હીટવેવ સામે સિવિલ સજ્જ, ખાસ વોર્ડ ઉભો કરાયો

સમગ્ર રાજ્યમાં ગરમીનો પારો વધી રહ્યો છે અને જેના કારણે ડી હાઇડ્રેશન અને હીટ સ્ટ્રોકના દર્દીઓ વધી રહ્યા છે. હજુ ગરમી વધે તેવી શક્યતાઓ વચ્ચે…

સમગ્ર રાજ્યમાં ગરમીનો પારો વધી રહ્યો છે અને જેના કારણે ડી હાઇડ્રેશન અને હીટ સ્ટ્રોકના દર્દીઓ વધી રહ્યા છે. હજુ ગરમી વધે તેવી શક્યતાઓ વચ્ચે સિવિલ હોસ્પિટલમાં ખાસ હીટ સ્ટ્રોકના દર્દીઓ માટે અલાયદો વોર્ડ શરૂૂ કરવામાં આવ્યો છે.રાજકોટમાં માર્ચના પ્રારંભથી તાપમાનનો પારો અગનગોળા સમાન સાબિત થઈ રહ્યો છે ત્યારે શહેરીજનો ગરમ લૂથી અકળાઈ રહ્યા છે. બીજી બાજુ લૂની અસર પામેલા લોકોની સારવાર માટે સિવિલમાં દર્દીઓ વધવા લાગતા સિવિલ હોસ્પિટલ તંત્ર સતર્ક થઈ ગયું છે. આ માટે જરૂૂરી પેરેમેડિકલ સ્ટાફની સેવા ખડેપગે તૈનાત કરી દેવાઈ છે. ઉતરોતર વધતી જતી ગરમીને ધ્યાને લઈ અહીં ખાસ અલગ વોર્ડ ઉભો કરાયો છે.જેમાં 20 બેડની વ્યવસ્થા સાથે પાંચ તબીબ અને 10 નર્સિંગ સ્ટાફને તૈનાત કરવામાં આવ્યા છે.

તબીબી અધિક્ષક ડો. મોનાલીબેન માંકડિયાના જણાવ્યા મુજબ, સિવિલ હોસ્પિટલ સૌરાષ્ટ્રની સૌથી મોટી હોસ્પિટલ હોવાને લઇ ઠેર-ઠેરથી દર્દીઓ અને તેના સગાઓ અહીં આવતા હોય છે. જેને ગરમીને કારણે કોઈ મુશ્કેલી ન પડે તેની તકેદારી રાખવામાં આવી રહી છે. સાથે જ લૂ લાગવાના તેમજ હીટસ્ટ્રોકનાં બનાવો માટે ઈમરજન્સી વિભાગની ઉપર વોર્ડ નંબર 10 ખાતેના બિલ્ડિંગમાં 20 બેડનો ખાસ વોર્ડ ઊભો કરાયો છે. આ વોર્ડ માટે ખાસ પાંચ ડોક્ટર્સ અને 10 નર્સિંગ સહીત પેરા મેડિકલ સ્ટાફ તૈનાત રાખવામાં આવ્યો છે. ગરમીમાં વધારો થતાં સામાન્ય રીતે લુ લાગવાના અને હીટસ્ટ્રોક તેમજ ડિહાઇડ્રેશન થવાના બનાવોમાં વધારો થતો હોય છે.આવા બનાવો થોડી સાવધાની રાખવાથી રોકી શકાય છે.

ત્યારે લોકોએ પણ સાવચેત રહેવું જરૂૂરી છે. જેમાં સવારે 10થી સાંજે 5 સુધી ગરમીના સમયમાં વૃદ્ધો, બાળકો અને સગર્ભાઓએ કામ સિવાય બહાર નીકળવું જોઈએ નહીં. તેમજ બહારના ઠંડા-પીણાથી દુર રહેવુ અને બહારનો ખોરાક લેવાનું ટાળવા તબીબોનો અનુરોધ કર્યો છે. વધુમાં તડકામાં કામ કરવું પડતું હોય તેવા મજૂર વર્ગ પણ શક્ય હોય તો સવાર સાંજ એક એક કલાક વહેલા તેમજ મોડા કામ કરી બપોર 12થી 4 ના અસહ્ય તડકાથી બચવું જોઇએ તેવી અપીલ કરી છે. આ સિવાય જો તમને ઉલટી ઉબકા આવે, ચક્કર આવે, આંખે અંધારા લાગે, ગભરામણ જેવા લક્ષણો લાગે તો તાત્કાલિક નજીકમાં ડોકટરની સલાહ લેવી જોઈએ તેમ જણાવ્યું છે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *