જૂનાગઢ જિલ્લાના પ્રવાસન ઉદ્યોગને વધુ વેગ આપવા માટે રાજ્ય સરકાર દ્વારા સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આ જ શ્રેણીમાં ગિરનાર પર્વત અને સાસણ ગીર જેવા પ્રખ્યાત સ્થળો ધરાવતા જૂનાગઢમાં હવે ચોરવાડ બીચને સુવિધાયુક્ત બનાવવાનું કાર્ય હાથ ધરવામાં આવ્યું છે. ગુજરાત પ્રવાસન નિગમ લિમિટેડ દ્વારા 4.81 કરોડના ખર્ચે આ બીચનું નવીનીકરણ કરવામાં આવશે.
ચોરવાડ બીચ પર આયોજિત ખાતમુહૂર્ત કાર્યક્રમમાં સાંસદ રાજેશ ચુડાસમા અને ધારાસભ્ય ભગવાનજી કરગઠિયા ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે સાંસદ રાજેશ ચુડાસમાએ જણાવ્યું કે, દૂધેશ્વર મહાદેવના સાંનિધ્યમાં ચોરવાડના બીચને ફરી વિકસિત કરવા માટે આ પાવન અવસર મળ્યો છે. આ પ્રોજેક્ટ અંતર્ગત પાકો રોડ, સેલ્ફી પોઇન્ટ, પાર્કિંગ લોટ, બેન્ચીસ, ટોઇલેટ બ્લોક જેવી અનેક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે.
આ કાર્યક્રમની શરૂૂઆતમાં ટીવી કલાકાર મયુર વાકાણીએ પોતાના પ્રતિભાવ રજૂ કર્યા હતા, જેમનું સ્ટેજ પર કૃષ્ણ ભગવાનની મૂર્તિ આપીને સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની રૂૂપરેખા વિમલભાઈ મીઠાણીએ આપી અને સમગ્ર સંચાલન રમેશભાઈ જોશીએ કર્યું હતું. આભારવિધિ કુલદીપભાઈ પાઘડારે કરી હતી. આ પ્રસંગે નગરપાલિકા પ્રમુખ બેનાબેન ચુડાસમા, નગરપાલિકાના સદસ્યો, સામાજિક આગેવાનો, અને મોટી સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા હતા. કાર્યક્રમ પૂર્ણ થયા બાદ આમંત્રિત મહેમાનોના હસ્તે તકતીનું અનાવરણ કરીને આ વિકાસ કાર્યનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ પ્રોજેક્ટ પૂર્ણ થયા બાદ ચોરવાડ બીચ એક મુખ્ય પ્રવાસન સ્થળ તરીકે વધુ વિકસિત થશે એવી આશા વ્યક્ત કરવામાં આવી છે.
