર જય ચૌધરી અને તત્કાલીન કાર્યપાલક એન્જિનિયર રજનીકાંત ચૌધરીને સસ્પેન્ડ કર્યા છે. આ ઉપરાંત, ટાંકી બનાવનાર એજન્સીના તમામ ચૂકવણા અટકાવી દેવામાં આવ્યા હતા. આ સમગ્ર ઘટનાની ખાતાકીય તપાસ પણ કરવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *