ઘટના સમયે લકઝરી યાટ પર જયોર્જ બુશ અને ટ્રમ્પ પણ હાજર હોવાનો એપસ્ટીન ફાઈલનો ધડાકો
વોશિંગ્ટનથી અમેરિકાના રાજકારણમાં ભૂકંપ સર્જે તેવા સમાચાર આવ્યા છે. કુખ્યાત જાતીય અપરાધી જેફરી એપ્સટિનના કાળા કારનામાઓની ફાઈલો જેવી ખુલી રહી છે, તેમ-તેમ મોટા માથાઓના નામ સામે આવી રહ્યા છે. શુક્રવારે જાહેર થયેલી ’ન્યૂ એપ્સટિન ફાઇલ્સ’ના તાજેતરના દસ્તાવેજોમાં અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિઓ બિલ ક્લિન્ટન અને જ્યોર્જ બુશ પર અત્યંત ગંભીર અને વિચિત્ર આરોપો મૂકવામાં આવ્યા છે, જેનાથી સમગ્ર વિશ્વ ચોંકી ગયું છે.
એફબીઆઈ દ્વારા 27 ઈલીતિં 2019 ના રોજ લેવાયેલા એક ઈન્ટરવ્યુના ટ્રાન્સક્રિપ્ટમાં આ ચોંકાવનારી વિગતો સામે આવી છે. પીડિત યુવકે દાવો કર્યો હતો કે વર્ષ 2000 માં તે એક લક્ઝરી યાટ પર હતો, જ્યાં જેફરી એપ્સટિન અને બિલ ક્લિન્ટને તેની સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યું હતું. પીડિતના જણાવ્યા મુજબ, આ ઘટના બની ત્યારે તે ભારે ડ્રગ્સની અસરમાં હતો.
સૌથી આશ્ચર્યજનક વાત એ છે કે પીડિતે દાવો કર્યો છે કે આ મુસાફરી દરમિયાન અન્ય પૂર્વ રાષ્ટ્રપતિ જ્યોર્જ બુશ અને ડોનાલ્ડ ટ્રમ્પ પણ ત્યાં હાજર હતા. જોકે, ટ્રમ્પ પર કોઈ સીધો શારીરિક શોષણનો આરોપ મૂકવામાં આવ્યો નથી, પરંતુ તેમનું નામ આ વિવાદસ્પદ ટ્રિપ સાથે જોડવામાં આવ્યું છે.
પીડિતે એફબીઆઈને આપેલી વિગતો કોઈ હોરર ફિલ્મથી ઓછી નથી. તેણે આક્ષેપ કર્યો હતો કે તેને એક વિચિત્ર ’ધાર્મિક બલિદાન’નો શિકાર બનાવવામાં આવ્યો હતો. તેણે દાવો કર્યો કે એક ધારદાર હથિયારથી તેના પગ કાપી નાખવામાં આવ્યા હતા. આ ઉપરાંત તેણે ત્યાં બાળકોના અંગો કાપવા અને આંતરડા બહાર કાઢવા જેવી અત્યંત બિહામણી વાતો પણ વર્ણવી હતી.
જોકે, આ આરોપો અત્યંત ગંભીર હોવા છતાં, તેની સત્યાર્થતા પર મોટા પ્રશ્નો ઉભા થયા છે. એફબીઆઈના રિપોર્ટ મુજબ, પીડિતે પોતે કબૂલ્યું હતું કે તેણે ભૂતકાળમાં ’મેજિક મશરૂૂમ્સ’ અને અન્ય નશીલા પદાર્થોનું સેવન કર્યું હતું. વળી, તેણે પગ કાપવાનો દાવો કર્યો હતો પરંતુ તેના શરીર પર આવા કોઈ ડાઘ કે નિશાન જોવા મળ્યા ન હતા.
આ ઘટનાઓનું વર્ણન તેણે 2016 માં થેરાપી દરમિયાન યાદ આવેલી “દબાયેલી યાદો” ના આધારે કર્યું હતું. આરોપો લગાવનાર વ્યક્તિ પાસે કોઈ ઠોસ પુરાવા ન હોવાથી અને તેના નિવેદનોમાં વિસંગતતા હોવાથી એફબીઆઈએ તેને “ભાવનાત્મક રીતે અસંતુલિત” ગણાવ્યો હતો અને આ દિશામાં તપાસ આગળ વધારી ન હતી. ભલે તપાસ એજન્સીએ આ દાવાઓને ફગાવી દીધા હોય, પરંતુ આ ફાઈલો જાહેર થતા ફરી એકવાર અમેરિકાના ઉચ્ચ વર્ગ અને રાજકારણીઓ શંકાના દાયરામાં આવ્યા છે. સોશિયલ મીડિયા પર આ મુદ્દે ભારે ચર્ચા જાગી છે અને લોકો સત્ય જાણવા માટે માંગ કરી રહ્યા છે.
