200 ખેડૂતોની અટકાયત, ખેડૂતોના ખેતરમાં વીજપોલ નાખવાની કામગીરી શરૂ થતા જ ઉગ્ર વિરોધ કરાયો
સરકાર અને પોલીસ ખેડૂતોને આતંકવાદી સમજે છે, પહેલા દારૂના અડ્ડા બંધ કરાવો: માંગણી સંતોષાયા બાદ કામ શરૂ કરવા ખેડૂતોનુ અલ્ટિમેટમ
સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રામાં પંથકમાં નેશનલ પાવરગ્રીડ કંપની દ્વારા ખેડૂતોના ખેતરમાં વીજપોલ નાખવાની કામગીરી શરૂૂ થતાં ખેડૂતોએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. વજ્ર વાહન સાથે પોલીસના ધાડેધાડા ઉતર્યા હતા અને કોંઢ સહિત આસપાસના ગામોના ખેતરોમાં કામગીરી રોકવા ગયેલા 200થી વધુ ખેડૂતોની પોલીસે અટકાયત કરી હતી.
સોમવારે સવારે અચાનક ખાનગી કંપની પોલીસ પ્રોટેક્શન સાથે કોંઢ ગામે ખેતરોમાં પ્રવેશી હતી. વજ્ર વાહન અને 10થી વધુ વાહનો સાથે પોલીસના ધાડેધાડા ધ્રાંગધ્રામાં ઉતર્યા હતા. વીજપોલ નાખવાની કામગીરીનો વિરોધ કરી રહેલા ખેડૂતો અને પોલીસ વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું. કામગીરીનો વિરોધ કરનારા 200થી વધુ ખેડૂતોને પોલીસ દ્વારા ડિટેઇન કરવામાં આવ્યા હતા. ખેડૂતોની અટકાયત કર્યા બાદ ખેતરોમાં કામગીરી શરૂૂ કરાતા ખેડૂતોએ ખાનગી કંપની અને પોલીસની કાર્યવાહીને ’રાજાશાહી’ ગણાવી હતી. તેમણે આગામી સમયમાં વધુ ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે.
પોલીસ કામગીરી સામે આક્રોશ વ્યકત કરતા એક ખેડૂતે જણાવ્યું હતું કે ચૂંટણી પૂરી થઈ ગયા પછી સરકારે આ કામ શરૂૂ કર્યું છે અને પોલીસ પાવરગ્રીડ કંપનીની ફેવરમાં કામ કરે છે. સરકાર અને પોલીસ ખેડૂતોને આતંકવાદી સમજે છે.
તો એક ખેડૂતે પોલીસ સામે આક્રોશ વ્યકત કરતાં કહ્યું કે પોલીસ ખેડૂતોને હેરાન કરવાનું બંધ કરે અને પહેલા દારૂૂના અડ્ડા બંધ કરાવે. 10-10 બોલેરો અહીથી દારુ ભરીને નીકળે છે, એને પોલીસ કેમ નથી પકડતી?
ખેડૂત આગેવાન હરપાલસિંહ ઝાલાએ આક્રોશ સાથે જણાવ્યું કે પાવરગ્રીડ કંપની અન્ય તાલુકાની સરખામણીએ અમને ઓછું વળતર આપે છે.
કંપની જમીનનું વળતર આપવામાં વ્હાલાદવલાની નીતિ અપનાવે છે અન્ય તાલુકા કરતા કોંઢ ગામના ખેડૂતોને ઓછુ વળતર આપે છે, જે જંત્રીથી નીચુ આપે છે. વીજપોલ જમીનમાં નાંખવાથી જમીનની વેચાણ કિંમત ઘટી જાય છે. જ્યારે ચાલુ સિઝનમાં ઉભા મોલમાં નુકસાન થાય છે.
અગાઉ પણ પાવરગ્રીડ કંપનીના કર્મચારીઓ સર્વે કરવા આવ્યા ત્યારે સ્થાનિક ખેડૂતોએ દસ જેટલી માંગણીઓ રજૂ કરી હતી. ખેડૂતોએ માંગણીઓ સ્વીકારાયા બાદ જ કામ શરૂૂ કરવા માટે અલ્ટિમેટમ આપ્યું હતું. તે સમયે સ્થાનિક ડી.વાય.એસ.પી. જે.ડી. પુરોહિત અને પોલીસની સમજાવટ બાદ મામલો થાળે પડ્યો હતો અને સર્વે માટેનો સમય આપવામાં આવ્યો હતો. આ વખતે 12 માંગણીઓ સાથે ખેડૂતો વિરોધમાં ઉતર્યા હતા.
ખેડૂતોનો આરોપ છે કે, તેમની માંગણીઓ સંતોષાયા વિના જ કંપની દ્વારા ખેતરોમાં વીજપોલ નાખવાની કામગીરી શરૂૂ કરવામાં આવી છે.
