જામનગર શહેરમાં ટ્રાફિકની સમસ્યા અને પદયાત્રીઓને થતી મુશ્કેલીને ધ્યાનમાં રાખીને, મહાનગરપાલિકાના એસ્ટેટ વિભાગ દ્વારા આજે જીજી હોસ્પિટલની સામે આવેલ દુકાનોમાંથી રોડ પર થયેલ દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
આ દબાણને કારણે હોસ્પિટલમાં આવતા દર્દીઓ અને તેમના પરિજનોને ભારે હાલાકીનો સામનો કરવો પડતો હતો. હોસ્પિટલ સામેના રસ્તા પર દુકાનો દ્વારા કરવામાં આવેલ દબાણને કારણે ટ્રાફિકની સમસ્યા વધી જતી હતી અને પદયાત્રીઓ માટે પણ ચાલવા જવાનું મુશ્કેલ બની જતું હતું.
મહાનગરપાલિકાના એસ્ટેટ વિભાગ દ્વારા આ દબાણ દૂર કરવાની કાર્યવાહી કરતાં હોસ્પિટલ પરિસર અને આસપાસનો વિસ્તાર વધુ ખુલ્લો થયો છે. આ સાથે જ ટ્રાફિકની સમસ્યામાં પણ રાહત મળી છે. આ કામગીરીથી જામનગરના નાગરિકોમાં ખુશીની લહેર ફરી વળી છે. લોકોનું માનવું છે કે, આવી કામગીરીથી શહેરની સુંદરતા વધશે અને શહેરવાસીઓને વધુ સારી સુવિધાઓ મળશે.