શહેરને મળશે નવી 9 ટીપી સ્કિમ, ટૂંક સમયમાં માપણી

રૂડા અને મનપાની 49 પૈકી 40ને પ્રારંભિક મંજૂરી અપાયા બાદ હવે 9 નવી ટીપી સ્કિમ માટેની તૈયારીઓ શરૂ રાજકોટ અને રૂડાનો વ્યાપ વધતા નવી ટીપી…

રૂડા અને મનપાની 49 પૈકી 40ને પ્રારંભિક મંજૂરી અપાયા બાદ હવે 9 નવી ટીપી સ્કિમ માટેની તૈયારીઓ શરૂ

રાજકોટ અને રૂડાનો વ્યાપ વધતા નવી ટીપી સ્કીમો તૈયાર કરવામાં આવી રહી છે.. વિકાસના કામો અને આંતર માળખાકીય સુવિધાઓ માટે જરૂરી હોવાથી મનપા દ્વારા 59 ટીપી સ્કીમનો ડ્રાફટ તૈયાર કરવામાં આવેલ જે પૈકી 40 ટીપી સ્કીમને પ્રારંભીક મંજૂરી મળી ગઇ છે.

બાકી રહેલ 19 પૈકી 9 ટીપી સ્કીમનો ડ્રાફટ તૈયાર કરવા માટે બેઝમેપ બનાવી રેકોર્ડ તૈયાર કરવો તથા માપણી રેકોર્ડ પ્રમાણીત કરવા અને સર્વ તથા ડિમાર્કેશન સંબંધીત કામગીરી માટે મહાનગરપાલિકા દ્વારા એજન્સીને કામ સોંપવા ટેન્ડર પ્રક્રિયા કરવામાં આવી છે. જેના લીધે શહેરના છેવાડાના વિસ્તારોમાં વધુ 9 ટીપી સ્કીમ તૈયાર થતા વિકાસને વેગ મળશે.

રાજ્ય સરકાર દ્વારા શહેરના આંતરમાળખાકીય વિકાસ માટે મહાનગરપાલિકાઓ અને રૂડા વિસ્તારમાં આવતા વિસ્તારોની ટીપી સ્કીમ માટેનો ડ્રાફટ તૈયાર કરવાની સુચના આપવામાં આવી છે. છેલ્લા બે વર્ષ દરમ્યાન 6થી વધુ ટીપી સ્કીમનો ડ્રાફટ તૈયાર કરી સરકારમાં મંજૂરી અર્થે મોકલવામાં આવ્યો છે. મહાનગપાલિકાએ કુલ અલગ અલગ વિસ્તારોની 59 ટીપી સ્કીમનો ઇરાદો જાહેર કર્યો છે. જે પૈકી 40 ટીપી સ્કીમ પ્રારંભીક રીતે મંજૂર કરાઇ છે. 19 ટીપી સ્કીમનો ડ્રાફટ મંજૂર થઇ ગયો છે.

જેનો આખરી તબકકો બાકી હોવાનુ જાણવા મળેલ છે. ત્યારે મનપાની હદમાં નવા ભળેલી ગ્રામપંચાયતોમાં વિકાસના કામોની ઝડપ વધારવા માટે નવી ટીપી સ્કીમ બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ચાલુ વર્ષે હજૂ સુધી એક પણ ટીપી સ્કીમ મંજૂર થઇ નથી આથી ડ્રાફટની કામગીરી ઝડપી થઇ શકે તે માટે ડીજીપીએસ મશીનથી માપણી કરી નગરરચના યોજનાઓ માટે બેઝમેપ બનાવવાની અને રેકોર્ડ તૈયાર કરવાની તથા માપણી રેકોર્ડ પ્રમાણીત કરવા અંગેની કામગીરી અને સર્વે તેમજ ડીમાર્કેશન સંબંધીત કામગીરી માટે એજન્સીને 5 વર્ષના સમયગાળા માટે કામ સોંપવામાં આવશે. જેના માટે ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવી હોવાનુ જાણવા મળેલ છે.

મહાનગપાલિકાની હદમાં ભડેલા વાવડી, કોઠારીયા અને મવડીની મોટાભાગની ટીપી સ્કીમનો ડ્રાફટ તૈયાર થઇ ગયો છે. તેમજ અનેક ટીપી સ્કીમનો મંજૂરી મળ્યા બાદ રોડ રસ્તા તેમજ અનામત પ્લોટના કબજા લેવાઇ ગયા છે. ત્યારે રૂડા વિસ્તારમાં આવતી ગ્રામપંચાયતો અને તાજેતરમાં મહાનગરપાલિકાની હદમાં ભળેલા માધાપર, મુજકા, મોટામવા, ઘંટેશ્ર્વર અને મનહરપુર-1 સહિતના વિસ્તારોમાં બાકી રહી ગયેલી ટીપી સ્કીમો માટે અત્યારથી તૈયારીઓ શરૂ કરવામાં આવી છે.

રૂડાની ટીપી સ્કિમો માટેનો ધમધમાટ શરૂ
મહાનગરપાલિકાની હદમાં ભળેલા ગામોની બાકી રહેલી ટીપી સ્કીમો માટે માપણી, સર્વે અને ડીમાર્કેશન સહિતની કામગીરી ટૂંક સમયમાં શરૂ કરવામાં આવનાર છે. ત્યારે રૂડા વિસ્તારમાં આવતા અને નજીકના ભવિષ્યમાં રાજકોટ મહાનગરપાલિકાની હદમાં ભળી શકે તેવી ગ્રામપંચાયતોમાં આવતી અનેક ટીપી સ્કીમો માટેની કાર્યવાહી રૂડા દ્વારા શરૂ કરવામાં આવી હોવાનું જાણવા મળેલ છે. જેના માટેનો મુશદો ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે. તેમ જાણવા મળેલ છે..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *