રાજકોટ શહેરમાં પર્યાવરણ પ્રત્યેની જાગૃતિ અને હરિયાળી પ્રત્યેનો પ્રેમ દિન-પ્રતિદિન વધી રહ્યો છે, જેનો આબેહૂબ અને આનંદદાયક નજારો આજે સમગ્ર શહેરમાં જોવા મળ્યો હતો. મહાનગરપાલિકા દ્વારા આજે શહેરીજનોમાં પર્યાવરણ પ્રત્યે પ્રેમ અને જવાબદારીની ભાવના કેળવાય તે હેતુથી વિનામૂલ્યે વિવિધ પ્રકારના છોડ અને રોપાનું વિતરણ કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું. શહેરીજનોને પોતાના ઘરની નજીકથી જ સરળતાથી અને કોઈ પણ જાતની મુશ્કેલી વગર રોપા મળી રહે તે માટે તમામ સ્થાનિક વિસ્તારોમાં આવેલી વોર્ડ ઓફિસો ખાતેથી આ વિતરણ વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. મનપાને ધારણા હતી વધીને સમગ્ર શહેરમાં કુલ 5000 રોપા વિતરણ થવાની. તેની સામે વિતરણ શરૂૂ થયાના પ્રથમ બે જ કલાકમાં જ વોર્ડ ઓફિસોમાં મુકેલો સ્ટોક ખાલી થઇ ગયો હતો. કુલ 18000 રોપાનો સ્ટોક મોકલાયો હતો. આ તમામ આજે માત્ર ચાર જ કલાકમાં વિતરણ થઇ ગયા હતા.
છોડ વિતરણ કાર્યક્રમ માટે સવારે 8 વાગ્યાથી બપોરના 12 વાગ્યા સુધીનો ચાર કલાકનો સમય નક્કી કરવામાં આવ્યો હતો. મનપાનું અનુમાન હતું કે ચાર કલાક દરમિયાન નાગરિકો ધીમે-ધીમે આવીને પોતાની પસંદગીના રોપા લઈ જશે. પરંતુ સવારે જેવા 8 વાગ્યા કે તુરંત જ શહેરની તમામ વોર્ડ ઓફિસો બહાર લોકોનો ભારે ધસારો જોવા મળ્યો હતો. નિર્ધારિત સમય કરતાં પણ પહેલાં લોકો લાઈનમાં ઊભા રહી ગયા હતા. સવારે 8 વાગ્યાના ટકોરે તો દરેક વોર્ડ ઓફિસ બહાર નાગરિકોની લાંબી લાઈનો લાગી ચૂકી હતી. પોતાના ઘરના આંગણા, બાલ્કની અને બગીચાને હરિયાળા બનાવવાની તીવ્ર ઈચ્છા સાથે મહિલાઓએ પણ લાઈનમાં ઊભા રહીને ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આ દ્રશ્યો એ વાતની સ્પષ્ટ સાક્ષી પૂરતા હતા કે ઘરમાં પર્યાવરણ પ્રત્યેની જાગૃતિ લાવવામાં ગૃહિણીઓનું યોગદાન કેટલું મહત્વપૂર્ણ બની રહ્યું છે.
તુલસી, લીમડો, ગલગોટા, ગુલમોહર જેવા વિવિધ ઔષધીય, છાંયડો આપતા અને ફૂલઝાડ તેમજ શેતુર, જામફળી, લીંબુ જેવા વૃક્ષના રોપા મેળવવા માટે લોકોમાં ભારે હોડ જામી હતી. પ્રથમ બે કલાકમાં જ હજારોની સંખ્યામાં છોડનું વિતરણ થઈ ગયું હતું. જે દર્શાવે છે કે રાજકોટના લોકો હવે વૃક્ષારોપણને માત્ર એક સરકારી કાર્યક્રમ તરીકે નહીં પરંતુ પોતાના નૈતિક કર્તવ્ય તરીકે સ્વીકારી રહ્યા છે. આજના આ સફળ અને આહલાદક આયોજને સાબિત કર્યું છે કે રાજકોટ શહેર માત્ર વેપાર-ધંધા અને ખાણીપીણી માટે જ નહીં, પરંતુ પર્યાવરણની સુરક્ષા માટે પણ એટલું જ જાગ્રત છે. મહાનગરપાલિકાનો આ વિનામૂલ્યે રોપા વિતરણનો પ્રયોગ સંપૂર્ણપણે સફળ રહ્યો છે. મનપાની નર્સરીમાં નવો સ્ટોક બે દિવસમાં જ આવી જશે અને નજીકના દિવસોમાં જ ફરી એકવખત આ રીતે રોપા વિતરણનો કાર્યક્રમ રાખવામા આવશે તેમ ગાર્ડન શાખાના અધિકારી ડો.જાકાસણિયાએ જણાવ્યુ હતુ.
