જૂનાગઢમાં 100 કરોડના ખર્ચે બનશે સિવિલ હોસ્પિટલ

જૂનાગઢ સહિત સોરઠ પંથકના દર્દીઓ માટે સારા સમાચાર સામે આવ્યા છે. જૂનાગઢ સિવિલ હોસ્પિટલને અદ્યતન સુવિધાઓથી સજ્જ કરવા માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા 100…

જૂનાગઢ સહિત સોરઠ પંથકના દર્દીઓ માટે સારા સમાચાર સામે આવ્યા છે. જૂનાગઢ સિવિલ હોસ્પિટલને અદ્યતન સુવિધાઓથી સજ્જ કરવા માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા 100 કરોડથી વધુનું આયોજન કરવામાં આવ્યું છે. ધારાસભ્ય સંજય કોરડીયાની અધ્યક્ષતામાં સિવિલ હોસ્પિટલના ડોક્ટરો સાથે એક ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ હતી, જેમાં હોસ્પિટલના નવીનીકરણ અને આગામી સુવિધાઓ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.

સિવિલ હોસ્પિટલમાં હાલ સારવારની ગુણવત્તા વધારવા પર ભાર મુકવામાં આવી રહ્યો છે. હોસ્પિટલના કુલ 13 ઓપરેશન થિયેટરને અત્યાધુનિક બનાવવામાં આવશે. જેમાંથી 7 ઓપરેશન થિયેટરને રિનોવેટ કરવામાં આવશે, જ્યારે 6 નવા ઓપરેશન થિયેટરોનું નિર્માણ કરવામાં આવશે.

આ હાઈ-ટેક ઓપરેશન થિયેટરથી માત્ર દર્દીઓને જ ફાયદો નહીં થાય, પરંતુ મેડિકલ કોલેજના UG અને PGના વિદ્યાર્થીઓ પણ આધુનિક ટેકનોલોજી સાથે ઓપરેશનનો અનુભવ મેળવી શકશે. આ કામગીરી હાલ પૂર્ણતાના આરે છે.

ધારાસભ્ય સંજય કોરડીયાએ જણાવ્યું હતું કે, અત્યાર સુધી જૂનાગઢ, ગીર સોમનાથ અને પોરબંદર જિલ્લાએ દવાઓ માટે રાજકોટ પર નિર્ભર રહેવું પડતું હતું. ઘણીવાર સમયસર દવાઓ ન મળવાને કારણે મુશ્કેલીઓ સર્જાતી હતી.

હવે સરકારે જૂનાગઢ ખાતે જ આ ત્રણ જિલ્લાઓ માટે ’રિજીયોનલ ડ્રગ ડેપો’ મંજૂર કર્યો છે. આ સાથે જ ફૂડ અને ડ્રગ્સની લેબોરેટરી પણ અહીં જ કાર્યરત થશે, જેનાથી આરોગ્ય ક્ષેત્રે જૂનાગઢ હેડક્વાર્ટર તરીકે ઉભરી આવશે.
ગંભીર હાલતમાં રહેલા દર્દીઓ માટે સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં 50 બેડની અલાયદી ’ક્રિટિકલ કેર હોસ્પિટલ’નું નિર્માણ થઈ રહ્યું છે. સૌથી મહત્વની વાત એ છે કે જૂનાગઢ મેડિકલ કોલેજમાં પીજી (Post Graduation) કોર્સ શરૂૂ થવાથી હવે સિવિલ હોસ્પિટલમાં એમડી (MD) કક્ષાના નિષ્ણાત ડોક્ટરો ચોવીસ કલાક ઉપલબ્ધ રહેશે. આ સુવિધાને કારણે હૃદયરોગ, અકસ્માત કે અન્ય ગંભીર બીમારીના કિસ્સામાં દર્દીઓને રાજકોટ કે અમદાવાદ રિફર કરવાની જરૂૂરિયાત નહિવત થઈ જશે.

હોસ્પિટલના સ્ટાફ અને વિદ્યાર્થીઓ માટે પણ મહત્વના નિર્ણયો લેવાયા છે. 250થી વધુ નર્સિંગ સ્ટાફ અને વિદ્યાર્થીઓ રહી શકે તે માટે આધુનિક નર્સિંગ હોસ્ટેલ અને બિલ્ડીંગની ડિઝાઇન તૈયાર થઈ ગઈ છે, જેની વહીવટી મંજૂરી પણ મળી ચૂકી છે. ટૂંક સમયમાં તેનું બાંધકામ પણ શરૂૂ કરી દેવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *