ચોટીલાના નાયબ કલેકટરે ગેરકાયદે ખનન પર દરોડા પાડયા, 48 લાખનો મુદ્દામાલ જપ્ત

ચોટીલાના નાયબ કલેક્ટર એચ.ટી. મકવાણા અને તેમની ટીમે ગેરકાયદેસર ખનન પર બે સ્થળોએ સફળ દરોડા પાડ્યા છે. આ કાર્યવાહીમાં કુલ રૂૂ. 48 લાખનો મુદ્દામાલ જપ્ત…

ચોટીલાના નાયબ કલેક્ટર એચ.ટી. મકવાણા અને તેમની ટીમે ગેરકાયદેસર ખનન પર બે સ્થળોએ સફળ દરોડા પાડ્યા છે. આ કાર્યવાહીમાં કુલ રૂૂ. 48 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે, જેમાં બે લોડર અને ત્રણ ટ્રેક્ટરનો સમાવેશ થાય છે. આ દરોડા ચોટીલા તાલુકાના નાવા ગામના કાળી ધાર વિસ્તારમાં આવેલા તળાવ અને થાનગઢ તાલુકાના ગુગલીયાણા ગામના સરકારી વીડમાં પાડવામાં આવ્યા હતા.

નાવા ગામે થયેલી કાર્યવાહીમાં એક લોડર મશીન અને એક ટ્રેક્ટર જપ્ત કરવામાં આવ્યું હતું, જેની કુલ કિંમત રૂૂ. 21 લાખ આંકવામાં આવી છે. આ ખનન પ્રવૃત્તિમાં નાવા ગામના સરપંચ લાભુભાઈ દેવાભાઈ અઘારા તેમજ વાહન માલિકો કનુભાઈ ખીમાભાઈ વાઘરોડિયા અને દેવાભાઈ ગાંડાભાઈ અઘારા સંડોવાયેલા હોવાનું સામે આવ્યું છે. તેવી જ રીતે, ગુગલીયાણા વીડમાં પાડવામાં આવેલા દરોડામાં એક લોડર મશીન અને બે ટ્રેક્ટર જપ્ત કરાયા હતા, જેનો મુદ્દામાલ રૂૂ. 27 લાખનો અંદાજવામાં આવ્યો છે. આ કેસમાં ખાખરાળી ગામના કાનાભાઈ બાથાભાઈ રાઠોડ અને ડ્રાઈવર રામાભાઈ ભોપભાઈ રાઠોડની સંડોવણી બહાર આવી છે.

બંને સ્થળોએથી જપ્ત કરાયેલો કુલ રૂૂ. 48 લાખનો મુદ્દામાલ મામલતદાર કચેરી, ચોટીલા ખાતે ખસેડવામાં આવ્યો છે. સંબંધિત વાહન માલિકો અને ગેરકાયદેસર ખનન સાથે સંકળાયેલા ઇસમો સામે ખનિજ નિયમોના ભંગ બદલ દંડાત્મક વસૂલાતની કાર્યવાહી શરૂૂ કરવામાં આવી છે. આ ઉપરાંત, સરકારી જમીન પર ગેરકાયદેસર કબજો અને ખનન જેવી ગંભીર પ્રવૃત્તિઓને ધ્યાનમાં રાખીને લેન્ડ ગ્રેબિંગ સંબંધિત કાયદાકીય કાર્યવાહી, ગુજરાત પોલીસ અધિનિયમ હેઠળ તડીપારની કાર્યવાહી તથા ભવિષ્યમાં ગેરકાયદેસર ખનન ન કરવા માટે જરૂૂરી જામીનગીરી લેવાની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી રહી છે.

ચોટીલાના નાયબ કલેક્ટર અને સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ એચ.ટી. મકવાણાએ જણાવ્યું હતું કે, સરકારી જમીન અને રાજ્યની ખનિજ સંપત્તિનું રક્ષણ કરવું એ વહીવટી તંત્રની પ્રાથમિક જવાબદારી છે. તેમણે સ્પષ્ટ કર્યું કે, સરકારી જમીનમાંથી કોઈપણ પ્રકારનું ગેરકાયદેસર ખનન કે ખનિજ ચોરી સહન કરવામાં આવશે નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *