દ્વારકાના રૂપેણબંદર વિસ્તારમાં માછીમારી કરતા સ્થાનિક મુસ્લિમ માછીમારો અને અહીં બહાર ગામથી આવેલા (આયાતી) મુસ્લિમો વચ્ચે છેલ્લા કેટલાક દિવસોથી મનદુઃખ અને ઘર્ષણની પરિસ્થિતિ જોવા મળી હતી.
અહીંના વિસ્તાર માટે આયાતી મનાતા એટલે કે થોડા સમય પૂર્વે કલ્યાણપુર તાલુકાના હર્ષદ, નાવદ્રા, ભોગાત જેવા સ્થળોએથી ડિમોલીશન થયું હોવાથી ત્યાંના માછીમારોએ દ્વારકા રૂપેણ બંદર વિસ્તારમાં શરણ લીધી હતી. તેમજ ત્યાં જ રહીને માછીમારી પણ કરતા હતા. જેમાં સ્થાનિક માછીમારો બોટ પાર્કિંગ કરતા હતા, તે જગ્યા પર બહારગામથી અત્રે આવેલા માછીમારો દ્વારા બોટ પાર્કિંગ કરવામાં આવતા ગઈકાલે આ વિસ્તારમાં લોહિયાળ જંગ ખેલાયો હતો.
આ બઘડાટીમાં મોટી સંખ્યામાં માછીમારો ઘવાયા હતા. જે તમામ લોકોને દ્વારકા હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. આ સમગ્ર બાબત અંગે સ્થાનિક પોલીસે તપાસ હાથ ધરી છે. બન્ને પક્ષે મળીને કુલ 26 જેટલા લોકો ઈજાગ્રસ્ત થયા હતા. જે પૈકી બે ઈજાગ્રસ્તોને જામનગર ખસેડવામાં આવ્યા છે.
દ્વારકામાં બોટ પાર્કિંગ બાબતે માછીમારોના બે જૂથ વચ્ચે બઘડાટી: બે ડઝન જેટલા લોકો ઘવાયા
