ચાર દિવસમાં ચાંદી 1.60 લાખ, સોનું રૂા.40 હજાર તૂટ્યું
છેલ્લા ત્રણ દિવસ દરમ્યાન ચાંદીના ભાવમાં પડેલા મોટા ગાબડા આજે પણ યથાવત રહ્યા હતા. શુક્રવારે એકજ દિવસમાં ચાંદીમાં 1 લાખ રૂપીયાનો ઘટાડો નોંધાયા બાદ ગઇકાલે કડાકા ચાલુ રહ્યા હતા. આજે સપ્તાહના પ્રથમ દિવસે પણ ચાંદીના ભાવમાં રૂા. 17500નું ગાબડુ પડયું છે. સોનામાં પણ આજે રૂા.5000નો ઘટાડો જોવા મળી રહ્યો છે. છેલ્લા ચાર દિવસમાં ચાંદીમાં 1.70 લાખનો ઘટાડો નોંધાયો છે. જયારે સોનામાં પણ 40000નો ઘટાડો નોંધાયો છે.
એમસીએકસ દ્વારા માર્જિન વધારવામાં આવ્યા બાદ તેમજ જીયો પોલીટીકસ પરિસ્થિતિની વિપરીત સોના-ચાંદીના ભાવમાં મોટા કડાકા બોલી ગયા હતા. બીજી બાજુ રશીયા પણ સોનુ વેંચી રહ્યું છે તેવા બિનસતાવાર અહેવાલ વહેતા થયા હતા. ઉપરાંત યુએસ ફેડના ચેરમને તરીકે જેરોમ પોવેલની જગ્યા પર નવાની નિયુક્તિના સમાચારના પગલે સોના-ચાંદીના ભાવ દબાવમાં આવ્યા હતા.
આ કારણો ઉપરાંત ભારે પ્રોફીટ બુકીંગના પગલે સોના-ચાંદીના ભાવમાં કડાકા બોલી ગયા હતા. આજે પણ એમસીએકસમાં ચાંદીનો ભાવ 249415 પર આવી ગયો છે. એટલે કે આજે ચાંદીમાં પ્રતિ કિલોએ 17210 રૂા.નો કડાકો બોલી ગયો છે. સોનુ પણ એમસીએકસ પર 4800 રૂા. ઘટીને 137450 પર આવી ગયું છે. આજે પણ સોનામાં 5 ટકા અને ચાંદીમાં 6 ટકાનો ઘટાડો નોંધાયો છે.
આંતર રાષ્ટ્રીય બજારમાં સોનુ 4676 ડોલર અને ચાંદી 78 ડોલર પર જોવા મળી છે. છેલ્લા ચાર દિવસમાં સોનુ 900 ડોલર અને ચાંદી 45 ડોલર ઘટી છે. રાજકોટમાં આજે ચાંદીનો હાજર ભાવ 257000 જોવા મળી રહ્યો છે. જયારે સોનાનો ભાવ 152000 આસપાસ જોવા મળી રહ્યો છે.
